• Home
  • NRG
  • USA
  • Collabera plans to be a $1 billion company within the next five years

1 બિલિયન ડૉલરની કંપની બનનારી ગુજરાતીઓની કંપની ‘કોલાબ્રા’ વડોદરામાં દેશનો સૌથી મોટો IT પાર્ક ઊભો કરશે

ન્યુજર્સીમાં ઘરોમાં અખબારો નાખીને પૈસા એકઠા કરીને આ બંને મિત્રોએ કંપની સ્ટાર્ટ કરી

divyabhaskar.com | Updated - Oct 22, 2018, 07:35 PM
Collabera plans to be a $1 billion company within the next five years

એનઆરજી ડેસ્કઃ (મનિષ મહેતા, કેલગરી) બે ગુજરાતી યુવાન આંખોમાં ઉજ્જવળ ભવિષ્યનાં સપનાં આંજીને અને માતા-પિતાની ઈચ્છા પૂરી કરવા માટે અમેરિકાની વાટ પકડે અને આજે બે-અઢી દાયકા પછી તેમની કંપની માટે દુનિયાભરમાં 16 હજારથી પણ વધુ કર્મચારીઓ કામ કરતા હોય તે વાત કોઈ ફિલ્મી સ્ટોરી જેવી લાગે. પરંતુ છે 100 ટકા સત્ય. વાત થઈ રહી છે અમેરિકાની ટોપ-10 સ્ટાફિંગ કંપનીઓમાં સામેલ ‘કોલાબ્રા’ (Collabera)ની. તેના સ્થાપકો હિતેન પટેલ અને શ્યામ પટેલ હાડોહાડ ગુજરાતી છે. ગુજરાતમાં જ ભણીને એંસીના દાયકાના અંતભાગમાં અમેરિકા ગયેલા. દિવસ આખો કોઈ મલ્ટિનેશનલ કંપની માટે નોકરી અને વહેલી સવારે ન્યુજર્સીમાં ઘરોમાં અખબારો નાખીને પૈસા એકઠા કરીને આ બંને મિત્રોએ કંપની સ્ટાર્ટ કરી. જેમાં ત્રીજા ગુજરાતી ધાર (ધર્મેન્દ્ર) પાટડિયાનું ટેક્નોલોજીનું વિઝન ઉમેરાયું. વિશ્વભરની અગ્રણી IT કંપનીઓને અત્યંત કુશળ કર્મચારીઓ પૂરા પાડવાનું કામ કરતી ‘કોલાબ્રા’ આજે 700 મિલિયન ડૉલરની કંપની છે. બહુ ટૂંક સમયમાં જ કોલાબ્રા 1 બિલિયન ડૉલરની કંપની બની જશે.

વડોદરામાં દસ લાખ સ્ક્વેર ફીટમાં IT પાર્ક તૈયાર થશે

- અમેરિકામાં કીર્તિ-કલદાર કમાયા પછીયે વતન સાથે આ મિત્રોનો નાતો વધુ ને વધુ સુદૃઢ થઈ રહ્યો છે. તેઓ વડોદરામાં દસ લાખ સ્ક્વેર ફીટમાં ફેલાયેલો દેશનો સૌથી મોટો IT પાર્ક બનાવી રહ્યા છે.

- - એ રીતે રોજગારીની પણ વિપુલ તકો સર્જાશે. કોલાબ્રા સાથે જોડાયેલા ઘણા કર્મચારીઓ પણ આજે મિલિયોનેર બની ગયા છે.

- શૂન્યમાંથી સર્જન કરનારી કોલાબ્રા કંપની વિશે તેમની સાથે બે દાયકાથી જોડાયેલા હાલના તેમના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડન્ટ અશ્વિન રાવ કંપનીના સ્થાપકોના પૅશનનો એક રસપ્રદ કિસ્સો શૅર કરે છે.

- નેવુંના દાયકામાં AT&T ‘કોલાબ્રા’ની એકમાત્ર મોટી ક્લાયન્ટ હતી. અચાનક તેમણે કોલાબ્રાને પોતાના લિસ્ટમાંથી હટાવી દીધી.

- કોલાબ્રાના સ્થાપક હિતેન પટેલ AT&Tના ઉચ્ચાધિકારીઓને મળ્યા અને એમને કન્વિન્સ કર્યા કે અમને માત્ર ૩૦ દિવસ આપો, અમે તમને બતાવી દઈશું કે અમે બેસ્ટ બની શકીએ તેમ છીએ. આ મહોલત મળી અને લિટરલી સૌએ દિવસ-રાત કામ કરીને AT&Tને મનાવી લીધી. ત્યારથી લઈને AT&Tએ ક્યારેય કોલાબ્રાનો સાથ છોડ્યો નથી.

- ‘કોલાબ્રા’ની અને તેના સ્થાપકો હિતેન પટેલ-શ્યામ પટેલ અને ધાર પાટડિયાની લાઈફ સ્ટોરી ભણતર, પૅશન, મહેનત, દોસ્તી, વિઝન, પર્ફેક્શનનો આગ્રહ, ફેમિલી વેલ્યૂઝ, ટેલેન્ટમાં વિશ્વાસ અને સમાજને-વતનને કંઈક પાછું આપવાની નિષ્ઠા... આ તમામનું પર્ફેક્ટ કોમ્બિનેશન છે.

કોઈપણ વ્યક્તિને ઉત્સાહનાં ઈન્જેક્શન મારે તેવી આ ત્રણ ગુજરાતી ઉદ્યોગસાહસિક મિત્રોની દાસ્તાન સાંભળીએ એમના જ મુખેથી... આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...

Collabera plans to be a $1 billion company within the next five years

‘જો સ્ટ્રગલ નથી તો કોઇ સ્ટોરી નથી’: હિતેન પટેલ, ચેરમેન, કોલાબ્રા

 

Q: તમે સાવ નાના પાયાથી શરૂ કરીને અહીં સુધી પહોંચ્યા છો. કેવી રહી સ્ટ્રગલ?


