• Gujarati News
  • Stone Pelting On Chopper Of Iaf Jammu And Kashmir Flood

શ્રીનગરમાં વાયુદળના હેલિકોપ્ટર પર પથ્થરમારો, પહોંચ્યુ નુકશાન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(હેલિકોપ્ટરને થયેલું નુકશાન દેખાડી રહેલો વાયુદળોનો પાયલોટ)
- પૂરમાં સેનાના મોટી માત્રામાં હથિયાર પણ ડૂબી ગયા

શ્રીનગર/નવીદિલ્હી: એક તરફ જમ્મુ-કાશ્મીરમાં પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા સેના પોતાનો જીવ રેડી રહી છે ત્યારે તેમના જ વિમાનો અને હેલિકોપ્ટર ઉપર હુમલો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત પૂરના કારણે સેનાના હથિયારો પણ ડૂબી ગયા છે. આ હથિયારોમાંથી કેટલાક હથિયારોનું સમારકામ કરાશે, જોકે બોમ્બ, ગ્રેનેડ સાવ બેકાર થઇ જશે. એર ઓપરેશનના ડિરેક્ટર એર માર્શલ એસ.બી. દવેનું કહેવું છે કે,‘આ બાબત ખૂબ જ કમનસીબ છે કે જે લોકોને અમે બચાવી રહ્યાં છે તે જ અમારી ઉપર હુમલો કરી રહ્યાં છે.

બીજી તરફ કાશ્મીરની ખીણમાં આવેલી સૈન્ય છાવણીઓમાં રહેલી એકે 47, ઇનસાસ અને એસએલઆર રાઇફલો પાણીમાં ડૂબી ચૂકી છે. તેમાં અનેક રાઇફલ બેકાર થઇ ગઇ છે. બોમ્બ અને હેન્ડ ગ્રેનેડ જેવા અન્ય સામાનની પણ આવી જ હાલત છે. જોકે શસ્ત્ર-સરંજામની ચિંતા કર્યા વગર સેના સતત 20 કલાક રાહત અભિયાન ચલાવી રહી છે.

ખીણની એક સૈન્ય છાવણીમાંતો 26 એકે 47 રાઇફલો પાણીમાં વહી ગઈ હતી. શ્રીનગરના ગોગજીબાગ વિસ્તારમાં પાછલા રવિવારે કેન્દ્રીય અર્ધસૈનિક દળોના 400 જવાનોએ કેમ્પ છોડવો પડ્યો હતો. એક જવાનો જણાવ્યું હતું કે,‘અમને આદેશ મળ્યો હતો કે બધું જ છોડીને પહેલા પોતાનો જીવ બચાવવામાં આવે.

કાશ્મીરમાં BSNL મફત ટોક ટાઇમ આપશે

કેન્દ્રીય દૂરસંચાર પ્રધાન રવિશંકર પ્રસાદે શનિવારે જણાવ્યું કે કાશ્મીરના વિસ્તારોમાં એક અઠવાડિયા સુધી બીએસએનએલ ફ્રી ટોક ટાઇમ આપશે. ખાનગી કંપનીઓએ પણ દરરોજ 60 મિનિટ ફ્રી ટોકટાઇમ આપવાની વાત કહી છે.

ચૂંટણી અંગે સૌથી છેલ્લે વિચારીશું: ઓમર

મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાહે જણાવ્યું છે કે તેમની પાસે અત્યારે વિધાનસભા ચૂંટણી વિશે વિચારવાનો સમય નથી. અત્યારે તેમની પ્રાથમિકતા ચૂંટણી નથી પરંતુ બચાવ કામગીરી, રાહત અને પુનર્વસન છે.

ભાગલાવાદી નેતા ઈચ્છે છે ખાસ સવલત
હંમેશા સેનાની સામે કાશ્મીરી યુવકોને ઉશ્કેરતા રહેતા, એક ભાગલાવાદી નેતા ઈચ્છતા હતા કે, સેના દ્વારા તેમના સંબંધીઓ અને પરિવારજનોને પહેલા બચાવવામાં આવે. જોકે, સેના તેના અગાઉના આયોજનને વળગી રહી હતી. આથી, ઉશ્કેરાયેલા કાશ્મીરી નેતા સેના, એનડીઆરએફના જવાનો તથા હેલિકોપ્ટર્સ પર પથ્થરમારો કરાવી રહ્યાં છે.

સેના મૌન

જો કે સૈન્ય સૂત્રો એ ભાગલાવાદી નેતાનું નામ નથી આપી રહ્યાં. તેમને લાગે છે કે, આમ બે જૂથો સામે-સામે થઈ જશે અને રાજકીય રોટલા શેકાવાનું શરૂ થઈ જશે. સરવાળે તેમની જ સમસ્યાઓ વધશે. છતાં જમ્મુ અને કાશ્મીર પોલીસને વિનંતી કરી છે કે, આ પ્રકારના તત્વોને નાથવા માટે પ્રયાસ કરે. એક પત્રકારના કહેવા પ્રમાણે, તેમણે ઉત્તરાખંડની ત્રાસદી જોઈ હતી. તે આવી જ વિકરાળ હતી, છતાં કોઈ સેનાના જવાનો પર પથ્થરમારો કરતું ન હતું અને તેની સેવાની પ્રશંસા કરતું હતું, પરંતુ કાશ્મીરમાં એથી વિપરીત છે.

અપડેટ્સ

*100 ટન દવાઓ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મોકલી છે.
*જમ્મુ અને કાશ્મીરના મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાહ અને કેન્દ્રીય મુખ્ય ગૃહ સચિવ અનિલ ગોસ્વામીએ શ્રીનગરમાં સ્થિતિની સમીક્ષા કરી રહ્યાં છે.
*જમ્મુ અને કાશ્મીરનું એક પ્રતિનિધિ મંડળ વડાપ્રધાનને મળ્યું હતું. ત્યાં થયેલા માળખાકીય અને સંપત્તિના નુકશાન અંગે તેમને માહિતી આપી હતી. – અબ્દુલ રહિમ રાથેર, નાણાપ્રધાન, જમ્મુ અને કાશ્મીર
બે જવાનો શહીદ
જમ્મુ અને કાશ્મીરમાં રાહત કાર્ય દરમિયાન 50 રાષ્ટ્રીય રાયફલ્સના નાયક ખેમચંદ્ર તથા 15 જમ્મુ એન્ડ કાશ્મીર લાઈટ ઈન્ફેન્ટ્રીના રાયફલમેન મીર ઓવેસ હુસૈન મોતને ભેંટ્યા છે