ધાર (મધ્યપ્રદેશ): મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં એક ગામ છે, મોહનખેડા. અહીં એક ગૌશાળા છે, જ્યાં પક્ષીઓ માટે રહેવાની સવલત ઊભી કરાઇ છે. અહીં એક કબૂતર ગરમીને કારણે ચક્કર ખાઇને પડી ગયું હતું. ગૌશાળાના વ્યવસ્થાપકોએ તરત જ તેની સારવાર કરાવી, અને અહીં રહેનારા લગભગ 2,000 કબૂતરો માટે દરેક ખૂણામાં કૂલર લગાવી દીધા હતા.
એટલું જ નહીં, ગૌશાળામાં હાલ 1,400 જેટલા ગૌવંશ છે. સંખ્યાબંધ સસલાં, આઠ બતક અને ચાર ઘોડા-ઘોડી છે. આ બધાને ખાવામાં મલ્ટી વિટામિન અને પીવાના પાણીમાં ગ્લુકોઝ મિલાવીને આપવામાં આવી રહ્યું છે. પાણી પણ ગાળીને પિવડાવવામાં આવી રહ્યું છે. અકસ્માતમાં ઘાયલ થયેલાં પશુઓની સારવાર માટે હોસ્પિટલ અને એક એમ્બ્યુલન્સ પણ છે. વિકલાંગ અને અંધ પશુઓ માટે અલગ-અલગ વાડાની વ્યવસ્થા છે. સ્વિમિંગ પૂલ પણ છે, જ્યાં પશુઓ ગરમીથી થોડી રાહત અને મેળવી શકે છે.
મોહનખેડા જૈન તીર્થ ક્ષેત્રમાં આ ગૌશાળા 16 એપ્રિલ 1972ના રોજ લગભગ પાંચ એકર જમીન પર સ્થાપિત કરવામાં આવી હતી. આજે અહીં 9,000 ચોરસફૂટના આકારના ચાર ગૌસદન છે. લગભગ 35-40 ફૂટ ઊંચાઈવાળું એક પક્ષી વિહાર છે. જ્યાં પક્ષીઓના અલગ-અલગ માળા છે. બધા સુવિધાથી સજ્જ. લગભગ 45 લોકોનો સ્ટાફ છે, જે 24 કલાક સેવામાં લાગેલો રહે છે. સ્ટાફ પગાર તો લે છે, પણ ઓછો, કારણ કે ભાવ સેવાનો છે. ગૌશાળાના મેનેજર પ્રેમસિંહ છે. તેઓ કહે છે કે, પશુ-પક્ષીઓની સારસંભાળ અને ખાવા-પીવાની વ્યવસ્થા પાછળ રોજ લગભગ 80-90 હજાર રૂપિયાનો ખર્ચ આવે છે. તેની વ્યવસ્થા દાનમાં મળેલી રકમથી થઇ જાય છે.
સૂર્યાસ્ત પહેલાં જ ભોજન
ગૌશાળા જૈન તીર્થક્ષેત્રમાં છે. તેથી જૈન સમુદાય સહયોગ અને મુનિ ઋષભચંદ્ર વિજયજીનું સંરક્ષણ સતત મળે છે. કદાચ તેથી પશુ-પક્ષીઓના ખાન-પાનની વ્યવસ્થા પણ જૈન સમુદાયના કાયદાઓ અનુસાર થાય છે. જેમ કે, સવાર-સાંજ ભજન-કીર્તન, આરતી અને પશુ-પક્ષીઓને સૂર્યાસ્ત થાય તે પહેલાં ભોજનની વ્યવસ્થા.