A: હું તેને સ્ટ્રગલ કરતાં ચેલેન્જ કહીશ. કારણ કે ચેલેન્જને તમે પડકારી શકો છો અને તેને પાર કરી શકો છો અને તે વધુ પોઝિટિવ છે. હકીકત એ છે કે જો તમે ધંધામાં હો તો ચેલેન્જ તો કાયમ રહેવાની જ છે અને જેમ જેમ ધંધો વિકસતો જાય તેમ તેમ ચેલેન્જનો પ્રકાર અને પ્રમાણ બદલાતાં જાય છે. આવી અનેક પ્રકારની ચેલેન્જ અમે પાર કરી છે. ધંધો વિકસે તે વખતે કંપનીના ક્લ્ચરને જાળવવાની એક નવી ચેલેન્જ ઊભી થાય છે.


તમે ધંધાની નવી દિશા આપો કે એક ધંધામાંથી બીજો ધંધો વિકસાવો ત્યારે કલ્ચરનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. અમે ‘બ્રિલિયો’ નામની એક કંપની ઊભી કરી, જે એક પ્રકારનો ડિજિટલ ટ્રાન્સફોર્મેશન બિઝનેસ છે. અમે એક બીજો નવો બિઝનેસ વિકસાવી રહ્યા છીએ જે કંપનીનું નામ છે ‘કોગ્નિક્સિયા’, જે ડિજિટલ ટેક્નોલોજી ટ્રેનિંગ પ્રોવાઇડર કંપની છે. 


Q: તમે સ્ટાફિંગ કંપની માટે એક ટુલ બનાવી રહ્યા છો, રાઇટ?


A: અમે સ્ટાફિંગ કંપનીના અમારા ધંધાનું ‘ઉબર’ જેવું પ્લેટફોર્મ ઊભું કરી રહ્યા છીએ. આ ટેક્નોલોજી પ્લેટફોર્મ બનાવવાનું કામ અત્યારે ચાલુ છે. તેનો કોન્સેપ્ટ છે ‘એસેટલેસ, વર્ચ્યુઅલ, ઓન ધ ફિંગર ટિપ્સ’, જે માનવરહિત પ્લેટફોર્મ હશે. આ પ્રોડક્ટ ડિજિટલ ટેક્નોલોજી આધારિત છે જેમાં બિગ ડેટા એનાલિસિસ, સોશિયલ એનાલિટિક્સ, ક્લાઉડ ટેક્નોલોજી, ઓટોમેશન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ભરપુર ઉપયોગ થવાનો છે. જેમાં નેક્સ્ટ જનરેશન ટેક્નોલોજીનું સંપૂર્ણ છત્ર હશે. હવે આ તબક્કે મારી ચેલેન્જ બિલકુલ જુદી છે અને આ નવી કંપનીઓમાં કંપનીની કોર કલ્ચર વેલ્યુને નવી કંપનીમાં કેવી રીતે જાળવી રાખવી એ મારા માટે ચેલેન્જ છે. આ સારી ચેલેન્જ છે અને આવું કામ કરવાની મજા પડે. 


Q: આજે કોલાબ્રા કંપની ક્યાં છે અને હવે પછી કંપનીને ક્યાં પહોંચાડવાનું તમારું વિઝન છે?


A: ‘કોલાબ્રા’ અત્યારે 700 મિલિયન ડોલરની કંપની છે અને આગામી ત્રણ વર્ષમાં અમે તેને એક બિલિયન ડોલર કંપની બનાવવા માગીએ છીએ. ‘બ્રિલિયો’ 120 મિલિયન ડોલર રેવન્યુની કંપની છે, જેને અમે આગામી ત્રણ વર્ષમાં 250 મિલિયન ડોલરની કંપની બનાવવા માગીએ છીએ. ‘કોગ્નિક્સિયા’પ્રમાણમાં નવી કંપની છે, જે ડિજિટલ ટેક્નોલોજી ટ્રેનિંગ કંપની છે.તેનું ફોકસ માત્ર ડિજિટલ ટેક્નોલોજી પર છે. વડોદરામાં અમારું મોટું એસ્ટાબ્લિશમેન્ટ છે જેમાં 500 કરતાં વધુ લોકો કામ કરે છે. 


Q: અમેરિકામાં રહીને ગુજરાતમાં ઓફશોર કામ કરતી હોય એવી કદાચ ગુજરાતની સૌથી મોટી કંપની હશે તમારી...


A: હા પણ એ કોઇ જાણતું નથી. અમે અમારું કામ ચૂપચાપ કરીએ છીએ. 


Q: પણ તમારું કોન્ટ્રિબ્યુશન મોટું છે...


A: હા પણ હું એવું માનું છું કે કોઇ ફૂલ ક્યારેય પોતાની સોડમ વિશે કોઇને કહેતું નથી. લોકોને તેની જાણ થઇ જાય છે. અમે અમારું કામ કરીએ છીએ. પહેલા દિવસથી અમારી બિઝનેસ ફિલોસોફી રહી છે કે કંપનીના આંકડા જ બોલશે. અમારે બોલવાની જરૂર નથી. આની પાછળ અમારી મહેનતુ અને ફોકસ્ડ ટીમ છે. અમારું વર્ક એન્વાયર્નમેન્ટ જ એવું છે કે તમે કોઇપણ દેશની અમારી ઓફિસમાં જાવ અને કોઇને પણ મળો તે ખુશખુશાલ જ હશે. અમેરિકામાં અમારી 30 ઓફિસ છે. ઇન્ડિયા, ઓસ્ટ્રેલિયા, પોલેન્ડ, ફિલિપિન્સ, સિંગાપોર... દરેક ઓફિસમાં તમને એક જ પ્રકારનો માહોલ જોવા મળશે. કોલાબ્રા દરેક ઠેકાણે એક સરખું જોવા મળશે.


