લોકપાલ મુદ્દે ટીમ અણ્ણામાં પડ્યાં તડાં

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- સુધારેલા બિલને અણ્ણાએ નિરર્થક ગણાવ્યું જ્યારે કિરણ બેદીએ સમર્થન આપ્યું
- સુધારેલા બિલમાં અમારી અનેક માગણીઓ સંતોષાઈ છે: કિરણ બેદી


લોકપાલ મુદ્દે ક્યારેક એક થયેલી ટીમ અણ્ણા હવે વિખેરાઈ રહી હોય એમ લાગે છે. પહેલાં અરવિંદ કેજરીવાલ અને હવે કિરણ બેદીએ અણ્ણા કરતાં અલગ મત વ્યક્ત કર્યો છે. કિરણ બેદીએ સુધારેલા લોકપાલ બિલને સમર્થન આપ્યું છે. જ્યારે અણ્ણા તેનો વિરોધ કરી રહ્યા છે. અણ્ણાએ ચૂંટણી પંચની જેમ સીબીઆઈ અને સીવીસીને પણ સ્વાયત્ત બનાવવાની તરફેણ કરી છે. તેમણે એવી ચેતવણી પણ આપી છે કે જરૂર પડશે તો સરકાર સામે તેઓ ફરી રામલીલા મેદાનમાં આંદો્લન કરશે.

આ પહેલાં પૂર્વ આઈએએસ અધિકારી કિરણ બેદીએ ગુરુવારે કહ્યું હતું કે લોકપાલ બિલનો સુધારેલો મુસદ્દો અમારી મોટા ભાગની માગણીઓને સંતોષે છે. આ સમયે સરકારનો વિરોધ છોડી દેવાની જરૂર છે. એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કિરણ બેદીએ ક«યું કે સીબીઆઈના ડાયરેકટરની નિમણુંકની પ્રક્રિયામાં ફેરફારથી તેઓ ખુશ છે.

તેમણે કહ્યું જ્યાં કશું મળતું ન હતું ત્યાં કંઈક મળ્યું તેને તેમને ખુશી છે. હવે આગામી દિવસોમાં લોકપાલ કાયદાને મજુત બનાવવાની જવાબદારી વિરોધ પક્ષોની છે. અણ્ણએ જ્યારે લોકપાલ બિલમાં સુધારાને બેકાર ગણાવ્યા છે તેવા સમયે કિરણ બેદીએ તેની તરફેણ કરતાં ટીમમાં તડાં સ્પષ્ટ દેખાઈ આવે છે.

- લોકપાલ બિલ અંગે યુપીએના ઇરાદાઓ સામે સીપીઆઇ(એમ)નો પ્રશ્નાર્થ

લોકપાલ બિલના મુસદ્દામાં સંસદીય સમિતિ દ્વારા કરાયેલી મહત્વની બે ભલામણોની અવગણના કરવાના યુપીએ સરકારના નિર્ણય સામે વાંધો ઉઠાવીને સીપીઆઇ(એમ)શુક્રવારે, દેશમાં ભ્રષ્ટાચારને નાથવા માટેના સખત કાયદો ઘડવાના યુપીએ સરકારની ઇરાદાઓ સામે પ્રશ્નાર્થ ઉઠાવ્યો હતો. જોકે, સંસદ સમક્ષ બિલ આવશે ત્યારે જ સીપીઆઇ પોતાનું વલણ જાહેર કરશે, તેમ સીપીઆઇના નેતા વૃંદા કરાતે જણાવ્યું છે.

- અણ્ણા સમગ્ર દેશનો પ્રવાસ ખેડશે

અણ્ણાએ ફરી કહ્યું છે કે હાલના લોકપાલ બિલથી કોઈ ફાયદો થવાનો નથી. સરકાર માત્ર નાટક કરી રહી છે. તેમણે કહ્યું કે તેઓ તમામ રાજ્યોનો પ્રવાસ ખેડશે અને લોકોને સંગિઠત કરી ભ્રષ્ટાચાર સામે નવેસરથી જંગ છેડશે. અરવિંદ કેજરીવાલે આ મુદ્દે અણ્ણાને ટેકો આપ્યો છે. કેજરીવાલે જણાવ્યું છે કે સરકારી લોકપાલ બિલ ભ્રષ્ટાચારને રોકી શકે તેમ નથી. તેમણે મજબૂત લોકપાલ બિલના સમર્થનમાં ફરી રામલીલા મેદાનમાં આંદોલન છેડવાની ધમકી પણ ઉચ્ચારી છે.

- સત્તા જો ઝેર છે, તો તેની પાછળ શું કામ ભાગો છો? : અણ્ણા

સામાજિક કાર્યકર અણ્ણા હજારેએ પ્રસ્તાવિત લોકપાલ બિલને બેહદ કમજોર ગણાવીને સરકાર પર લોકો સાથે છેતરપિંડી કર્યાનો આરોપ મૂક્યો હતો અને સાથોસાથ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું અને સણસણતો સવાલ કર્યો હતો કે જો તમને સત્તા ઝેર જ લાગે છે તો તેની પાછળ દોડો છો શા માટે? તેમણે ઉમેર્યું હતું કે સત્તા ઝેર નહીં, નશો છે.

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ ઉપાધ્યક્ષ બન્યાના બીજા જ દિવસે આપેલા ભાષણમાં લાગણી સભર અવાજમાં જણાવ્યું હતું કે ઉપાધ્યક્ષ બન્યા બાદ મારા રૂમમાં આવીને મારી મા ખૂબ જ રડી હતી, અને તેણે કહ્યું હતું કે સત્તા ઝેર સમાન છે. અણ્ણાએ રાહુલના આ સંબોધનની લાઇનને પકડી રાહુલ પર વાર કર્યો હતો. અણ્ણાએ એવો સવાલ કર્યો હતો કે આટ આટલું રોક્યા છતાં રાહુલ સત્તામાં આવ્યા જ ખરા.

- દેશભરમાં ફરી લોકજુવાળ જગાવશે

કેબિનેટે મંજૂર કરેલા સંશોધિત લોકપાલ બિલ પર અણ્ણાએ યુપીએ સરકારને આડે હાથ લીધી હતી અને કહ્યું કે સરકારે મજબુત લોકપાલ બિલની ખાતરી આપ્યા બાદ ફરી ગઇ, સીબીઆઇને પણ લોકપાલના દાયરામાંથી બહાર રાખી. તેમણે ઉમેર્યું હતું કે તેઓ ફરીથી દેશભરમાં ફરી વળીને લોકજુવાળ જગાવશે.