કાનપુર: ક્યારેક ત્રણ હજાર રૂપિયા ઉધાર લઇને બનિયાન બનાવનારા આજે 43 કરોડનો બિઝનેસ કરે છે. કાનપુરના રહેવાસી બિઝનેસમેન બલરામ નરૂલા કહે છે, મને એક ડઝન બનિયાન બનાવવા પર 14 આના એટલે કે 88 પૈસા (લગભગ 1 રૂ.) મળતો હતો. ઉલ્લેખનીય છે કે તેમની કંપની સ્ટોક એક્સચેન્જમાં પણ લિસ્ટેડ થઇ ચૂકી છે. divyabhaskar.com સાથે વાતચીતમાં બલરામ નરૂલાએ શૂન્યમાંથી સર્જનની પોતાની આ બિઝનેસની સફરને શેર કરી છે.
વિભાજન પછી PAKથી જીવ બચાવીને પંજાબ આવ્યા હતા માતા-પિતા
- બલરામ કહે છે, ભારત-પાકિસ્તાન વિભાજન પહેલા મારો પરિવાર પાકિસ્તાનના લાહોર જિલ્લાના કસૂર કસ્બામાં રહેતો હતો. પરંતુ, વિભાજન પછી મમ્મી-પપ્પા અને એક મોટો ભાઈ બોર્ડર પર આવીને રેફ્યુજી કેમ્પમાં રહેવા લાગ્યા. અહીંયા દરરોજ ગોળીબાર થતા હતા, એટલે પરિવાર પંજાબની પટ્ટીમાં આવીને રહેવા લાગ્યો.
- પટ્ટીમાં રેફ્યુજી કેમ્પ બનાવવામાં આવ્યો હતો. કેમ્પમાં પિતા ફકીરચંદને એક કપડાની દુકાન અને એક રૂમ આપવામાં આવ્યો. અહીંયા મારી સાથે 4 ભાઈ અને 1 બહેનનો જન્મ થયો. મમ્મ-પપ્પા સહિત પરિવાર કુલ 9 સભ્યોનો થઇ ગયો.
- મોટા ભાઈ ભૂષણ નરૂલા 1962માં કાનપુરમાં કાકા પાસે આવી ગયા હતા. કાકા ઇનર વેર (અંદરના કપડા)નો બિઝનેસ કરતા હતા. તેમની પ્રોડક્ટ સમ્રાટ નામથી માર્કેટમાં વેચાતી હતી. ભૂષણ કાકાના બિઝનેસમાં અકાઉન્ટ્સનું કામ શીખવાની સાથે માર્કેટિંગનું કામ પણ જોતા હતા.
- કાકા ત્યારે ભાઈને મહિને રૂપિયા 120નો પગાર આપતા હતા, જેમાં 90 રૂ. તેઓ પિતાજીને દર મહિને મની ઑર્ડર કરતા હતા. આ દરમિયાન પિતાજીને પંજાબમાં ઘરખર્ચ ચલાવવામાં મુશ્કેલીઓ થવા લાગી, ત્યારે તેમણે પટ્ટીથી કાનપુર આવવાનો નિર્ણય કર્યો.
- જૂલાઇ 1967માં મેં ફુઆ રામપ્રકાશ ગ્રોવરમને કારખાનું ખરીદવાની વાત કહીને 700 રૂપિયા ઉધાર માંગ્યા. ફુઆએ આખો એસ્ટિમેટ જોયા પછી રૂ.3000 ઉધાર આપ્યા. તે દિવસોમાં કાનપુરમાં હોઝિયરીનો એક જૂનો પ્લાન્ટ આશરે રૂ.700માં મળી રહ્યો હતો, જેમાં સિલાઇ મશીનો હતી.
- મેં ભાઈ ભૂષણ સાથે મળીને પ્લાન્ટને રૂ.700માં ખરીદ્યો. કારખાનું શરૂ કર્યા પછી મેં બનિયાનનું ગળું બનાવવાનું શીખ્યું. તે પછી મેં ઘરેથી જ જોબ વર્ક શરૂ કરી દીધું. 2 રૂમના મકાનમાં એક રૂમમાં સિલાઇ મશીન રાખેલી હતી અને બીજા રૂમમાં અમે બધા ભાઈ-બહેનો સૂતા હતા.
- 2 વર્ષ સુધી મેં સૂર્યદેવના દર્શન નથી કર્યા. સવારે ઉઠીને ફ્રેશ થયા પછી મશીન પર બેસી જતો હતો. કાકાએ શરૂઆતમાં ઘણી મદદ કરી. તેમણે 99 ટકા બિઝનેસ અને કામ અપાવ્યું. 2 વર્ષ સુધી આ સિલસિલો ચાલ્યો.
કાકાની બ્રાન્ડ કરતા 2 પૈસા ઓછામાં વેચતા હતા બનિયાન
- બલરામ કહે છે, તે દિવસોમાં એક ડઝન બનિયાનના 14 આના (86 પૈસા) મળતા હતા. તેમાં બનિયાનની સિલાઇ, ઇસ્ત્રી, લેબલ લગાવવું અને પેકિંગ મટિરિયલ, એક કારીગરની મજૂરી, ગંજી ઇસ્ત્રી કરવા માટે કાચો કોલસાનો ખર્ચ સામેલ હતા. દિવસભરમાં 100 થી 120 ડઝન ગંજી તૈયાર થઇ જતી હતી.
