તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેનેડાના 43 વર્ષ જુના ‘ગુજરાતી મંડળ ઓફ કેલગરી’ દ્વારા નવરાત્રિનું આયોજન, 3.5 હજાર ગુજરાતીઓ ગરબાની રમઝટ કરશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એનઆરજી ડેસ્કઃ નવલી નવરાત્રિનો ઉત્સવ જ્યારે નજીક આવી રહ્યો છે ત્યારે ન માત્ર સ્વદેશમાં જ પરંતુ વિદેશભરના ભારતીયો , ખાસ કરીને ગુજરાતીઓમાં આ પર્વનો ભારે ઉત્સાહ, ઉમંગ અને તૈયારીઓ શરુ થઇ ગઇ છે. કહેવાય છે કે ‘જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’. આજે વાત કરીએ છે કેનેડા દેશના એક રમણીય, સ્વચ્છ અને સભ્યતા માટે જાણીતા એવા કેલગરી શહેરની. જ્યાં આજથી લગભગ ૪૩ વર્ષ પહેલા ૧૭ ફેબ્રુ ૧૯૭૬ ની સાલમાં કેટલાક ગુજરાતી પરિવારોએ મળી ને ‘ગુજરાતી મંડળ ઓફ કેલગરી’ ની સ્થાપના કરી હતી અને આજે આ સુઘડ શહેરમાં નહી નહી તો લગભગ ૫ હજાર થી વધુ ગુજરાતી પરિવારો વસી રહ્યા છે. 


હાલમાં અંદાજે ૪ હજાર જેટલા વ્યક્તિઓ તો આ મંડળ ના સદસ્ય છે, જેઓ દર વર્ષે નવરાત્રિ, દિવાળી, હોળી, ઉતરાયણ જેવા અનેક પર્વ અને કેટકેટલાયે સાંસ્કૃતિક કાર્યક્રમોને આનંદથી મનાવે છે, બિલકુલ એમ જ જાણે ગુજરાતમાં જ મનાવતા હોય. 

 

આ વર્ષે પણ ‘ગુજરાતી મંડળ ઓફ કેલગરી’ કમિટિના સ્વયંસેવકોએ અથાક મહેનત કરીને નવરાત્રિની પાવન રાત્રિઓનું ભવ્ય આયોજન કરેલ છે, જેમાં લગભગ ૩૫૦૦ જેટલા ખેલૈયાઓ રમવા આવશે, જેનું લાઇવ પ્રસારણ DivyaBhaskar.com Facebook Page પર લાઈવ દેખાશે. તારીખ ૬ અને ૭ ઓક્ટોબર ના રોજ બી.એમ.ઓ સેન્ટર ખાતે અને ત્યારબાદ તારીખ ૧૨ અને ૧૩ ઓક્ટોબરના રોજ જેનેસીસ સેન્ટર ખાતે આયોજન કરાયું છે. 


ગરબાની મોજની સાથે સાથે ગુજરાતી નાસ્તા અને જમવાના ઉપરાંત કેટ-કેટલી વિવિધતાથી ભરપુર વેચાણ અને વ્યવસાયિક સ્ટોલ મેળા જેવી વ્યવસ્થા પણ સ્થળ પર રાખવામા આવી છે. કેલગરીમાં રહેતા લગભગ દરેક ગુજરાતી ખેલૈયાઓ આ દિવસોની કાગડોળે વાટ જોઇ રહ્યા હોય છે ત્યારે મંડળની કમિટિના સદસ્યો એટલા જ પરિશ્રમથી તેઓની આશાઓ પર ખરા નિવડે તે માટે તૈયારીઓમાં લાગેલા હોય છે. 


હાલના સમયના કમિટિના સદસ્યોના નામ આ મુજબ છે: પરાગ ઉપાધ્યાય, મિનેશ પટેલ, હેમાંગ પટેલ, વિરલ ગાંધી, મનીશ જોશી, પરિમલ પટેલ, વિપુલ પટેલ, નિમેશ ત્રિવેદી, પરેશ લાલ, રાજ મહેતા, મિત્તલ પટેલ, મિલન પટેલ, અર્પિત પરીખ, રુપેશ પટેલ, પ્રવિણ પાટીલ, સાગર આચાર્ય અને પથિક પટેલ.

 

માતાજીના પર્વની આગમનની વાટ જોતા પ્રાર્થના કરીએ કે સહુને મા શક્તિ ચમત્કારી ઉર્જા આપે અને સદાકાળ આવા કાર્યક્રમો દુનિયાભરમાં ઉલ્લાસભેર ઉજવાતા રહે તેવા આશીષ આપે, સહુને નવરાત્રિની અનેક શુભેચ્છાઓ.