હવામાન પાડી શકે છે મોદીની શપથવીધિના રંગમાં ભંગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
24 કલાકમાં 12.66 મીમી વરસાદ પડ્યો
ખુલ્લા પ્રાંગણમાં યોજાઈ રહી છે શપથવીધિ
ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સોમવારે સાંજે શપથ લેશે અને ઔપચારિક રીતે દેશના પંદરમા વડાપ્રધાન બની જશે. આ માટે રાયસીના હિલ્સ ખાતે રાષ્ટ્રપતિ ભવનના ખુલ્લા પ્રાંગણમાં મોદીની શપથવીધિ યોજવામાં આવી રહી છે. જો કે, આ રંગમાં વરસાદનો ભંગ પડી શકે છે.

સોમવારે સવારે દિલ્હીનું તાપમાન 21.4 રહ્યું હતું. જે સામાન્ય કરતા છ ડિગ્રી ઓછું છે. રવિવારે સવારે 8.30 કલાકથી લઈને સોમવારે સવારે 8.30 કલાક સુધીના 24 કલાકના ગાળામાં 12.6 મીલીમીટર વરસાદ પડ઼્યો હતો.વાતાવરણમાં ભેજનું પ્રમાણ 57 ટકા હતું. સોમવારે વાતાવરણ વાદળછાયું રહેશે અને દિલ્હીના અમુક વિસ્તારોમાં ભારે વંટોળ ફૂંકાઈ શકે છે. સોમવારે મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહે તેવી વકી છે.

આવું રહેશે શપથવીધિ દરમિયાનનું વાતાવરણ

હવામાન ખાતાના ડાયરેક્ટર ડૉ. બીપી યાદવના કહેવા પ્રમાણે, સોમવારે સાંજે (શપથવીધિ દરમિયાન) વાતાવરણ સુખદ રહેશે. ઉપરાંત તે અંશતઃ વાદળછાયું રહેશે. વરસાદ પડશે કે કેમ તે ચોક્કસ નથી. સોમવારે સાંજે વરસાદ પડે તેની શક્યતા 20 થી 25 ટકા જેટલી છે. બંગાળના અખાતમાં કેટલીક ગતિવિધિઓ નોંધાઈ છે. પરંતુ મોટાભાગે વાદળછાયું વાતાવરણ રહે, તેવી શક્યતા છે.