- જૂલાઇ 1969માં 2 વર્ષ પૂરા થવા પર સૌથી પહેલા મેં ફુઆને રૂ.3000 બે વર્ષના વ્યાજ સાથે પાછા આપ્યા. તે પછી પહેલીવાર મેં 1969માં રૂ.700માં 100 કિલો હોઝિયરીનું કપડું ખરીદ્યું અને મારો માલ બનાવવાનો શરૂ કર્યું. ઘરના તમામ સભ્યો આ કામમાં જોડાઇ ગયા.
- ઉધારના રૂપિયાથી કામ કરવાનું શરૂ કર્યું હતું, એટલે મનથી આ કામ બંધ કરીને કોઇ અન્ય કામ વિશે વિચાર્યું જ નહીં. તે દિવસોમાં કાનપુરમાં અલગ-અલગ દિવસે અલગ-અલગ જગ્યાએ બજાર ભરાતુ હતું. અમે સાયકલ પર માલ મૂકીને બજારમાં જતા અને સડકના કિનારે ફૂટપાથ પર દુકાન લગાવતા હતા.
- કાકા તેમની કંપનીમાં બનેલી બનિયાનને 10 રૂપિયે ડઝનમાં વેચતા હતા, જ્યારે અમે લોકો 9 રૂપિયા 14 આનામાં ડઝનના ભાવે માલ વેચતા હતા. આવું એટલા માટે કારણકે અમારા કારખાનામાં જે કપડું આવતું હતું, તેને અમે લોકો પોતે સાઇઝના હિસાબે કાપી લેતા હતા, જ્યારે કારીગર કાપવાના ડઝનના બે આના લેતો હતો.
આવી રીતે ઊભી કરી કંપની
- 1971માં અમે હોઝિયરી બજાર નામથી ફેમસ રિઝવી રોડ પર એક દુકાન ભાડે લીધી, જેનું ભાડું રૂ.70 હતું. પરંતુ, માલિકે રૂ.840 એડવાન્સ માંગ્યા હતા, જે અમે બે વારમાં આપ્યા હતા. તે પછી પણ અમે ફરી ફરીને અમારો માલ વેચતા હતા.
- તે સમયે કોલકાતાના કાલીઘાટની બનિયાન પ્રખ્યાત હતી, જેને કારણે અમારો માલ મોટાભાગના દુકાનદારો ખરીદતા ન હતા. એટલે અમે કાનપુર નગર ઉપરાંત કાનપુર દેહાત અને ઉન્નાવ સહિત બહારના વિસ્તારોમાં અમારો માલ સપ્લાય કરવા લાગ્યા.
- 2 દિવસમાં એકવાર હું એને એકવાર ભાઈ સાયકલ પર માલ સપ્લાય કરવા જતા હતા. 1975માં અમે અમારા બનિયાનનું નામ જેટ રાખ્યું. 1978માં પહેલીવાર અમે કાનપુરના એક ખાનગી છાપામાં અમારી પ્રોડક્ટની એડ આપી. તેની અસર એ થઇ કે લગભગ છ મહિનાની અંદર અમારો માલ બનારસ સુધી જવા લાગ્યો. બનિયાનની માંગ ઝડપથી વધવા લાગી.
- 1988માં કાનપુરના દર્શનપુરવામાં અમે આશરે 600 ગજનો એક પ્લોટ લીધો, જ્યાં કારખાનું બનાવડાવ્યું. તે પછી વર્ષ 1990માં દાદાનગર ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં પાંચ લાખ રૂપિયામાં 2500 ગજનો એક પ્લોટ લીધો, જ્યાં 1992માં એક ફેક્ટરી તૈયાર કરાવડાવી અને દર્શનપુરવાના કારખાનાને દાદાનગર શિફ્ટ કર્યું. 1995માં તમિલનાડુમાં ફેક્ટરી લગાવી.
- આજે તેમની કંપની બનિયાનની સાથે-સાથે ઇનરવેયર, ગોળ ગળાના ટી-શર્ટ અને ઠંડી માટેના ઇનરવેયર બનાવે છે.
સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ થઇ ચૂકી છે કંપની
- તેમના જણાવ્યા પ્રમાણે, વર્તમાનમાં તેમના બિઝનેસનું વાર્ષિક ટર્નઓવર 43 કરોડ રૂપિયાનું છે. વર્ષ 2016માં કંપની જેટ નિટવિયર પ્રાઇવેટ લિમિટેડથી પબ્લિક લિમિટેડ થઇ ચૂકી છે, જે પછી કંપનીને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ કરાવી દીધી.
- 40 રૂપિયાના ભાવ પર આ કંપનીનો આઇપીઓ માર્કેટમાં આવ્યો હતો, પરંતુ, આજે તેનો ભાવ 80 રૂપિયા ચાલી રહ્યો છે.
પિતા સ્વ. ફકીર ચંદે દીકરાને આપી હતી આ ટિપ્સ
- કોઇ ગરીબ માણસનો એક પૈસો પણ દગો આપીને કે તેને દુઃખ આપીને કમાયેલો ન હોવો જોઇએ.
- બિઝનેસમાં કોઇની સાથે જો કામ બંધ કરવું હોય, તો તેને ક્યારેય નુકસાન ન પહોંચાડવું જોઇએ, પરંતુ તે જે કહી રહ્યો છે તે હિસાબથી બધું ક્લિયર કરીને કામ બંધ કરવું જોઇએ. તેનાથી તે ક્યારેય પણ માર્કેટમાં તમારા વિરુદ્ધ કંઇ નહીં બોલી શકે.
- જેનાથી નુકસાન ખાઇને કામ બંધ કર્યું, પછી જીવનમાં ફરી તેની સાથે ક્યારેય કામ ન કરો.
આગળની સ્લાઇડ્સમાં જુઓ બિઝનેસમેનના અન્ય ફોટાઓ...