બોફોર્સકાંડ: હિન્દુજા બ્રધર્સ વિરુદ્ધ 12 વર્ષ જૂની અરજી પર સુપ્રીમ સુનાવણી કરશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: રાજકીયરૂપે ખૂબ સંવેદનશીલ ગણાતું બોફોર્સ કૌભાંડ શુક્રવારે ફરી ચર્ચામાં આવ્યું હતું. હિન્દુજા બ્રધર્સને દિલ્હી હાઈકોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરવાના ચુકાદાને પડકારતી 12 વર્ષ પહેલાં દાખલ કરાયેલી અરજી પર સુનાવણી માટે સુપ્રીમકોર્ટ સહમત થઈ છે.

30 ઓક્ટોબરે શરૂ થનારા અઠવાડિયામાં સુનાવણી

ભાજપના નેતા અજયકુમાર અગ્રવાલની અરજી પર ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ એ.એમ.ખાનવિલકર અને જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડની ખંડપીઠ 30 ઓક્ટોબર પછી સુનાવણી કરશે. દિલ્હી હાઈકોર્ટે 21 મે 2005ના રોજ બોફોર્સ કૌભાંડમાં હિન્દુજા બ્રધર્સ વિરુદ્ધ તમામ આરોપો નકારી કાઢ્યા હતા. ચુકાદાના 90 દિવસમાં સીબીઆઈ તેને સુપ્રીમકોર્ટમાં પડકારવામાં નિષ્ફળ રહી હતી. તે અંગે અગ્રવાલે સુપ્રીમકોર્ટમાં અરજી દાખલ કરી હતી જે 18 ઓક્ટોબર 2005ના રોજ સ્વીકારવામાં આવી હતી. 1986માં હોવિત્ઝર તોપો માટે થયેલા 1437 કરોડ રૂપિયાના સોદામાં 64 કરોડની દલાલી આપવામાં આવી હોવાનો આરોપ છે.

દરેક જિલ્લામાં ઘરડાંઘર અંગે જવાબ માગ્યો

દરેક જિલ્લામાં ઘરડાંઘર શરૂ કરવા અંગે સુપ્રીમકોર્ટે દરેક રાજ્ય પાસેથી સ્થિતિનો રિપોર્ટ માંગ્યો છે. ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અશ્વિનીકુમાર દ્વારા સિનિયર સિટિઝન્સના હકોના રક્ષણ માટે દાખલ કરાયેલી અરજી સંદર્ભે આ જવાબ મંગાયો છે. જસ્ટિસ એમ.બી. લોકુર અને જસ્ટિસ દીપક ગુપ્તાએ કહ્યું કે વૃદ્ધ લોકો માટે દરેકે શું થઈ શકે કે કોર્ટ જોવા માંગે છે.

આધાર અંગેની સુનાવણી નવેમ્બરમાં થશે

સુપ્રીમકોર્ટે શુક્રવારે કહ્યું હતું કે લોકસભા અધ્યક્ષ દ્વારા આધાર બિલને મની બિલ તરીકે પ્રમાણિત કરવા વિરુદ્ધ કોંગ્રેસના નેતા જયરામ રમેશની અરજી પર નવેમ્બરના પહેલા અઠવાડિયામાં સુનાવણી થશે. ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ એ.એમ. ખાનવિલકર અને જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડની ખંડપીઠ સમક્ષ જયરામ વતી કપિલ સિબ્બલે ઝડપી સુનાવણીનો આગ્રહ કર્યો હતો.
અન્ય સમાચારો પણ છે...