તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાણો, ભારતના ‘ફિલસૂફ રાષ્ટ્રપતિ’ ડૉ. રાધાકૃષ્ણન વિશે 10 અજાણી વાતો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: વર્ષ 1962માં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રોફેસર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ 5 સપ્ટેમ્બરને શિક્ષકદિન તરીકે ઊજવવાની શરૂઆત થઇ હતી. ડૉ. રાધાકૃષ્ણન ભારતના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને સોવિયેત યુનિયન માટે ભારતના રાજદૂત હતા. પણ આ બધાથી ઉપર, તેઓ એક ફિલસૂફ અને એક શિક્ષક હતા. આજે શિક્ષકદિવસે divyabhaskar.com તમને જણાવી રહ્યું ભારતના એક ‘ફિલસૂફ રાષ્ટ્રપતિ’ ડૉ. રાધાકૃષ્ણન અંગેની 10 એવી વાતો જે તમારે જાણવી જ જોઇએ.
 
1) પિતા ઇચ્છતા હતા રાધાકૃષ્ણન ધર્મોપદેશક બને
 
સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ 5 સપ્ટેમ્બર, 1888 ના રોજ તમિલનાડુના તિરુત્તાનીમાં એક ગરીબ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તિરુત્તાની તે સમયના મદ્રાસ પ્રેસિડેન્સીમાં આવેલું શહેર હતું. એવું કહેવામાં આવે છે કે તેમના પિતા તેમને ધર્મોપદેશક બનાવવા માંગતા હતા. પિતા નહોતા ઇચ્છતા કે તેઓ ઇંગ્લીશ ભણે. આખરે રાધાકૃષ્ણનને થિરુપતિની એક શાળામાં મોકલવામાં આવ્યા.
 
તેઓ એક તેજસ્વી વિદ્યાર્થી હતા, જેમને તેમના સમગ્ર શૈક્ષણિક જીવન દરમિયાન સ્કોલરશિપ આપવામાં આવી હતી. રાધાકૃષ્ણને વેલુરમાં વૂરહીઝ કોલેજ જોઇન કરી હતી, તે પછી તેઓ 17 વર્ષની ઉંમરે મદ્રાસ ક્રિશ્ચિયન કોલેજમાં શિફ્ટ થયા હતા. અહીં તેઓ ફિલોસોફી ભણ્યા, પરંતુ તે તેમની પસંદ ન હતી. તેમની પાસે પુસ્તકો ખરીદવાના પૂરતાં પૈસા ન હતા. તેમના કઝીન જેઓ તે જ કોલેજમાંથી ફિલોસોફીમાં ગ્રેજ્યુએટ થયા હતા, તેમના પુસ્તકો પર રાધાકૃષ્ણન પાસ થયા હતા. વેદાંત ફિલોસોફી પરનો તેમનો થીસિસ, જે ત્યારે પબ્લિશ થયો હતો જ્યારે તેઓ માત્ર 20 વર્ષના હતા. આ થીસિસને ઉત્તમ થીસિસમાંનો એક ગણવામાં આવે છે.
 
2) રાધાકૃષ્ણન આંધ્ર યુનિવર્સિટી અને બનારસ હિંદુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પણ રહ્યા
 
રાધાકૃષ્ણને 1908માં ફિલોસોફીમાં એમએ પૂરું કર્યું અને મદ્રાસ પ્રેસિડેન્સી કોલેજમાં ફેકલ્ટી મેમ્બર બન્યા. તેઓ યુનિવર્સિટી ઑફ કલકત્તા, યુનિવર્સિટી ઑફ ઓક્સફોર્ડ અને યુનિવર્સિટી ઓફ મૈસૂરમાં ભણાવવા માટે ગયા હતા. તેમણે આંધ્ર યુનિવર્સિટી અને બનારસ હિંદુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે પણ ફરજ બજાવી છે.
 
