• Gujarati News
  • Areeb, Who Was Earlier Thought To Have Been Killed In An Air Strike, Was Alive And Had Called His Father

આઈએસઆઈએસમાં જોડાયેલો કલ્યાણનો અરીબ મજીદ છટકીને પહોંચ્યો મુંબઈ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(આરીફ મજીદની ફાઈલ તસવીર)
મુંબઈ. કલ્યાણના ચાર યુવાનો જેઓ ઈરાકના ઈસ્લામિક સ્ટેટ સાથે જોડાયા હતા તે પૈકી એક ૨૩ વર્ષીય યુવક આરીફ મજીદ તર્કી થઈને શુક્રવારે પરત મુંબઈ આવી ગયો છે તેવા સમાચાર આધારભૂત સૂત્રો દ્વારા મળ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આરીફ કે જેનું હવાઈ હુમલામાં મૃત્યુ થયું હતું તેવું માનવામાં આવતું હતું તેણે પોતાના પિતા ડૉ. ઈજાઝ મજીદને ફોન કરી પોતાને તર્કીથી પરત લાવવા મદદ માંગી હતી.
તર્કીથી આરીફે પિતાને બચાવવા માટે ફોન કર્યો હતો
૨૫મી નવેમ્બરે આરીફ મજીદના પિતા ઈજાઝે નેશનલ ઈન્ગેસ્ટીગેશન એજન્સી (એનઆઈએ)ને જાણ કરી હતી કે, ‘તેઓને ૨૦મી નવેમ્બરે અજીબનો ફોન આવ્યો હતો.’ ઈજાઝે એનઆઈએને જણાવ્યું હતું કે, ‘આરીફે તેઓને જણાવ્યું હતું કે તેણે આઈએસઆઈએસ માટે ત્રણ મહિના કામ કર્યું હતું અને ત્યારબાદ તર્કી ભાગી આવ્યો હતો.’ ઈજાઝે એનઆઈએને પોતાના દીકરાને પરત લાવવા વિનંતી કરી હતી.
એનઆઈએએ મુંબઈ એરપોર્ટ પરથી આરીફને કસ્ટડીમાં
આરીફ કેવી રીતે ઈરાકથી છટકીને તર્કી પહોંચ્યો તેની માહિતી ઉપલબ્ધ થઈ નથી. પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ, ‘શુક્રવાર સવારે ૫.૧૫ વાગે આરીફ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યો હતો.’ એનઆઈએના અધિકારીઓએ તેને ત્યાંથી સીધો કસ્ટડીમાં લઈ લીધો હતો. મહારાષ્ટ્ર એટીએસ કે જેણે ચાર યુવકોના પરિવારોની અગાઉ પૂછપરછ કરી હતી તેઓ પણ આરીફ મુંબઈ પરત આવતા એનઆઈએ સાથે સતત સંપર્કમાં છે. આરીફના પારિવારિક મિત્ર ઈફ્તેખાર ખાને જણાવ્યું હતું કે, આરીફના પિતાને સુરક્ષા એજન્સીઓ તરફથી ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે, 'તેમનો દીકરો મુંબઈમાં આવી ગયો છે.'
આરીફના પિતા હજુ તેને મળ્યા નથી
ઈજાઝના જણાવ્યા મુજબ, ‘હું હજુ આરીફને મળ્યો નથી. હું પહેલા શુક્રવારની નમાજ પઢીસ અને ત્યારબાદ નક્કી કરીશ કે મારા દીકરાને ક્યારે મળવા જઈશ.’
મે મહિનામાં કલ્યાણના ચાર યુવકો જોડાયા હતા આઈએસઆઈએસમાં
આરીફ સહિતના કલ્યાણના અન્ય ત્રણ યુવાનો અમાન ટંડેલ, ફહાદ શેખ તથા શહીમ તન્કી મે મહિનામાં મીડલ ઈસ્ટમાં આવેલા ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાના ઉદ્દેશ્યથી ભારત છોડ્યું હતું પરંતુ તેઓ ત્યાંથી ગાયબ થઈ ગયા હતા. ત્યારબાદ તેઓ આતંકી જૂથ આઈએસઆઈએસ સાથે જોડાઈ ગયાના સમાચાર વહેતા થયા હતા.
ટેક્સી કરીને ચારેય યુવકો પહોંચ્યા હતા ફલ્લુજાહ
પોલીસના જણાવ્યા મુજબ, ચાર એન્જિનીયર યુવકો મે મહિનાની ૨૩મી તારીખે અન્ય ૨૨ યાત્રાળુઓની સાથે બગદાદ ગયા હતા. તેઓ ઈરાકમાં આવેલા ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાના ઉદ્દેશથી ભારતથી ઈરાક ગયા હતા. બીજા દિવસે આરીફે પોતાના ઘરે ફોન કરી પરિવારને જાણ કર્યા વગર નીકળી જવા બદલ માફી માંગી હતી. અન્ય યાત્રાળુઓએ પરત આવીને પોલીસને જણાવ્યું હતું કે, આરીફ, ફહાદ, અમાન તથા શાહિને ફલ્લુજાહ જવા માટે એક ટેક્સી ભાડે કરી હતી. ફલ્લુજાહ બગદાદની પશ્ચિમમાં આવેલું છે અને આ શહેર આઈએસઆઈએસનું ઈરાક ખાતેનું એપીસેન્ટર માનવામાં આવે છે.
આરીફ શહીદ થઈ ગયો છે તેવો તન્કીએ કર્યો હતો ફોન
માજીદ પરિવારના મિત્ર અતીક ખાને જણાવ્યું હતું કે, ઓગસ્ટની ૨૬મી તારીખે ચાર મિત્રો પૈકીના તન્કીએ આરીફના પરિવારને ફોન કરીને જણાવ્યું હતું કે તેમનો દીકરાએ શહીદી વહોરી છે. તેનું મોત સીરીયામાં આઈએસઆઈએસ તરફથી લડતા થયું હતું. સમાચાર મળ્યાના બીજા દિવસે આરીફના પરિવારે જનાઝા-એ-ગયબાના (મૃતશરીરની ગેરહાજરીમાં આત્માની શાંતિ માટે કરવામાં આવતી પ્રાર્થના)નું કલ્યાણ ખાતે આયોજન પણ કર્યું હતું.