• Gujarati News
  • Vajpayee Wanted Modi To Quit Over Gujarat Riots, But Party Said No: Venkaiah Naidu

અટલ ઈચ્છતા હતા કે ગુજરાત રમખાણો બાદ મોદી રાજીનામું આપે: વેંકૈયા નાયડુ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

‘વર્ષ 2002માં ગુજરાત રમખાણો બાદ વાજપાઈ ઈચ્છતા હતા કે નરેન્દ્ર મોદી રાજીનામું આપી દે’ આ શબ્દો છે ભાજપના વરિષ્ઠ નેતા અને એક સમયના ભાજપના પ્રમુખ વેંકૈયા નાયડુનાં. કોઈ પણ નેતા પક્ષથી પર ના હોઈ શકે એવો મત વ્યક્ત કરતા નાયડુએ જણાવ્યું છે કે ભાજપમાં કોઈ નેતા મોદીથી ડરતા નથી.

મોદીનું કદ ભાજપ કરતા પણ મોટુ થઈ ગયુ હોવાના તેમજ તેઓ સરમુખત્યારની જેમ વર્તી રહ્યા હોવાના ઘણા સમયથી સામે આવી રહેલા અહેવાલોના પગલે વેંકૈયા નાયડુએ એક જાહેર કાર્યક્રમમાં ઉપરોક્ત શબ્દો કહ્યા હતાં. ગુજરાત રમખાણો વખતે નાયડુ ભાજપમાં પ્રમુખપદની જવાબદારી નિભાવતા હતા.

‘એ સમય દરમિયાન અટલ બિહારી વાજપાઈ વડાપ્રધાન હતા. તેઓ ઈચ્છતા હતા કે નરેન્દ્ર મોદીએ રાજધર્મને વળગી રહેવું જોઈએ અને મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપી દેવું જોઈએ. જોકે, તેમણે આ નિર્ણય પક્ષ પર છોડી દીધ હતો. પક્ષે નિર્ણય લીધો હતો કે મોદી મુખ્યપ્રધાન તરીકે ચાલુ રહેશે. એ બહુ કપરો કાળ હતો. ને અટલજી પણ પક્ષના નિર્ણય સાથે ચાલ્યા હતા.’ એવું જણાવી નાયડુએ ભાજપની કાર્યપ્રણાલી સમજાવતા પક્ષનું મહત્વ જણાવ્યું હતું. સાથે જ મોદી પક્ષ કરતા મોટા થઈ ગયા હોવાના અહેવાલોને પણ રદીયો આપી દીધો હતો.

આ અંગે વધુમાં જણાવતા તેમણે કહ્યું હતું કે 'આવું હું એટલા માટે કહી રહ્યો છું કે પક્ષ કઈ રીતે કામ કરે છે તે અંગે ખ્યાલ આવે'. મોદી પોતાના પદ પર ચાલુ રહ્યા તેની પાછળનું પણ આ જ કાર્યપ્રણાલી જવાબદાર હોવાનું તેમણે જણાવ્યું હતું.

ભાજપના નેતાઓ અને મોદી વચ્ચેના મતભેદો જગજાહેર
નરેન્દ્ર મોદી અને ભાજપના કેટલાક નેતાઓ વચ્ચેના મતભેદો જગજાહેર છે. મોદીના રાજકીય ગુરૂ અને પક્ષના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી વચ્ચેના રીસામણા કેટલીય વખત ઉજાગર થઈ ચુક્યા છે. બન્ને વચ્ચેના મતભેદો પાછળ વડાપ્રધાનના પદની દાવેદારી મુખ્ય મુદ્દો હોવાનું કેટલીય વખત ચર્ચાઈ ચુક્યું છે.

ભાજપના વધુ એક નેતા મુરલી મનોહર જોશીને પણ નરેન્દ્ર મોદી મુદ્દે વાંકુ પડ્યું હોવાના સમાચારો પણ વહેતા થયા છે. શુક્રવારે યોજાયેલી ભાજપની સંસદીય બોર્ડની બેઠકમાં લોકસભાની વારાણસી બેઠકને લઈને પક્ષના અધ્યક્ષ રાજનાથસિંહ અને મુરલી મનોહર જોશી વચ્ચે બોલાચાલી થઈ હોવાના અહેવાલો વહેતા થયા હતા. ગીન્નાયેલા જોશી બેઠક અધવચ્ચેથી છોડીને ચાલ્યા ગયા હતા. તો વળી, સુષ્મા સ્વરાજે પણ ગુસ્સે ભરાઈ બેઠક અધુરી છોડી ચાલતી પકડી હતી.