3) વિદ્યાર્થીઓમાં ખૂબ પોપ્યુલર હતા રાધાકૃષ્ણન
 
રાધાકૃષ્ણન તેમના વિદ્યાર્થીઓમાં ખૂબ પોપ્યુલર હતા અને ભારતીય ફિલોસોફીને પશ્ચિમમાં લાવવા માટેનો શ્રેય તેમને આપવામાં આવે છે. જ્યારે પ્રોફેસર રાધાકૃષ્ણન યુનિવર્સિટી ઓફ કલકત્તા છોડીને મૈસૂરમાં ભણાવવા માટે જઇ રહ્યા હતા ત્યારે તેમના વિદ્યાર્થીઓએ તેમના માટે ફૂલોથી સજાવેલી એક ગાડીની વ્યવસ્થા કરી હતી અને તેમાં જ તેમને યુનિવર્સિટીથી રેલવે-સ્ટેશન લઇ ગયા હતા.
 
4) 16 વર્ષની ઉંમરે રાધાકૃષ્ણને લગ્ન કર્યા હતા
 
રાધાકૃષ્ણનના લગ્ન 16 વર્ષની ઉંમરે તેમની દૂરની કઝીન શિવકામુ સાથે થયા હતા. તેમના પત્ની 1956માં મૃત્યુ પામ્યા હતા. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વીવીએસ લક્ષ્મણ ડૉ. રાધાકૃષ્ણનના ત્રીજી પેઢીના ભત્રીજા (ગ્રેટ ગ્રાન્ડનેફ્યુ) છે.
 
5) UNESCO અને સોવિયેત યુનિયનના રાજદૂત તરીકે નિયુક્ત થયા હતા
 
1952માં ઉપરાષ્ટ્રપતિ પદ ગ્રહણ કરતા પહેલા રાધાકૃષ્ણનને 1946માં UNESCO અને પછી સોવિયેત યુનિયન (રશિયા)ના રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
 
તેઓ 1962માં પ્રજાસત્તાક ભારતના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. તેમની નિયુક્તિ પર બ્રિટિશ ફિલોસોફર અને નોબેલ વિજેતા બર્ટ્રાન્ડ રસેલે કહ્યું હતું: “ફિલોસોફીને માટે આ એક સન્માનની વાત છે કે ડૉ. રાધાકૃષ્ણન ભારતના રાષ્ટ્રપતિ બન્યા છે, અને એક ફિલોસોફર તરીકે આ વાતનો મને વિશિષ્ટ આનંદ છે. પ્લાટોએ તત્વચિંતકો રાજા બને તેવી ઇચ્છા રાખી હતી અને આ ભારતને એક ટ્રિબ્યુટ છે કે તેણે એક તત્વચિંતકને તેના રાષ્ટ્રપતિ બનાવવા જોઇએ.”
 
6) 5 સપ્ટેમ્બરને શિક્ષકદિન તરીકે ઊજવવાની ઇચ્છા વ્યક્ત કરી
 
જ્યારે તેઓ રાષ્ટ્રપતિ બન્યા, ત્યારે રાધાકૃષ્ણનના કેટલાંક વિદ્યાર્થીઓએ તેમનો જન્મદિવસ ઊજવવાની વિનંતી કરી. તેમણે કહ્યું, “મારો જન્મદિવસ ઊજવવાને બદલે જો 5 સપ્ટેમ્બરના દિવસને શિક્ષકદિન તરીકે ઊજવવામાં આવશે તો એ મારા માટે ગર્વની વાત હશે.” ત્યારથી લઇને આપણા જીવનમાં શિક્ષકોના યોગદાનની યાદમાં તેમના જન્મદિવસને ઊજવવામાં આવે છે.
 
7) રાજેન્દ્ર પ્રસાદ પછી રાધાકૃષ્ણનને રાષ્ટ્રપતિ બનાવવા માંગતા હતા નહેરૂ
 
એવું કહેવામાં આવે છે કે ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ ઇચ્છતા હતા કે 1957માં રાજેન્દ્ર પ્રસાદ પછી રાષ્ટ્રપતિ તરીકે રાધાકૃષ્ણન આવે, પરંતુ મૌલાના આઝાદના સખત વિરોધને કારણે તેમ થઇ ન શક્યું. નહેરૂએ એ સુનિશ્ચિત કર્યું કે 1962માં રાધાકૃષ્ણન ભારતના રાષ્ટ્રપતિ બને.
 