Q: વડોદરામાં તમારી ઓફિસ છે, હવે ગુજરાતમાં કોઇ મોટો પ્રોજેક્ટ વિચારી રહ્યા છો?


A: વડોદરામાં અમારી ત્રણ ઓફિસ છે.વડોદરામાં દસ લાખ સ્ક્વેર ફૂટનો ભારતનો સૌથી મોટો આઇટી પાર્ક ઊભો કરવાનું મારું ડ્રીમ છે. જે પાર્કને કારણે વડોદરા આઇટીમાં દેશના નકશામાં ઊભરી આવે એવી મારી ઇચ્છા છે. આ પાર્ક બાકીના તમામ માટે દેશભરમાં મોડલ બને એવી યોજના વિચારી છે. 


Q: ક્યાં પહોંચ્યું તેનું કામ?


A: અત્યારે તેના પર કામ ચાલુ છે. ગુજરાત સરકાર સાથે આ વિશે વાતચીત ચાલુ છે. 


Q: ગુજરાત તો સૌથી વધુ બિઝનેસ ફ્રેન્ડ્લી છે. શું તમને કોઇ એમાં અડચણ આવે છે?


A: કોઇ પણ સરકારમાં સમસ્યા તો હોય જ છે. જો તમે યુએસ કંપની હો તો તમારી પાસે રોજ સરકાર સાથે વાત કરવાનો સમય ન હોય. હું જ્યારે પંદર દિવસે આવું ત્યારે ફોલોઅપ કરું અને પછી હું અહીં આવું એટલે બધું ઠંડું પડી જાય. એ સંઘર્ષ ચાલુ છે પણ આશા છે કે થઇ જશે.


Q: ક્યાં સુધીમાં આ પાર્ક ઊભો કરવાની તમારી ગણતરી છે?


A: અમારું વિઝન એવું હતું કે 2020 સુધીમાં અમે આ પાર્ક ધમધમતો કરી દઇએ. અમે એટલી ઝડપથી જવા માગતા હતા,પણ ફાઇલ સિસ્ટમ છે એટલે હજી અમારી ટાઇમલાઇન મુજબ થતું નથી. હજી અમે જમીન સંપાદનના તબક્કામાં છીએ. 


Q: ક્યારેક આવું સાંભળીએ ત્યારે હતાશા આવે?


A: હા, પણ થઇ જશે. બિઝનેસની રીતે જોઇએ તો સમય જતો જાય. હું આ પાર્કમાં બ્રિલિયો કંપની માટે એક, કોલાબ્રા માટે બે, કોગ્નિક્સિયા માટે એક અને પ્રોડક્ટ કંપની માટે એક એવા અલાયદા ટાવર ઊભા કરવા માગું છું. આ પાર્કમાં જ દેશનું અનોખું એવું એક ઇન્ક્યુબેશન સેન્ટર પણ બનાવવાની ઇચ્છા છે. આ મારું ડ્રીમ છે. 


Q: તમારા આટલા મોટા પ્લાન છે, તો તમે ક્યારેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા છો?


A: ના. મેં કહ્યુંને કે હું મારું કામ સાયલેન્ટ્લી કરતો રહ્યો છું. 


Q: તમે વડોદરામાં આટલી મોટી રોજગારી ઊભી કરવા જઇ રહ્યા છો અને આજે બેરોજગારી આજે મોટો ઇશ્યુ છે.


A: યસ, અમે મોટાપાયે રોજગારી ઊભી કરીશું. તમે આજે અમારી વડોદરાની અમારી ઓફિસમાં જશો તો તમને યુથ એનર્જી ફીલ થશે અમારો મોટાભાગનો સ્ટાફ 25 કે એનાથી નાની ઉંમરના જુવાનિયાંઓનો છે. અમે ગુજરાતમાં રોજગારી આપતી મોટી કંપનીમાંની એક છીએ. અમારી ઇચ્છા તો એટલી જ છે કે અમારા આ પ્રોજેક્ટમાં સરકાર જ્યાં અડચણ આવે ત્યાં અમને મદદ કરે. 


Q: તમે ગુજરાતી છો અને દરેક સફળ ગુજરાતી કંપનીના પાયામાં ફેમિલીનો સપોર્ટ હોય છે. 


A: મારા પરિવારનો સંપૂર્ણ ટેકો છે. હું પટેલ છું અને બિઝનેસ ન કરું તો હું પટેલ નથી. મારા પરિવારનું પણ બિઝનેસ બેકગ્રાઉન્ડ છે. મારી મોમે કહ્યું હતું કે તારે કંઇક જુદું કરવાનું છે. સારી જોબ મેળવીને પ્રોફેશનલ બનવાનું અને ખાસ કરીને અમેરિકા આવવાનું તેમણે કહ્યું હતું. 


Q: તો શું અમેરિકા જઇને કંઇક કરવું એ તમારા મમ્મીનું સપનું હતું?


A: હા આ મારી માનું સપનું હતું, પણ મારામાં ‘પટેલ બગ’ હતો એટલે જ આખરે ધંધા તરફ વળ્યા. તમે દ્રોણાચાર્યની અને એકલવ્યની સ્ટોરી સાંભળી છે? તમે બીજાને જોઇને શીખતા જાવ, અનુભવ કરતા જાવ તેમ તેમ આવડત વધતી જાય. મારું પણ એવું જ છે. બિઝનેસમાં મેન્ટર કહી શકાય એવું કોઇ નથી. મારા પરિવારનો બિઝનેસ સફળ કરવાનો સંઘર્ષ જોયો અને તેમાંથી જ શીખ્યો. 


Q: તમે ધંધો શરૂ કરવા માટે કોઇની પાસેથી પૈસા ઉછીના લીધા હતા?


