હવામાન પલટો: હિમવર્ષાથી ઠંડીનું મોજું ફરી વળ્યું

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સમગ્ર ઉત્તર ભારતમાં વાતાવરણમાં જોરદાર પલટો આવી ગયો. ઠેરઠેર કમોસમી વરસાદ થયો છે. કેટલાક સ્થળે ભારે વરસાદ પડ્યો છે. શ્રીનગર અને કાશ્મીર ખીણમાં અનેક સ્થળે વરસાદ પડ્યો છે અને ભારે હિમવર્ષા થઈ છે. જમ્મુ-કાશ્મીર નેશનલ હાઈવે સતત ત્રીજા દિવસે બંધ રાખવો પડ્યો હતો જેને કારણે ૪૦૦ વાહનો ફસાઈ ગયા છે.

દિલ્હીમાં પણ ફેબ્રુઆરી મહિનામાં વરસાદનો ૭૦ વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. નલિયામાં પારો છ ડિગ્રી ગગડ્યો: માવઠાને કારણે નલિયામાં પારો છ ડિગ્રી ગગડી ૧૦.૮ ડિગ્રી નોંધાયો હતો. જ્યારે સૌરાષ્ટ્રમાં તાપમાન પાંચ ડિગ્રી જેટલો ઘટી ગયો છે અને બુધવારે ઠંડી વધવાની આગાહી છે.


ગુલમર્ગમાં ૧૧ ઈંચ હિમવર્ષા : ગુલમર્ગમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૧ ઈંચ હિમવર્ષા થઈ હતી. તેને કારણે તાપમાન માઈનસ પાંચ ડિગ્રી થઈ ગયું હતું. શ્રીનગરમાં ૧૨ મિમી વરસાદ થયો હતો.

ઉત્તરાખંડમાં પણ સતત બીજા દિવસે અનેક સ્થળે હિમવર્ષા થઈ હતી. હિમાચલ પ્રદેશમાં પણ ઠેરઠેર ભારે હિમવર્ષા થઈ છે. ઉત્તરાખંડના ટેહરીમાં ૬૧.૮ અને દેહરાદૂનમાં ૪૩.૨ મીમી વરસાદ પડ્યો હતો. અન્ય વિસ્તારોમાં હિમવર્ષા પણ થઈ છે. રાજનાથ અને રાહુલે પ્રવાસ રદ કરવો પડ્યો વાતાવરણમાં અચાનક આવેલા પરિવર્તનને કારણે મંગળવારે ભાજપના પ્રમુખ રાજનાથ સિંહનો લખનૌ ખાતેનો અને રાહુલ ગાંધીનો અમેઠીનો પ્રવાસ રદ કરી દેવાયો. રાજનાથ હવે બુધવારે દિલ્હીથી સીધા અલ્હાબાદ જશે.

- ઉ.પ્ર.માં પણ ઠેરઠેર વરસાદ

દરમિયાન ઉત્તર પ્રદેશમાં પણ અનેક શહેરોમાં સોમવારે સાંજથી વાતાવરણમાં પલટો આવી ગયો અને વરસાદ પડ્યો હતો. કેટલાંક શહેરોમાં તો ભારે વરસાદ પડ્યો હતો. મુઝફ્ફરનગરમાં ૧૨ સેિન્ટમીટર, બજિનોર,હમીરપુર અને ઉનાઓમાં ૭-૭ ઈંચ, કાનપુરમાં ૬ સેમી વરસાદ પડ્યો હતો.કાનપુરમાં મંગળવારે સવારે વરસાદને કારણે એક મકાનની છત પડતા એક જ કુટુંબના ત્રણ વ્યક્તિનાં મૃત્યુ થયા છે.

- દિલ્હીમાં ફેબ્રુ.માં ૭૦ વર્ષનો રેકોર્ડ તૂટ્યો

રાજધાની દિલ્હીમાં સોમવારે રાતથી ઠંડા પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો. દિલ્હીના ૭૦ વર્ષના ઈતિહાસમાં પહેલી વાર ફેબ્રુઆરી મહિનામાં આટલો વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને કારણે અનેક સ્થળે પાણી ભરાઈ ગયા હતા અને ટ્રાફિક જામ થઈ ગયો હતો. હવામાન વિભાગના ડિરેક્ટર બી.પી. યાદવે કહ્યું કે છેલ્લાં ૫૦ વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં ૨૪ કલાકમાં આ સૌથી વધુ વરસાદ જોવા મળ્યો છે. તેમણે કહ્યું કે શહેરમાં પાંચ સેન્ટિમીટર વરસાદ પડ્યો છે. દિલ્હી ઉપરાંત રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં પણ આવતીકાલ(બુધવાર) સુધીમાં વધુ વરસાદ પડશે.