યાકુબને ફાંસી પર રાજનેતાઓ-કાયદાકીય નિષ્ણાતોના અભિપ્રાય

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નાગપુર/મુંબઈ/નવીદિલ્હી : ગુરૂવારે સવારે 1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટ્સના આરોપી યાકુબ મેમણને ફાંસીએ લટકાવી દેવામાં આવ્યો હતો. યોગાનુયોગ એ દિવસે જ તેનો 53મો જન્મદિવસ હતો. યાકુબે કાયદાની દરેક પ્રક્રિયા-છટકબારી કે વ્યવસ્થાનો લાભ લઈને ફાંસી ન મળે તે માટે પ્રયાસો કર્યા હતા. છેલ્લી ઘડીએ ફાંસી કમ સે કમ 14 દિવસ માટે ટળે તે માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા. જો કે, અંતે તેને ફાંસી થઈ ગઈ.
કોંગ્રેસના મહાસચિવ દિગ્વિજય સિંહે ગુરૂવારે સવારે ટ્વિટ કર્યું હતું. તેમણે લખ્યું, " યાકુબને તત્કાળ ફાંસી આપીને સરકાર તથા ન્યાયતંત્રે ત્વરિત પગલાનો એક દાખલો બેસાડ્યો. આશા છે કે તમામ કેસોમાં હવે આવી જ રીતે ત્વરિત ચુકાદાઓ આવશે. સરકાર તથા ન્યાયતંત્રની શાખ દાવ પર છે.
જ્યારે કેરળના તિરૂવનંતપુરમથી કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે લખ્યું, "સરકારે એક વ્યક્તિને ફાંસીએ ચડાવી દીધી, તેથી હું ખૂબ જ દુખી છું. સરકાર પ્રાયોજીત હત્યાઓ આપણને નીચા સ્તર પર ઉતારી રહી છે. જેને આપણને હત્યારાઓના સ્તર પર લાવી દીધા છે."
બાદમાં પત્રકારો સાથે વાતચીતમાં શશિ થરૂરે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના ચુકાદાની ટીકા નથી કરી, પરંતુ વ્યક્તિગત મત વ્યક્ત કર્યો છે કે મોતની સજા તથા તેનો સિદ્ધાંત જ ખોટા છે. આંકડાઓ અને અભ્યાસના આધારે સ્પષ્ટ થયું છે કે ફાંસીની સજાથી ગુનામાં ઘટાડો થતો નથી.
ફાંસીની ઉપર રાજકીય પક્ષોના નેતાઓ તથા કાયદાકીય નિષ્ણાતોએ તેમની પ્રતિક્રિયાઓ આપી હતી.
પ્રતિક્રિયાઓ

* સમય આવી ગયો છે કે આપણે હવે ફાંસીની સજાને દૂર કરીએ. – ડી. રાજા, નેતા, સીપીઆઈ

* આસંજોગોમાં જે કાંઈ થઈ શકે તે થયું છે. સુપ્રીમ કોર્ટે દરેક પ્રક્રિયાનું પાલન કર્યું છે. કોર્ટે જે કાંઈ કર્યું તેનાથી સારો સંદેશ ગયો છે. યાકુબને તમામ કાયદાકીય પ્રક્રિયાનો લાભ મળ્યો હતો. –જસ્ટિસ ફખરૂદ્દિન, નિવૃત્ત ન્યાયધીશ

* સુપ્રીમ કોર્ટે ગંભીર અને કરૂણ ભૂલ કરી છે. આતંકવાદી હુમલો ન થાય તેવું ઈચ્છતાં હોય તો આપણે કેટલાક પગલા લેવા પડશે. – આનંદ ગ્રોવર, વકીલ, યાકુબ મેમણ

* દેશમાં લોકશાહી જીવિત છે. સુપ્રીમ કોર્ટે તેની ફરજ બજાવી. – કિરીટ સોમૈયા, નેતા, ભાજપ

