નવી દિલ્હી: 30 જૂનના રોજ થનારી GST લોન્ચિંગ ઇવેન્ટનો કોંગ્રેસ પણ બોયકોટ કરશે. કોંગ્રેસ લીડર સત્યવ્રત ચતુર્વેદીએ કહ્યું કે અમે 30 જૂનના રોજ GST લોન્ચ માટે મધ્યરાત્રિએ યોજાનારા સેશનમાં હિસ્સો નહીં લઇએ. એટલે લોન્ચિંગ દરમિયાન મંચ પર મોદીની સાથે ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ નહીં હોય. કેન્દ્રએ તેમને આ ઇવેન્ટમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું હતું. આ પહેલા તૃણમૂલ કોંગ્રેસે આ ઇવેન્ટમાં સામેલ ન થવાનો નિર્ણય કર્યો હતો. મમતા બેનર્જીએ કહ્યું હતું, “કેન્દ્ર GSTને લોન્ચ કરવા માટે જરૂર કરતા વધુ ઝડપ કરી રહ્યું છે. કમ-સે-કમ આ માટે લોકોને તૈયાર થવાનો મોકો આપવો જોઇએ.”
આ લોકો થશે ઇવેન્ટમાં સામેલ
- GST લોન્ચિંગ ઇવેન્ટમાં ભૂચપૂર્વ પીએમ મનમોહન સિંહ અને એચડી દેવગૌડાને પીએમ સાથે મંચ શેર કરવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. કોંગ્રેસના બોયકોટ પછી મનમોહન સિંહ આ ઇવેન્ટમાં સામેલ નહીં થાય.
- આ સિવાય ઇવેન્ટમાં પ્રેસિડેન્ટ પ્રણવ મુખર્જી, નરેન્દ્ર મોદી, અરૂણ જેટલી, સિનિયર મંત્રીઓ અને અધિકારીઓ સામેલ થશે.
સેન્ટ્રલ હોલમાં થયું લોન્ચિંગનું રિહર્સલ
- બુધવારે રાતે 10 વાગે સરકારે પાર્લામેન્ટમાં GST લોન્ચિંગનું રિહર્સલ કર્યું, જેથી લોન્ચિંગ ઇવેન્ટમાં કોઇપણ પ્રકારની ગરબડ ન થાય.
- ઓફિશિયલ સૂત્રો પ્રમાણે, આ દરમિયાન નાણા મંત્રાલય અને બીજા જરૂરી ડિપાર્ટમેન્ટ્સના અધિકારીઓ હાજર રહ્યા.
અન્ય વિરોધપક્ષો સ્ટ્રેટેજીને ફાઇનલાઇઝ કરવા માટે મીટિંગ બોલાવશે
- અન્ય વિરોધપક્ષો પણ વિચારી રહ્યા છે કે તેમણે આ ઇવેન્ટમાં ભાગ લેવો જોઇએ કે નહીં. નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય જનતા દળે પણ તેમની સ્ટ્રેટજી નક્કી કરવા માટે ગુરુવારે પાર્ટીના નેતાઓની મીટિંગ બોલાવી છે.
- ડીએમકેના એમપી ટીકેએસ એલાંગોવાને કહ્યું કે તેમની પાર્ટીને લાગે છે કે આ પણ દેશનો એક મહત્વનો કાયદો છે, તો પછી આટલો બધો શૉ ઓફ શા માટે કરવો જોઇએ.
નોટબંધી બાદ ઉતાવળમાં કેન્દ્ર દ્વારા કરવામાં આવેલી વધુ એક ભૂલઃ મમતા
- મમતા બેનર્જીએ તેની ફેસબુક પોસ્ટમાં લખ્યું હતું કે, ‘નોટબંધી બાદ કેન્દ્ર દ્વારા ઉતાવળમાં કરવામાં આવેલી વધુ એક ભૂલ છે. અમે શરૂઆતથી જ જીએસટીના પક્ષમાં હતા પરંતુ જે રીતે કેન્દ્ર સરકાર દ્વારા તેને લાગુ કરી રહી છે તેને લઈને અમે ચિંતિત છીએ.
- તેમણે કહ્યું કે, જીએસટી યોગ્ય રીતે લાગુ કરવા માટે થોડો વધારે સમય આપવામાં આવે તેવી અમે માંગ કરી હતી પરંતુ તેની અવગણના કરવામાં આવી છે. સમગ્ર બિઝનેસ કમ્યુનિટી ખાસ કરીને નાના અને મીડિયમ કારોબારીઓ ભ્રમિત અને ડરેલા છે.