A: હા, મેં પણ પૈસા ઉછીના લઇને ધંધો શરૂ કર્યો હતો અને જો સ્ટ્રગલ ન હોય તો કોઇ સ્ટોરી જ નથી. હું હંમેશાં મારા લોકોને કહેતો હોઉં છું કે, તમે નવો ધંધો ઊભો કરતા હો ત્યારે તેની યાદ બહુ મહત્વની છે. કારણ કે, જે તમારી આજની ચેલેન્જ છે એ તમારી આવતીકાલની સ્ટોરી છે. દરેક વ્યક્તિ “વિકાસની પીડા”ને માણી નથી શકતી. હું એ પેઇનને બહુ પોઝિટિવ રીતે લઉં છું. 


Q: મતલબ તમે જે વખતે “પીડા અનુભવતા” હો છો એ જ્યારે તમે પાછું વાળીને જુઓ છો ત્યારે એ કદાચ તમારી લાઇફનું સૌથી મોટું એચિવમેન્ટ લાગવા માંડે છે. 


A: એક્ઝેક્ટ્લી એવું જ હોય છે. તેને કોઇ ટચ ન કરી શકે. ગમે તેટલી સંપત્તિ હોય. અત્યારે અમારી કંપની 14 હજાર લોકોને રોજગારી આપે છે. આટલી મોટી સંખ્યામાં લોકોને નોકરી આપીને એક પ્રકારે કોન્ટ્રિબ્યુશન કર્યાનો સંતોષ છે. લોકોનાં સપનાં સાકાર કરવામાં મદદ કરીએ એનાથી મોટો આનંદ શું હોઇ શકે?


Q: તમે IBMમાં કામ કર્યું છે. શ્યામ પટેલ અને તમે બંને કેવી રીતે ભેગા થયા?


A. હા, આ ધંધો કરતાં પહેલાં હું IBMમાં હતો. હું અને શામ પટેલ મળ્યા એ વખતેઅમે કંઇક ધંધો કરવાનું વિચારતા રહેતા. એ ‘જોન્સન એન્ડ જોન્સન’માં હતા. એ થોડાક કોન્ઝર્વેટિવ થોટ્સ ધરાવે, પણ હું સામે છેડે રિસ્ક લેવામાં માનું છું. એટલે એ ફાઇનાન્સ મેનેજ કરે છે. અમે બંને પુશ એન્ડ પુલ જેવી જોડી છીએ. હું હંમેશાં ઊંચો ઊડવા માંગું તો એ મને થોડો નીચો રાખીને બેલેન્સ કરી લે. અમારી વચ્ચેનું સંતુલન ગજબ છે. 


Q: તમારું વતન ક્યું?


A: આણંદની બાજુમાં મારું વતન છે.હું વર્ષમાં બે વખત ભારત આવું છું અને બેએક મહિના રહું છું. 


Q: તમારો દીકરો અનીશ પણ કંઇક અલગ જ ચીલો ચાતરી રહ્યો છે…


A. હા, એ મોદીજીને અને આનંદીબહેન મુખ્યમંત્રી હતાં ત્યારે મળ્યો હતો. એક NGOના પ્રોજેક્ટ માટે જેલમાં જઇને પણ કામ કરી આવ્યો છે. અનીશ અત્યારે બેંગ્લોરમાં છે અને પોતાનું અલગ આંત્રપ્રિન્યોર સેટ અપ ઊભું કરવા માગે છે. 


Q: તમારા ધંધામાં એને નથી આવવું?


A: તે બહુ યુનિક કોન્સેપ્ટ લઇને આવી રહ્યો છે. એ ડેમોક્રેટાઇઝેશન ઓફ ફેશનના કોન્સેપ્ટ પર કામ કરી રહ્યો છે. નાનો માણસ લક્ઝુરિયસ ઘર ખરીદી નથી શકતો પણ Airbnb પર ભાડે લઇને પોતાનું સપનું પૂરું કરી શકે છે. એવી જ રીતે ‘ઉબર’ તમે ભલે મર્સિડિઝ ખરીદી ન શકો, પણ તમને ભાડે આપી શકે. બસ, આવી જ રીતે ફેશન માટે તે કામ કરી રહ્યો છે. બેંગલોરમાં અત્યારે તે 16 કલાક કામ કરીને ફેશનનું સોફ્ટવેર પ્લેટફોર્મ બનાવી રહ્યો છે. એ પૂરું કરીને પછી અહીં આવશે. નેક્સ્ટ જનરેશન કોન્સેપ્ટ છે. 


Q: શું છે આ નેક્સ્ટ જનરેશન ફેશન કોન્સેપ્ટ?


A: જેમ કે કોઇ વ્યક્તિ 500 ડોલરનાં શૂઝ ખરીદી ન શકે, પણ 20 ડોલરમાં રેન્ટ પર તો લઇ શકેને? કારણ શું છે અત્યારે દુનિયામાં વેસ્ટ વધતો જાય છે. દાખલા તરીકે હું 500 ડોલરનાં શૂઝ ખરીદું અને માની લો કે તેની લાઇફ 10 વર્ષની હોય અને 200 વખત પહેરી શકાય તેમ હોય, પણ હું આખી લાઇફમાં તેને દસ વખત જ માંડ પહેરું અને પછી જો ફેંકી દઉં તો તે શૂઝનો પૂરતો ઉપયોગ થયો ન કહેવાય. જો તમે ક્લિન અને રિન્યુએબલ વર્લ્ડનું વિચારતા હો તો આપણે એ કપડાં કે ચીજની કિંમતની પૂરી વસૂલી નથી કરતા અને ફેંકી દઇએ છીએ. દરેકને પોસાય એવી એફોર્ડેબલ ફેશન એ આ કોન્સેપ્ટના મૂળમાં છે. આ એક ઇ કોમર્સ પ્લેટફોર્મ હશે. એ પોતાનું કંઇક કરવા માગતો હતો તો મેં કહ્યું કે કોઇ વાંધો નહિ. તેણે મારા ધંધામાં આવવું જરૂરી નથી. મારી દીકરી શિકાગોમાં MBA કરી રહી છે. હિતેનભાઈ, મજા પડી થેન્ક્યુ. 

