પતંજલિ ફૂડ પાર્ક હિંસા : રામદેવના ભાઈ સામે નોંધાયો હત્યાનો કેસ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હરિદ્વાર: ઉત્તરાખંડના હરિદ્વારમાં પતંજલિ ફૂડ પાર્કમાં સુરક્ષાકર્મીઓ તથા ટ્રક યુનિયનના પદાધિકારીઓની વચ્ચે બુધવારે ટક્કર થઈ હતી. જેમાં એક શખ્સનું મોત થયું છે, જ્યારે ડઝનેક લોકો ઘાયલ થયા છે. યોગગુરૂ બાબા રામદેવના ભાઈ રામભરત તથા સિક્યુરિટી ગાર્ડની ધરપકડ કરી છે. પોલીસે ફૂડ પાર્કમાંથી છ રાયફલ્સ પણ કબ્જે લીધી છે. ગુરૂવારે રામભરતને કોર્ટમાં રજૂ કરાયા હતા, જ્યાં તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાનો આદેશ કરવામાં આવ્યો હતો.
આ ઘટના અંગે માહિતી મળતા મોટી સંખ્યામાં પોલીસબળ ખડકી દેવાયું હતું. પોલીસ દ્વારા ફૂડપાર્કમાં તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં છ રાયફલ્સ મળી આવી હતી. એસપી સ્વિટિ અગ્રવાલના કહેવા પ્રમાણે, પ્રથમ નજરે એવું લાગે છેકે, રામભરતે ગાર્ડ્સને ઉશ્કેર્યાં હતાં. તેમની ઉપર ભારતીય દંડ સંહિતાની કલમ 302 લગાવવામાં આવી છે.

પોલીસે ફૂડપાર્કના સીસીટીવી ફૂટેજને કબ્જે લીધું છે, જેના આધારે આરોપીઓની તપાસ હાથ ધરી છે. ટ્રક યુનિયન દ્વારા યોગગુરૂ બાબા રામદેવના ભાઈ રામભરત ઉપરાંત પાર્કમાં પરિવાર વિભાગના સંચાલક અનિલ ગોસ્વામી ઉપરાંત યોગેશ કુમાર ખાનગી સિક્યુરિટી ગાર્ડ્સ ઉપરાંત 35 જેટલા અજાણ્યા શખ્સો સામે કેસ દાખલ કરાવવામાં આવ્યો છે.

આરોપોને આશ્રમનો રદ્દિયો

આશ્રમના પ્રવક્તા આચાર્ય બાલકૃષ્ણના કહેવા પ્રમાણે, યુનિયનના લોકો દ્વારા ફૂડ પાર્કમાં તોડફોડ કરવામા આવી હતી. વાહનોને આગચંપી કરવામાં આવી હતી. બાદમાં જ સુરક્ષા ગાર્ડ્સે વળતી કાર્યવાહી કરી હતી.
વિવાદનું કારણ

પતંજલિ ફૂડ પાર્કમાં માલ-સામાનનું વહન બહારના ટ્રક યુનિયન્સ દ્વારા કરવામાં આવતું હતું. જેના કારણે સ્થાનિક ટ્રક યુનિયન નારાજ હતા. બુધવારે ફૂડ પાર્કમાં માલ લઈ જતા ટ્રકને ગેટ પાસે સ્થાનિક યુનિયનના શખ્સોએ અટકાવ્યો હતો. પોતાના ટ્રક્સ આડા મુકીને સ્થાનિક યુનિયનવાળાઓએ વિરોધ નોંધાવ્યો હતો. આ જોઈને પાર્કના સિક્યુરિટી ગાર્ડે તેને ભગાડવા પ્રયાસ કર્યો હતો. બંને પક્ષે સામે-સામે પથ્થરમારો થયો હતો. આ દરમિયાન આશ્રમના ગાર્ડ્સે ફાયરિંગ કર્યું હોવાનું પણ કહેવાય છે.

ફૂડ પાર્કના ગાર્ડ્સે દલજીત (ઉં.વ. 42)નામના ટ્રેડ યુનિયનના પદાધિકારીને લાકડીથી ફટકાર્યો હતો. પોલીસને સમગ્ર ઘટનાક્રમનું સીસીટીવી (ક્લોઝ સર્કિટ ટેલિવિઝન) ફૂટેજ મળ્યું હોવાના અહેવાલ પણ છે. જેમાં દલજીતને ફટકારવામાં આવ્યો હોવાનું નજરે પડે છે.
અથડામણમાં ડઝનેક લોકો ઘાયલ થયા છે. સ્થાનિક ટ્રક યુનિયનના લોકો અને સ્થાનિકોએ મળીને આજુબાજુમાં તોડફોડ કરી હતી. પાર્કની આજુબાજુ અનેક દુકાનો તથા વાહનોને આગને હવાલે કરી દેવાયા હતા. ઉલ્લેખનીય છે કે ફૂડ પાર્કના એક મેનેજરની પણ કેટલાક મહિના અગાઉ ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસ હજુ સુધી તેના હત્યારાઓને શોધી શકી નથી. તેને કારણે વિવાદ પણ હજુ ચાલી રહ્યો છે.