• Gujarati News
  • 3 Security Personnel, Including A JCO, And A Civilian Injured In A Fierce Encounter

J&K: સેનાના બંકરમાં ઘુસ્યા ૪-૫ આતંકવાદીઓ, ફાયરિંગમાં એક જવાન શહીદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરઃ કથાર ગામમાં સેનાનું ઓપરેશન ચાલી રહ્યું છે. ગુરુવારે આતંકીઓ સામેના ઘર્ષણમાં ભારતીય સેનાએ ટેન્કનો પણ ઉપયોગ કર્યો હતો.)
જમ્મુઃ જમ્મુ-કાશ્મીરમાં બીજા ચરણનું મતદાન બીજી ડિસેમ્બરે થવાનું છે તેને ધ્યાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારના રોજ બે જાહેરસભાઓને સંબોધિત કરવાના છે. આ બે રેલીઓમાં ઉધમપુર તથા જમ્મુના પૂંચ જિલ્લાની રેલીનો સમાવેશ થાય છે. નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર માટે આવવાના એક દિવસ પહેલા જ જમ્મુ જિલ્લામાં આવેલી આંતરરાષ્ટ્રીય સરહદે અર્નિયા ક્ષેત્રમાં ઘૂસી ગયેલા ત્રાસવાદીઓ સાથે સર્જાયેલી ભીષણ અથડામણમાં ત્રણ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે પરંતુ ત્રણ જવાન પણ શહીદ થવાની સાથે કુલ 10 વ્યક્તિના મોત થયા છે.
આતંકી હુમલાને ધ્યાને લઈ મોદીની રેલીઓમાં સઘન સુરક્ષા વ્યવસ્થા
ગુરવારે અર્નિયામાં થયેલા આતંકી હુમલાને ધ્યાને લઈ શુક્રવારે મોદીની યોજાનારી બે રેલીઓમાં સુરક્ષા વ્યવસ્થા પહેલા કરતા પણ વધુ સઘન બનાવી દેવામાં આવી છે. ઉધમપુર આવતા તમામ રસ્તાઓને સીલ કરીને ત્યાં પોલીસ ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. આ સુરક્ષા વ્યવસ્થામાં પોલીસ ઉપરાંત અર્ધલશ્કરી દળોની પણ મદદ લેવામાં આવી રહી છે. મોદી ઉધમપુર ઉપરાંત પૂંચ જિલ્લાના સરહદી ગામમાં પણ શુક્રવારે જાહેરસભાને સંબોધિત કરવાના છે.
સૈન્યની સ્પષ્ટતાઃ ત્રણ નાગરિકો ઓપરેશન શરૂ કર્યા પહેલા જ માર્યા ગયા હતા
પ્રધાનમંત્રીના આગમનના એક દિવસ પહેલા ત્રાસવાદીઓ સાથે સર્જાયેલી ભીષણ લડાઇમાં અન્ય બે લોકો ઘવાયા છે. ભારતીય સેનાના એડીજી પીઆઈએ સ્પષ્ટતા કરી હતી કે, અર્નિયામાં જે ત્રણ નાગરિકો માર્યા ગયા હતા તેમના મૃત્યુ સેનાના ઓપરેશન શરૂ કર્યા પહેલા જ આતંકવાદીઓ દ્વારા થયેલી ફાયરિંગમાં થયા હતા.
ત્રણ ત્રાસવાદીઓને મારવામાં સેનાને મળી હતી સફળતા
પ્રારંભિક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, જમ્મુ જિલ્લાના અર્નિયા પટ્ટામાંથી બેથી ચાર ત્રાસવાદીઓએ ઘૂસણખોરી કરીને ગોળીબાર શરૂ કર્યો હતો. સૈન્ય, બીએસએફ અને પોલીસના જવાનો તાકીદે સક્રિય થઇને સમગ્ર વિસ્તાર ઘેરીને તપાસ કામગીરી હાથ ધરી હતી. ત્રાસવાદીઓએ અર્નિયાના પિંડી ખટ્ટરમાં સૈન્યની 92 ઇન્ફન્ટરી બ્રિગેડના એક ખાલી બંકર પર કબજો જમાવી લીધો હતો. બંકરમાં છુપાયેલા ત્રાસવાદીઓ અને સલામતી દળો વચ્ચે ભીષણ અથડામણ સર્જાઇ હતી અને ત્રણ ત્રાસવાદીઓ માર્યા ગયા હતા.

ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ

રાજોરી જિલ્લામાં અંકુશ રેખા પર ઘૂસણખોરી કરવાનો ત્રાસવાદીઓ દ્વારા કરવામાં આવેલો એક પ્રયાસ સતર્ક જવાનો દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. સૈનિકોએ એક શકમંદ ત્રાસવાદીની પણ ધરપકડ કરી હોવાનું જણાવવામાં આવ્યું છે.
નૌશેરામાંથી જીવતો આતંકી પકડાયો, મળી પાકિસ્તાની કરન્સી
આ ઉપરાંત સેનાએ રાજૌરી જિલ્લાના નૌશેરા વિસ્તારમાં એલઓસી પર ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. એક આતંકી પકડવામાં આવ્યો છે. તેની પાસેથી એકે ૪૭ રાઈફલ તથા અન્ય સામાન કબજે કરવામાં આવી છે. તેને લામ વિસ્તારમાંથી પકડવામાં આવ્યો છે. તેની ઓળખાણ અદુલ કયૂમી ઉર્ફે પંજાબી રૂપે થઈ છે. તેની પાસેથી ૮૧૦૦ રૂપિયા પાકિસ્તાની કરન્સીના પણ મળી આવ્યા છે.
આગળ જુઓ, સેના દ્વારા આતંકીઓ સામે હાથ ધરવામાં આવી રહેલા ઓપરેશનની વધુ તસવીરો...