8) રાધાકૃષ્ણનના રાષ્ટ્રપતિ કાર્યકાળ દરમિયાન ભારતે કર્યો 2 યુદ્ધોનો સામનો
 
રાધાકૃષ્ણનનું રાષ્ટ્રપતિપદ ઉતાર-ચઢાવવાળું રહ્યું હતું. તેમના કાર્યકાળ દરમિયાન ભારતે બે યુદ્ધનો સામનો કર્યો હતો. તેઓ સત્તા પર આવ્યાના થોડાક મહિનાઓમાં ચીન સામેનું યુદ્ધ અને ત્યારબાદ 1965માં પાકિસ્તાન સામેનું યુદ્ધ.
 
25 સપ્ટેમ્બર, 1965ના રોજ તેમણે દેશને કરેલા સંભાષણમાં કહ્યું, “પાકિસ્તાને એવું ધારી લીધું કે યુદ્ધ કરવા માટે ભારત ખૂબ નબળું છે અથવા ખૂબ ડરપોક છે અથવા તો ખૂબ ઘમંડી છે. સ્વાભાવિક રીતે જ શસ્ત્ર ઉઠાવવાની વિરુદ્ધ હોવા છતાં ભારતને હુમલો થાય ત્યારે પોતાના સ્વબચાવની જરૂરિયાત લાગી રહી છે. પાકિસ્તાને એવું પણ ધારી લીધું કે ભારતમાં કોમી અશાંતિ સર્જાશે અને તેના પરિણામે જે અરાજકતા ઊભી થશે તેમાં તે લોકો ફાવી જશે. તેમની આ ખોટી ધારણાઓથી તેમને ચોક્કસપણે એક ક્રૂર ઝટકો વાગ્યો હશે.”
 
9) સમગ્ર જીવન દરમિયાન રાધાકૃષ્ણને એક પણ ખોટું કામ નથી કર્યું
 
એસ રાધાકૃષ્ણનના પુત્ર સર્વપલ્લી ગોપાલે બાયોગ્રાફીમાં લખ્યું છે કે, ભારતના મહાન ચિંતક ડૉ. રાધાકૃષ્ણન તેમના સમગ્ર જીવન દરમિયાન એકપણ ખોટાં કામ માટે દોષિત ઠર્યા નથી અને એ પણ અશક્ય છે કે તેમને ક્યારેય કોઇ ખોટો વિચાર પણ આવ્યો હોય.
 
10) તત્કાલીન પીએમ ઇંદિરા ગાંધીએ રાષ્ટ્રપતિ તરીકે બીજી ટર્મની ના પાડી હતી
 
ઇન્ડિયા ટુડેના એક આર્ટિકલમાં, ભૂતપૂર્વ રાજકારણી કે. નટવર સિંહે કહ્યું છે કે તત્કાલીન વડાપ્રધાન ઇંદિરા ગાંધીએ રાધાકૃષ્ણને તેમની સરકારની જાહેરમાં કરેલી ટીકા માટે તેમને માફ ન કર્યા અને એટલે તેમણે 1967માં તેમને બીજી ટર્મ આપવાની ના પાડી દીધી. રાધાકૃષ્ણન માટે આ ખૂબ મોટો ફટકો હતો.
 
સિંહે કહ્યું કે, રાધાકૃષ્ણનની જીંદગીના છેલ્લાં થોડાંક વર્ષો એકલા અને નિરાશાજનક રહ્યાં. તેમના પુત્રએ તેમની બાયોગ્રાફીમાં લખ્યું છે, “આખરે 17 એપ્રિલ, 1975ના રોજ રાધાકૃષ્ણન મૃત્યુ પામ્યા.”
અન્ય સમાચારો પણ છે...