કેરળમાં બારના લાઇસન્સ રદ કરવા પર સુપ્રીમનો સ્ટે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- નવી નીતિની પાછળ કોઇ તર્ક જોવા મળતો નથી: સુપ્રીમકોર્ટ

નવી દિલ્હી: સુપ્રીમકોર્ટે કેરળ સરકારને હાલ પૂરતી બારના લાઇસન્સ રદ કરવાથી અટકાવી દીધી છે. સરકારના નિર્ણય પ્રમાણે સમગ્ર રાજ્યમાં ગુરુવારથી આ લાઇસન્સ રદ થઇ રહ્યાં હતા. કેરળ સરકાર આગામી 10 વર્ષમાં દારૂબંધી સંપૂર્ણ રીતે લાગુ કરવા માગે છે. તેણે માત્ર ફાઇવ સ્ટાર હોટલને જ બાર લાઇસન્સ આપવાનો નિર્ણય કર્યો છે. જ્યારે આશરે 700 નાની હોટલોને ગુરુવાર સુધી તેમના બાર બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ નિર્ણયની વિરુદ્ધ હોટલ અને બાર માલિકોએ સર્વોચ્ચ અદાલતમાં અરજી દાખલ કરીને તાત્કાલિક સુનાવણીની માગ કરી હતી. કોર્ટે તેની ઉપર રાજ્ય સરકારને જણાવ્યું હતું કે પ્રદેશના બાર સામે હાલ પૂરતી કોઇ કાર્યવાહી ન કરે.

જસ્ટિસ એ. આર. દવે અને યુ. યુ. લલિતની બેન્ચે જણાવ્યું કે તેમને સરકારની નવી દારૂ નીતિની પાછળ કોઇ તર્ક જોવા મળતો નથી. કોર્ટે ગુરુવારે આ મામલે ફરી સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે. નવી નીતિ અંતર્ગત ફાઈવસ્ટારથી ઓછી કેટેગરીની હોટેલના સાતસો બારમાં લાઈસન્સ રદ કરવાનો ગત મહિને નિર્ણય લેવાયા બાદ ભારે હોબાળો થયો છે અને તેનાથી પ્રવાસન પર અસર થશે તેવી ચર્ચા ઉઠી હતી.