 

આગળની સ્લાઇડ્સમાં જાણો, સીએફઓ શ્યામ પટેલની સફળતાની શરૂઆત અંગે... 

Collabera plans to be a $1 billion company within the next five years

‘કોલેજમાં ખર્ચ કાઢવા માટે ન્યૂ જર્સીમાં અખબારો નાખવાનું કામ પણ કર્યું છે’ - શ્યામ પટેલ, CFO, કોલાબ્રા

 

Q: તમે અને હિતેનભાઇ કેવી રીતે મળ્યા અને ‘કોલાબ્રા’ની સફળતાની શરૂઆત વિશે જરા વિસ્તારથી કહો.


A: હું અને હિતેન 1988માં મળ્યા. અમે ભારતમાં ક્યારેય મળ્યા નહોતા. યોગાનુયોગ અમે બંને નવેમ્બરમાં જન્મ્યા છીએ અને બંને જુલાઇ 1987માં અમેરિકા આવ્યા હતા. મેં ઇન્ડિયામાંફિઝિક્સ-ઈલેક્ટ્રોનિક્સમાં માસ્ટર્સ અને PGDCS કર્યું હતું,વિદ્યાનગરમાં એસ. પી. યુનિવર્સિટીમાં. અહીં આવીને હું જોબ કરતો હતો હતો અને સાથોસાથ કમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર્સ કર્યું. અમે બંને પર્સીપેનીમાં એક જ એપાર્ટમેન્ટમાં રહેતા હતા. તેમને ખબર પડી કે હું કમ્પ્યુટર જાણું છું. તેણે કહ્યું કે આપણે પ્રોગ્રામિંગ સાઇડમાં કંઇક કરવું છે. અમે વિચાર્યું કે દિવસે ફૂલટાઇમ કરીએ તો પોકેટ એક્સપેન્સ માટે કંઇક કરવું પડે. બંનેએ નક્કી કર્યું કે ન્યૂઝપેપર ડિલિવર કરીએ, તો મહિનાના 350-400 ડોલર મળે.તેના માટે સવારે 4-5 વાગ્યે ઊઠીને ઘરોમાં ન્યૂઝપેપર નાખવાનું નક્કી કર્યું. ‘સ્ટાર લેઝર’ એ ન્યૂ જર્સીનું લોકલ ન્યૂઝપેપર છે, જે અમે પર્સીપેનીના ઘરોમાં નાખતા હતા. એક વર્ષ સુધી આ કામ કર્યું, ત્યારે અમે કોલેજમાં હતા. 


Q: સાથે મળીને ધંધો કરવાનું કેવી રીતે શરૂ કર્યું?


A: અમારી મિત્રતા ગાઢ બનતી ગઈઅને મેં જોયું કે તેનામાં ધંધાની કમાલની સૂઝ હતી. શાર્પ નજર હતી અને તેના ડેડને ઇન્ડિયામાં બિઝનેસ હતો. મને હંમેશાં લાગતું કે આ માણસમાં ધંધાની આવડત છે. એ વખતે બંનેને વિચાર આવ્યો કે સાથે મળીને કંઇક બિઝનેસ કરીએ. કોલેજ પૂરી કર્યા પછી હું ‘જોન્સન એન્ડ જોન્સન’માં ગયો અને હિતેન ‘IBM’માં નોકરીમાં જોડાયો. પછી અમે બંનેએ ‘કોલાબ્રા’નો બિઝનેસ શરૂ કરતાં પહેલાં અમે ત્રણ બિઝનેસ કર્યા હતા અને ત્રણેયમાં અમે ફેલ ગયા હતા. પહેલો બિઝનેસ કર્યો કમ્પ્યુટર એસેમ્બલિંગનો. પછી અમે વેન્ડિંગ મશીનનો ધંધો શરૂ કર્યો એ પણ ન ચાલ્યો. ત્રીજો બિઝનેસ શરૂ કર્યો ડ્રાયક્લિનિંગનો (લોન્ડ્રી), એ પણ ન ચાલ્યો. અમે બંને આઇટી ફિલ્ડમાં હતા અને ફૂલટાઇમ જોબ હતી એટલે બીજો કોઇ પ્રશ્ન નહોતો. 

 

Q: તો કોલાબ્રાને ખરીદવાની ઘડી કયારે આવી?


A: હું જોન્સન એન્ડ જોન્સનમાં હતો ત્યારે મારો એક સાઉથ ઇન્ડિયન ફ્રેન્ડ હતો. તેના એક ફ્રેન્ડને બિઝનેસ વેચવાનો હતો. એ મને એક વખત મળ્યો હતો. તેણે મને નંબર આપ્યો અને મેં હિતેનને કહ્યું કે આ ધંધાનું વેલ્યુએશન કર અને સારો હશે તો આપણે વિચારીએ. અમે ધંધો શરૂ કર્યો. શરૂઆતમાં આ કંપની પાસે 16 કન્સલ્ટન્ટ્સ હતા અને એક જ કસ્ટમર કંપની હતી - AT&T. આ રીતે ધંધો શરૂ કર્યો. 


Q: એ વખતે તમારી પાસે પૈસા નહોતા, તો કેવી રીતે ધંધો ખરીદ્યો?


