તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંબંધોની 3 ગાથાઓ કે જે જણાવે છે કે મહિલાઓ કંઈ પણ કરી શકે છે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભોપાલ: માધવીએ એક દુર્ઘટનામાં પોતાનો દીકરો ગુમાવ્યો. માતા હોવાને કારણે તે સમયે ખૂબ જ ભાંગી પડી. તેનું સપનું હતું કે દીકરો ખૂબ જ ભણી-ગણીને મોટો માણસ બને. તેવામાં તેણે નક્કી કર્યું કે તે એવાં બાળકોના અભ્યાસ માટે કામ કરશે કે જેઓ ગરીબીને કારણે ભણી નથી શકતા. 75 વર્ષીય માધવી દેવી અસિવાલે પોતે પણ શાળાનું શિક્ષણ લીધું નહોતું. તે કામ એટલું સરળ નહોતું. તે જણાવે છે કે જ્યારે તેણે 1998માં ખંજન ગુરુકુળ વિદ્યાલયની શરૂઆત કરી તો અમારી સામે ઘણી તકલીફો આવી હતી. મારા પતિનાં પેન્શનનાં નાણાં બચાવીને ઘરમાં વિદ્યાલય શરૂ કર્યું હતું. મેં શિક્ષકો રાખીને શાળા શરૂ કરી જેથી ઝૂંપડપટ્ટીનાં બાળકો ભણવા આવી શકે.

ભોપાલમાં વિજયનગર કોલોની રેલવે લાઇનના કિનારે આવેલી આ શાળામાં ગરીબ બાળકો પાસેથી ફી લેવામાં નથી આવતી. પરંતુ કોઈ સ્વેચ્છાએ આપવા માગે તો માસિક રૂ. 10-20 આપી શકે છે. અમ્માજીનાં નામે જાણીતી માધવી કહે છે કે અમારી શાળામાંથી અત્યાર સુધી 500 બાળકો અભ્યાસ કરી ચૂક્યા છે. પહેલાં ધોરણથી આઠમાં ધોરણ સુધીની આ સ્કુલમાં ક્યારેક અમ્માજી પોતે પણ બાળકોને ભણાવવા બેસી જાય છે.

કેરી પર નિશાન સાધતા-સાધતા તીરંદાજીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો

જશપુરનગર: નેહા તિવારીએ જહાં ચાહ, વહાં રાહની કહેવતને સાચી પુરવાર કરી છે. આ આદિવાસી વિસ્તારમાં કોચ અને સંસાધન વગર નેહાએ પાંચ વાર તીરંદાજીમાં રાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા દેખાડી દીધી છે. ગયા વર્ષે નેહાએ જબલપુરમાં આયોજિત નેશનલ ગેમ્સમાં ગોલ્ડ મેડલ પણ મેળવ્યો હતો. ઝારખંડની વિશ્વ વિખ્યાત તીરંદાજ દીપિકાને પોતાનો આદર્શ ગણનાર નેહાનો સંઘર્ષ લોકો માટે ઉદાહરણ છે. 11મા ધોરણની વિદ્યાર્થિની નેહાના પિતા વિનય તિવારી બતાવે છે કે અગાઉ, તે બાગીચામાં પથ્થર મારીને કેરી તોડતી હતી.

અચૂક નિશાન જોઇને નેહાએ તીરંદાજનો અભ્યાસ શરૂ કર્યો. નવા તીર-કામઠા લેવામાં દોઢ લાખ રૂપિયાનો ખર્ચ થાય છે, તેથી નેહા જૂના તીર-કામઠા ખરીદીને કોચ વગર જ અભ્યાસ કરીને તીરંદાજીમાં પારંગત થઇ ગઇ. ત્યાર પછી પોતાની પ્રતિભાને પરખવા માટે મોટી ટૂર્નામેન્ટમાં ભાગ લેવાનું શરૂ કર્યું. નેહા તિવારીએ જણાવ્યું કે તે દરરોજ તીરંદાજીમાં પાંચ કલાક ભારે અભ્યાસ કરે છે. નેહા પાંચ વાર રાજ્ય સ્તરે અને પાંચ વાર રાષ્ટ્રીય સ્તરે તીરંદાજીના કૌવત બતાવી ચુકી છે. 2016ની 17મી ફેબ્રુઆરીએ જમશેદપુરની જુનિયર નેશનલ સ્પર્ધામાં તેને ઓલ ઇન્ડિયામાં 28મો નંબર મળ્યો હતો.

પિતા- ભાઇના મોત પછી ભાભીને ભણાવ્યાં, પરિવારને સંભાળ્યો

રાયપુર: વય 44 વર્ષ. પિતા અને મોટાભાઇના મૃત્યુ પછી 15 વર્ષમાં ઘરની જવાબદારી સંભાળી. ટ્યુશન કરાવીને જાતે અભ્યાસ કર્યો. હવે મહિને એક લાખ રૂપિયા કમાય છે. આ કહાની પોતાને બદલી નાખનાર અનિતા શ્રીવાસની છે. તેમણે જણાવ્યું કે 13 વર્ષની હતી ત્યારે પિતાનું નિધન થયું હતું. 15 વર્ષની થઇ તો મોટા ભાઇનું પણ નિધન થઇ ગયું. ભાઇના અવસાન પછી સમગ્ર પરિવારના સભ્યોનો વ્યવહાર જ બદલાઇ ગયો. દરેક વ્યક્તિ ભાભીને મહેંણા મારવા લાગી. ભાભીના બચાવમાં હું આગળ આવી તો બેઘર કરી દેવામાં આવ્યું. અનીતાએ જણાવ્યું કે જ્યારે પોતાના લોકોએ તેમને ફગાવી દીધા તો, તેઓ એક નાનકડા રૂમમાં ભાડે રહેવા લાગ્યા. તેઓ બાળકોને ટ્યુશન કરાવવા લાગ્યા. ન્યૂઝ પેપર વહેંચવાનું કામ કર્યું.

ભાભીને આગળ ભણાવ્યા. બંનેએ સાથે જ ગ્રેજ્યુએશન કર્યું. તેઓ કહે છે કે જ્યારે હું 12મા ધોરણમાં હતી ત્યારે એક ઇન્શ્યોરન્સ કંપનીમાં નોકરી મળી. પ્રગતિ કરીને આજે એક મોટી ઇન્શ્યોરન્સ કંપનીમાં એજન્સી એસોસિએશન મેનેજરની પોસ્ટે કામ કરી રહી છું. અનીતાની ઇચ્છા છે કે મૃત્યુ પછી તેમની પ્રોપર્ટી અનાથ બાળકોને મળે. કારણ કે પિતા વગર બાળકોનું દર્દ તેઓ સારી રીતે સમજે છે. 10મા ધોરણમાં ભણતી હતી ત્યારે 15 વર્ષની વયે માતા, ભાભી અને ભત્રીજીઓની જવાબદારી અનીતા પણ આવી ગઇ હતી. આજે માતા તો ન રહ્યા પરંતુ ભાભી સરકારી નોકરી કરે છે, એક ભત્રીજીનાં લગ્ન થઇ ગયાં છે અને બીજી ભત્રીજી બીઇ કરી રહી છે.
અન્ય સમાચારો પણ છે...