*દયા અરજી પર સુનાવણી કરવી એ સુપ્રીમ કોર્ટની ફરજ છે. આથી તેની ઉપર ચુકાદો આપવા માટે અડધી રાત્રે કોર્ટ બેઠી હતી. તેનાથી આતંકવાદ સામે કડક સંદેશ ગયો છે. – આભાસિંહ, વકીલ તથા સામાજિક કાર્યકર્તા
* યાકુબની ફાંસી પર મને અફસોસ છે. તે સામે ચડીને આવ્યો હતો, તેણે સરન્ડર કર્યું હતું. સરકાર તમાશો જોતી રહી. એકશન કે રિએકશન બંને અયોગ્ય છે. પરંતુ એક્શન માટે આજ દિવસ સુધી સજા નથી થઈ, તથા રિએક્શન માટે ફાંસી થઈ છે. – અબુ આઝમી, નેતા, સમાજવાદી પાર્ટી (1993ના બોમ્બ બ્લાસ્ટ્સમાં તેઓ પણ આરોપી હતા. એક વર્ષ સુધી તેઓ જેલમાં રહ્યા હતા બાદમાં સુપ્રીમ કોર્ટે તેમને છોડ્યા હતા. )
* જો રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી દિગ્વિજય સિંહના નિવેદન સાથે સહમત ન હોય તો તેમણે સત્તાવાર નિવેદન બહાર પાડી રદ્દિયો આપવો જોઈએ. આ નિવેદન વખોડવાપાત્ર છે. અન્યથા દેશને લાગશે કે તેમનું નિવેદન એ કોંગ્રેસની ઔપચારિક પ્રતિક્રિયા છે. અમે માફીની માગ કરીએ છીએ.– જીવીએલ નરસિંહ્મારાવ, પ્રવક્તા, ભાજપ
* ગઈકાલે છેવટ સુધી ન્યાયતંત્રે તેની પ્રક્રિયાનું પાલન કર્યું. અન્ય કોર્ટોમાં પડતર આ પ્રકારના અન્ય કેસોનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવો જોઈએ. – માયાવતી, સુપ્રીમો, બસપા

* ભારતીય ન્યાયતંત્ર તથા લોકશાહી માટે દુઃખદ દિવસ છે. મોડીરાત્રે સુનાવણી કરી તે સારી બાબત છે. પરંતુ મારા મતે ન્યાયની કસૂવાવડ થઈ છે. – પ્રશાંત ભૂષણ, અડધી રાત્રે સુપ્રીમમાં યાકુબ માટે હાજર રહેનારા વકીલ

* જે લોકો યાકુબનું સમર્થન કરી રહ્યાં છે તેઓ ખોટા છે અને સમાજને વિભાજીત કરી રહ્યાં છે. – આઝમ ખાન, નેતા, સમાજવાદી પાર્ટી

* હવે કોડાણી, બજરંગી અને દિલ્હીના શીખ હત્યારાઓને ફાંસી થાય છે કે કેમ તે જોવું રહ્યું – અસદ્દુદીન ઓવૈસી, અધ્યક્ષ, એમઆઈએમ
* ધર્મ અને રાજકારણને ભેળવવા માંગતા રાજકારણીઓના ગાલ પર કડક તમાચો લાગ્યો છે. – સિદ્ધાર્થનાથ સિંહ, નેતા, ભાજપ

* મોતની સજાથી કયો ત્રાસવાદી હચમચશે?લોકશાહી રાષ્ટ્ર તરીકે આપણે મોતની સજાને રદ્દ કરવી જોઈએ. –મણિશંકર ઐય્યર, નેતા, કોંગ્રેસ

* કાયદાએ કાયદાનું કામ કર્યું, ન્યાય મળવામાં ઢીલ થઈ, પરંતુ ન્યાય થયો. – શાહનવાઝ હુસૈન, નેતા, ભાજપ

* પાક. સમર્થિત આતંકવાદીઓને કડક સંદેશ ગયો છે કે આ પ્રકારના કૃત્યોને સાંખી લેવામાં નહીં આવે. – સંજય રાઉત, નેતા, શિવસેના