A: હિતેને 24 ટકા વ્યાજે પૈસા લીધા કારણ કે અમારી પાસે પૈસા નહોતા. મેં આ પૈસાને મારા કોન્ટેક્ટને કારણે વ્યાજના દર ઘટાડીને 12 ટકા સુધી કરાવ્યા. થોડાક મિત્રો પાસેથી પણ ઉછીના પૈસા લીધા. હિતેને બિઝનેસ સ્ટ્રેટેજી, ધારે (કોલાબ્રાના ત્રીજા પ્રમોટર, ધર્મેન્દ્ર પાટડિયા) સેલ્સ એન્ડ માર્કેટિંગ સંભાળ્યું. મેં રિક્રુટિંગ, એકાઉન્ટિંગ અને કંપનીના બાકીનાં ઓપરેશનનું કામ સંભાળ્યું. અમે ધીમે ધીમે નવા નવા પ્રોફેશનલ લોકોને લાવતા ગયા અને તેમને ટ્રેન કરતા રહ્યા. 


Q: નાનકડી શરૂઆતમાંથી આટલું મોટું વટવૃક્ષ કેવી રીતે બન્યું? આજે કોલાબ્રામાં હજારો કર્મચારીઓ કામ કરે છે. 


A: હું જોન્સન એન્ડ જોન્સનમાં ફુલટાઇમ કરતો હતો, પણ શરૂઆતમાં દિવસ-રાત આ ધંધાને ડેવલપ કરવાનું ચાલુ રાખ્યું. વીકએન્ડમાં પણ કામ ચાલુ રાખ્યું અને આપણી કમ્યુનિટીમાંથી લોકોની શોધ ચાલુ કરી. અમે ખાલી એટલું જ જોતા હતા કે માણસને જે પણ કામ સોંપીએ એ કરવા તૈયાર છે કે નહીં, કમ્યુનિકેશન સ્કીલ છે કે નહીં. આ લોકોની મહેનતને કારણે જ અમે અહીં પહોંચ્યા છીએ. અશ્વિન રાવ પહેલા એવા પ્રોફેશનલ એમ્પ્લોયી છે જેમને અમે લીધા. તેણે અમને ક્લાયન્ટ એક્વિઝિશનમાં ઘણી મદદ કરી. અહીંનો બિઝનેસ વિસ્તાર્યો. એ દરમિયાન અમે ત્રણ કંપનીઓ ખરીદી. પ્લેનેટ એશિયા (બેંગલોર), આઇવીએલ (ત્રિવેન્દ્રમ) અને બ્લ્યુ હેમક (યુએસ). આ ત્રણેય નાની કંપનીઓ ખરીદીને અમે સોલ્યુશન બિઝનેસ શરૂ કર્યો. આઇટી સોલ્યુશન એન્ડ સ્ટાફિંગ કંપનીઓનું કોલાબરેશન કર્યું અને કોલાબ્રા કંપની અસ્તિત્વમાં આવી. અમે 2006માં પ્રાઇવેટ ઇક્વિટી ફંડમાંથી 30 મિલિયન ડોલરનું ફંડ લીધું. 2014માં કંપની જુદી કરી. પછી સ્ટાફિંગ કંપનીમાં ફોકસ કર્યુ. 


Q: અત્યારે યુએસની સ્ટાફિંગ કંપનીમાં કોલાબ્રાનું સ્થાન ક્યાં છે?


A: અમે અત્યારે અમેરિકાની ટોચની 10 મોટી સ્ટાફિંગ કંપનીમાં 9મા સ્થાને છીએ. 2020માં બિલિયન ડોલર કંપની બનવવાનું અમારું ડ્રીમ છે. 


Q: અહીં સુધી પહોંચવામાં કઇ કઇ ચેલેન્જ આવી?


A: ચેલેન્જ તો કાયમ હતી અમે હંમેશાં મોટી કંપની બનાવવા માગતા હતા. અમે ત્રણેય આઇટી બેકગ્રાઉન્ડમાંથી આવીએ છીએ. કોઇની પાસે એમબીએની ડિગ્રી નહોતી. અમારી પાસે મેનેજમેન્ટની ડિગ્રી નહોતી. અમે તો બસ બિઝનેસને વધારવા માગતા હતા. અમે કદાચ એવા નિર્ણયો લીધા હતા, જે આજે લેવાના થાય તો ન લઇએ અથવા તો જુદી રીતે લઇએ. 


Q: તો શું એમબીએની ડિગ્રી નહોતી એ આશીર્વાદરૂપ બન્યું?


A: હું એવું કહીશ કે અમે હંમેશાં લોકો પર ભરોસો રાખ્યો છે. કસ્ટમરની સર્વિસને બરાબર સમજીને કામ કર્યું છે, જેથી કસ્ટમરની બદલાતી જરૂરિયાતને તમે પૂરી કરી શકો. બીજું, અમે ખરેખર લોકોને મદદ કરવા માગતા હતા. અશ્વિન જેવા લોકોની મદદથી આજે કંપની અહીં પહોંચી છે. જે કર્મચારી તરીકે અહીં જોડાયા હતા, પણ આજે આ કંપની ઊભી કરવામાં તેઓ મહત્વના પિલર છે. જેમના કારણે અમે કમાયા છીએ એ લોકોને અમે ગ્રોથના ભાગીદાર બનાવવાનું નક્કી કર્યું અને તેમને અમે સ્ટોક ઓપ્શન આપ્યો અને કર્મચારી નહીં, પણ એક પ્રકારે માલિક બનાવ્યા. આજે હું ગૌરવ સાથે કહી શકું કે મોટી સંખ્યામાં એવા લોકો છે કે જે આજે માલિક છે. શરૂઆતમાં અમે પૈસા બનાવવા માટે બિઝનેસ શરૂ કર્યો હતો, પણ ધીમે ધીમે અમે એવું વિચાર્યું કે પૈસા તો બાય પ્રોડક્ટ છે પણ અમેરિકા આવીને વસવાનું અને કમાવાનું લોકોનું જે સપનું હોય છે એ પૂરું કરવામાં અમે ક્યાં મદદ કરી શકીએ. આ થોટ પ્રોસેસને કારણે અમે તેમની આકાંક્ષા-ઇચ્છાઓને પૂરી કરવામાં મદદ કરી. આનાથી અમને મોટો સંતોષ બીજો ક્યો હોઇ શકે?


