• Home
  • NRG
  • Gujarat
  • maroli younger killed in Malaysia after robbery, family wait for deadbody

ગુજરાતીનો ભોગ લેવાયો/ મલેશિયામાં લૂંટના ઈરાદે મરોલીના યુવાનની હત્યા, મૃતદેહ હજુ વતન લાવી શકાયો નથી

કાથાવાલા પરિવાર મૃતદેહ મોકલતી એજન્સીને 60 હજાર ચૂકવી નહીં શકતાં મૃતદેહ વતન ન આવ્યો

DivyaBhaskar.com | Updated - Dec 11, 2018, 09:53 AM
મૃતક યુવાનની ફાઈલ તસવીર
મૃતક યુવાનની ફાઈલ તસવીર

* મલેશિયામાં બે બાળકોના પિતાની હત્યા
* મલેશિયાથી ફિરોઝનો મૃતદેહ માદરે વતન લાવી શકાયો નથી

સુરતઃ મરોલી ગામે સાહિલપાર્કમાં રહેતા યુવાનની મલેશિયામાં લૂંટના ઈરાદે હત્યા કરી દેવામાં આવી છે. 22મી નવેમ્બરે નોકરીથી પાછા ફરતી વખતે આ ઘટના ઘટી હોવાની માહિતી મળી છે. મૃતકના પરિવારજનોને આ ઘટનાની જાણ થતાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

સારવાર દરમિયાન મોત નીપજ્યું

સાહિલપાર્કમાં રહેતા ફિરોઝ ગુલામ કાથાવાલા છ માસ પૂર્વે મલેશિયામાં નોકરી અર્થે ગયા હતા. ફિરોઝ નોકરીએથી પગાર લઈ 22મી નવેમ્બરે રહેણાંક સ્થળે જઈ રહ્યો હતો ત્યારે કેટલાક અજાણ્યા શખ્સોએ લૂંટના ઈરાદે ઘેરી લઇ માથામાં લોખંડના સળિયો મારી દીધો હતો. ફિરોઝને ગંભીર ઈજા પહોંચતાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો પરંતુ 1લી ડિસેમ્બરે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. હોસ્પિટલ દ્વારા તેના મૃતદેહને વતન મોકલાવા એજન્સીને કામગીરી સોંપાઇ હતી. આ એજન્સીએ મરોલી ખાતે મૃતકના પરિવારજનો સાથે ચર્ચા કરી મૃતદેહ મેળવવા માટે રૂ. 60 હજાર મોકલવા માટે સૂચન કર્યું હતું પરંતુ કાથાવાલા પરિવાર સામાન્ય સ્થિતિ ધરાવતો હોય તેમની પાસે એ રકમ મલેશિયાની એજન્સીને મળી ન હતી, જેના કારણે મલેશિયાથી ફિરોઝનો મૃતદેહ માદરે વતન લાવી શકાયો નથી.

મલેશિયા ગયા બાદ યોગ્ય નોકરી ન મળતા તે છૂટક કામ કરતો હતો

મળતી માહિતી મુજબ મલેશિયામાં તેની દફનવિધિ કરી દેવાય હોવાની માહિતી સાંપડી છે. જોકે, મૃતકના પરિવારના સભ્યો હજી પણ તેના મૃતદેહની રાહ જોઈને બેઠા છે અને કોઈ મદદ કરે તેની આશા સેવી રહ્યા છે. મૃતકના બનેવી જાવેદભાઈ શેખના જણાવ્યા પ્રમાણે ફિરોઝ બે ભાઈઓમાં મોટો હતો. તેમના લગ્ન થઈ ચૂક્યા હતા અને પરિવારમાં પત્ની તથા બે બાળકો છે. નવસારીના એજન્ટનો સંપર્ક કરી તે મલેશિયા ગયો હતો. એજન્ટે મલેશિયામાં નોકરી મેળવી આપવાની ખાતરી આપી હતી. હાલ તે મલેશિયામાં કેલંક સિટી નજીક આવેલ વાલમપુરામાં નવસારીના લાલાભાઈ નામના શખ્સને ત્યાં રહેતો હતો. ફિરોઝ મૂળ બીલીમોરા વિસ્તારનો રહીશ છે. 10 વર્ષ પહેલા તેનો પરિવાર મરોલીમાં સ્થાયી થયો હતો. ફિરોઝ અહીં સચીન ખાતે વેલ્ડરની નોકરી કરતો હતો. જ્યારે મલેશિયા ગયા બાદ યોગ્ય નોકરી ન મળતા તે છૂટક કામ કરતો હતો. ફિરોઝ સાથે દુર્ઘટના બન્યા બાદ તેનું સારવાર દરમિયાન મોત થયાની જાણ મૃતકના પાકિસ્તાની મિત્રએ કાથાવાલા પરિવારને કરી હતી.

બીજી વખત આવેલા અજાણ્યા શખ્સોએ જીવ લીધો

ફિરોઝ મલેશિયામાં છૂટક કામ કરતો હતો. તેને અજાણ્યા શખ્સો મળતા મોબાઈલની લૂંટ ચલાવી ઘટનાસ્થળેથી તેઓ ફરાર થઈ ગયા હતા. થોડા સમય બાદ તેઓ પરત આવ્યા હતા અને ગેટ પર ઉભેલા ફિરોઝને તેમણે નિશાન બનાવ્યો હતો. અચાનક લોખંડના સળિયાથી તેના પર હુમલો કરી તેને ગંભીર ઈજા પહોંચાડી હતી. જેમાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

X
મૃતક યુવાનની ફાઈલ તસવીરમૃતક યુવાનની ફાઈલ તસવીર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App