Q: તો વડોદરામાં કેવી રીતે શરૂ કર્યું?


A: એ બીજો ટર્નિંગ પોઇન્ટ તમને કહું. અમે અમેરિકામાં કોસ્ટને કન્ટ્રોલ કરવા માટે ઓફશોર ડિલિવરી સેન્ટર મુંબઇમાં શરૂ કર્યું. એક વખત હું અને હિતેન મુંબઇ ગયા હતા અને ત્યાંથી વડોદરા ફ્લાઇટમાં જતા હતા. અમે વિચારતા હતા કે મુંબઇમાં શું ચેલેન્જ આવી રહી છે. ટાઇમ ઝોનની ચેલેન્જ હતી. મુંબઇમાં સારું અંગ્રેજી બોલતા લોકો મળી રહેતા, પણ ટ્રેનિંગ લઇને થોડા સમય પછી જતા રહેતા. અમે ફ્લાઇટમાં વિચાર્યું કે આપણે આપણા વતનમાં જ કેમ ન કંઇક કરીએ! જ્યાં આપણે મોટા થયા છીએ કે ઉછર્યા છીએ ત્યાં જ કેમ પાછું ન આપીએ! મારું વતન બોરસદ તાલુકાનું જારોલા ગામ. મને હંમેશાં એવું લાગતું હતું કે વતન માટે કંઇક કરવું જોઇએ. મારા પિતા ખેડૂત હતા. ભણ્યા નહોતા. તેમને હંમેશાં એવું લાગતું કે મારે ભણીને વિદેશ જવું જોઇએ અને પરિવાર અને સમાજ કે ગામ માટે કંઇક કરવું જોઇએ. તેમનામાં લીડરશિપ સ્કીલ હતી અને નાનપણમાં નીતિમત્તાના પાઠ તેમણે મને શીખવ્યા. ગરીબ ખેડૂત હતા છતાં તેમણે મને ભણાવવામાં કોઇ કચાશ રાખી નહોતી. આ બધું થયા પછી અમને લાગ્યું કે વડોદરામાં જ કેમ ન કરીએ. ફ્લાઇટ લેન્ડ થઇ એ પહેલાં તો અમે વડોદરામાં ઓફિસ શરૂ કરવાનો નિર્ણય લઇ લીધો. વડોદરામાં MS યુનિવર્સિટી હતી અને ઘણી મોટી કંપનીઓ હતી એટલે અમને લાગ્યું કે અહીંથી આપણને જોઇએ એવા યુથ મળી રહેશે. એ જ ટ્રીપમાં અમે ઓફિસ પણ લઇ લીધી R.C. દત્ત રોડ પર ‘આઇવરી ટેરેસ’ નામના બિલ્ડિંગમાં અમે 45ના સ્ટાફની કેપેસિટીવાળી ઓફિસ શરૂ પણ કરી દીધી. છથી આઠ મહિનામાં બધી સીટો ભરાઇ ગઇ. આજે વડોદરામાં ઓફિસ શરૂ કરવાનો અમારો નિર્ણય સાચો ઠર્યો છે અને વતનને કંઇક આપવાની અમારી ઇચ્છા પણ પૂરી થઈ, જેનાથી સૌથી વધુ સંતોષ થાય છે. 


Q: વતન જારોલા જાવ ખરા?


A: હું જ્યારે વડોદરા જાઉં ત્યારે જેટલો સમય રહું ત્યારે જારોલાથી આવ-જા કરું. હું જારોલા જ રહું. ડ્રાઇવ કરીને વડોદરા ઓફિસ પહોંચું. આજે અમારી વડોદરા ઓફિસમાં જ જારોલાના 50 લોકો કામ કરે છે. અમે છાપાંમાં વાંચતા કે ‘ઇન્ફોસિસ’ના નારાયણ મૂર્તિ સાથે કામ કરનારા ઘણા લોકો મિલિયોનર બની ગયા. ‘વિપ્રો’માં પણ અમુક મિલિયોનર છે. નારાયણ મૂર્તિમાંથી અમને કાયમ પ્રેરણા મળી છે આજે હું ગૌરવ સાથે કહી શકું કે અમારી કંપનીમાં કેટલાક મિલિયોનર છે. 

 

Q: તો ફ્લાઇટનો એ નિર્ણય ટર્નિંગ પોઇન્ટ રહ્યો…


A: સમાજને કંઇક પાછું આપવાનો એ ટર્નિંગ પોઇન્ટ હતો. વડોદરાને લો કોસ્ટ એન્જિન બનાવવાનો નિર્ણય સફળ રહ્યો. વડોદરામાં આ ઊભું કરવામાં મારી સાથે મેહુલ શાહ નામના સાથીદારનો મોટો ફાળો રહ્યો છે. આ રીતે વડોદરામાં ડિલિવરી સેન્ટર ઊભું કર્યું અને એ કોલાબ્રા માટે ક્રિટિકલ સક્સેસ ફેક્ટર કહી શકાય. યોગ્ય લોકોની પસંદગી, તેમની સાથે સારો વ્યવહાર અને તેમને પોતે માલિક હોય એવું ફીલ કરાવવું, તેમને મોટિવેટ કરીને કંપનીમાં સાચવીને તેમને બિરદાવવા એ કોલાબ્રાનો ટર્નિંગ પોઇન્ટ છે. શરૂઆતમાં અમે જે લોકોને સાથે લીધા તેમાં અશ્વિન રાવ, મોહિત મલકાની, હેમિન શાહ, આલોક ગોડ જેવા લોકોએ આ કંપની ઊભી કરવામાં સિંહફાળો આપ્યો છે. આ જ લોકો કંપનીના પિલર્સ છે. આજે વીસ વર્ષ પછી પણ એ અમારી સાથે છે. 


Q: સ્ટાફિંગમાંથી તમે ડાઇવર્સિફાઇ થઇને સોલ્યુશન બિઝનેસમાં કેવી રીતે પહોંચ્યા?


A: સોલ્યુશન બિઝનેસ અમે શરૂ કર્યો એ આનો એક ભાગ હતો. અમે ‘કોગ્નિઝન્ટ’માંથી એક સિનિયર માણસને રાખ્યા જે અમારી જ બીજી સોલ્યુશન બિઝનેસ કંપની બ્રિલિયોને સરસ રીતે ચલાવી રહ્યા છે,જે અત્યારે કેલિફોર્નિયામાં છે. ધારે આખી કંપનીમાં ટેક્નોલોજીનું ટ્રાન્સફોર્મેશન કરવામાં અને કંપનીને આ લેવલે લાવવામાં અથાગ મહેનત કરી છે. આખી કંપનીની સિસ્ટમ ધારે ઊભી કરી છે. 


Q: તમે એક ગુજરાતી છો અને ફેમિલી સપોર્ટ કેટલો મહત્વનો રહ્યો?


A: મને યાદ છે કે શરૂઆતમાં અમે ત્રણેયે બિઝનેસ શરૂ કર્યો ત્યારે એકવાર બેઠા હતા. હિતેને કહ્યું કે તું પાંચ-દસ વર્ષ કામ કરીને રિટાયર થવા માગે છે કે ઓર્ડિનરી અમેરિકનની જેમ 65 વર્ષ સુધી કામ કરીને સોશિયલ સિક્યોરિટી પર જીવવા માગે છે એ નક્કી કરવું પડશે. દેખીતી રીતે જ મેં કહ્યું કે દસ વર્ષ કામ કરી લઇએ અને પછી નિવૃત્ત થઇએ. મારે ત્રણ બાળકો છે મેં મારી વાઇફને કહ્યું કે એ ત્રણેયના ભણવાની અને તમામ એક્ટિવિટીની જવાબદારી તું લેવા તૈયાર હો તો હું ચાર-પાંચ વર્ષ આ કંપનીને ઊભી કરવામાં લાગી જાઉં. સવાર-સાંજ મેં સમય જોયા વિના કામ શરૂ કર્યું. કેટલાય લોકો એ હાર્ડ વર્ક જોઇને કામ કરવા માંડ્યા,પણ ઘરના મોરચે પત્નીના સપોર્ટ વિના અમે અહીં પહોંચ્યા ન હોત. એવી જ રીતે હિતેન અને ધારના ફેમિલીનો પણ એટલો જ સપોર્ટ હતો. 


Q: તમે ત્રણેયે મિત્રતાને અકબંધ રાખીને ધંધો વિકસાવ્યો. ક્યારેય એવું નહોતું થતું કે તમારે અંદરોઅંદર મતભેદ થાય?


A: 22 વર્ષ પહેલાં અમે કામ શરૂ કર્યું. અમે એકબીજાના પૂરક તરીકે કામ કર્યું અને એકબીજાને રિસ્પેક્ટ કરતા. 22 વર્ષ પહેલાં અમારો એકબીજા પ્રત્યેનો આદર હતો તે આજેય અકબંધ છે. ફ્રેન્ડશિપ હોય, પણ જ્યારે રોજ સાથે કામ કરતા હો અને તમામ ચેલેન્જનો સામનો કરતા હો, મતભેદ હોય અને છતાં સાથે રહેવું અને એકબીજાનો સતત આદર કરતા રહેવું એ મને લાગે છે કે બહુ મોટી વાત છે. એ અમારું સુપ્રીમ એચિવમેન્ટ છે. ફ્રેન્ડશિપ પણ અકબંધ રહી અને ધંધો ફૂલ્યો ફાલ્યો. હું તો આને ભગવાનની કૃપા માનું છું કારણ કે મારા કરતાં વધુ હાર્ડવર્ક કરવાવાળા કેટલાય છે. અમારામાંથી કોઇ પાસે IIT કે મેનેજમેન્ટની ડિગ્રી નથી અને છતાં અમે અહીં સુધી પહોંચ્યા છીએ. આ કંપનીમાં જેટલા લોકો કામ કરે છે તેમની મહેનતને લીધે જ આ બધું છે અને હું ખરેખર આ લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છું. આ લોકોએ કર્મચારી તરીકે નહીં પણ માલિક તરીકે રાત-દિવસ કામ કર્યું છે. તેમણે જે અમને આપ્યું છે તે અમે પાછું વાળી શકીએ તેમ નથી. આ લોકો જ કંપનીની એસેટ છે. આ જ આ કંપનીની સ્ટોરી છે. 

 

આગળની સ્લાઇડ્સમાં જુઓ, વધુ તસવીરો... 

ધાર (ધર્મેન્દ્ર) પાટડિયા, કોલાબ્રાના ત્રીજા પ્રમોટર
ધાર (ધર્મેન્દ્ર) પાટડિયા, કોલાબ્રાના ત્રીજા પ્રમોટર
અશ્વિન રાવ, વાઇસ પ્રેસિડન્ટ
અશ્વિન રાવ, વાઇસ પ્રેસિડન્ટ
X
Collabera plans to be a $1 billion company within the next five years
Collabera plans to be a $1 billion company within the next five years
Collabera plans to be a $1 billion company within the next five years
ધાર (ધર્મેન્દ્ર) પાટડિયા, કોલાબ્રાના ત્રીજા પ્રમોટરધાર (ધર્મેન્દ્ર) પાટડિયા, કોલાબ્રાના ત્રીજા પ્રમોટર
અશ્વિન રાવ, વાઇસ પ્રેસિડન્ટઅશ્વિન રાવ, વાઇસ પ્રેસિડન્ટ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App