તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફિલ્મ શરૂ થતાં પહેલા વગાડવામાં આવે રાષ્ટ્રગાન: સુપ્રીમનો નિર્દેશ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છેકે દેશભરના સિનેગૃહોમાં ફિલ્મ શરૂ થાય તે પહેલા રાષ્ટ્રગાન વગાડવામાં આવે. સાથે જ નિર્દેશ આપવામાં આવ્યા છે કે, ગાન આખું વગાડવામાં આવે અને તેને વચ્ચેથી અટકાવવામાં ન આવે. સાથે જ સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો છે કે, જ્યારે રાષ્ટ્રગાન વાગતું હોય ત્યારે સ્ક્રિન પર ભારતનો રાષ્ટ્રધ્વજ દર્શાવવામાં આવે. ફિલ્મ જોવા આવેલા તમામ નાગરિકો આ દરમિયાન ઊભા રહે અને ગાનને સન્માન આપે.
અરજદારના વકીલ અભિનવ શ્રીવાસ્તવના કહેવા પ્રમાણે, "સર્વોચ્ચ અદાલતે રાષ્ટ્રગાનના વ્યવસાયિક વપરાશ પર નિષેધ મૂક્યો છે. ઉપરાંત તેમાં કોઈ નાટ્યાત્મક્તા લાવી નહીં શકાય અને યથાવત્ રીતે વગાડવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. "આ અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા વધુ સુનાવણી આવતી મુદ્દે હાથ ધરવામાં આવશે. જેમાં ફિલ્મો અને ટીવીમાં રાષ્ટ્રગાનના વ્યવસાયિક ઉપયોગ અંગે વિસ્તૃત દલીલો થશે. કેન્દ્ર સરકારે આ ચુકાદા સંદર્ભે તમામ રાજ્યોના મુખ્ય સચિવોને જાણ કરવાની બાંહેધરી આપી છે. સાથે જ પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયામાં પ્રચાર દ્વારા લોકોમાં જાગૃતિ ફેલાવવાની પણ ખાતરી ઉચ્ચારી છે.
શ્યામનારાયણ ચોકસેની જાહેર હિતની અરજીની સુનાવણી કરતા સુપ્રીમકોર્ટની બેન્ચે જણાવ્યું કે રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજનું સન્માન દરેક નાગરિકનું કર્તવ્ય છે. સિનેમાઘરોમાં રાષ્ટ્રગીતનું ફુલ વર્જન જ વગાડવું પડશે.
કોર્ટે રાષ્ટ્રગીત વગાડવા દરમિયાન સિનેમાઘરોના દરવાજા બંધ રાખવાના આદેશ આપ્યા છે. એના પર પ્રશ્ન પણ ઊભા થવા લાગ્યા છે કે જો રાષ્ટ્રગીત વાગતું હોય ત્યારે કોઇ ઇમરજન્સી સર્જાય તો શું થશે.
‘હવે સમય આવી ગયો છે, જ્યારે લોકોને અહેસાસ થાય કે તેઓ એક દેશમાં રહે છે. લોકોએ મહેસૂસ કરવું જોઇએ કે આ દેશ તેમની માતૃભૂમિ છે. શાસ્ત્રોમાં પણ રાષ્ટ્રવાદનો સ્વીકાર કરવામાં આવ્યો છે.’ સપ્ટેમ્બરમાં અભિનેતા અમિતાભ બચ્ચને માગણી કરી હતી કે ફિલ્મો પહેલાં રાષ્ટ્રગીત વગાડવાનું અનિવાર્ય કરવામાં આવે.
વિવાદ જૂનો છે, રાષ્ટ્રગીત વખતે ઊભા થઇએ કે નહીં

થિયેટરોમાં રાષ્ટ્રગીત વગાડવા દરમિયાન ઊભા થવાનું જરૂરી છે કે નહીં તેના પર લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ગયા વર્ષે જ મદ્રાસ હાઇકોર્ટે કહ્યું હતું કે થિયેટરમાં રાષ્ટ્રગીત વાગે ત્યારે ઊભા થવાનું જરૂરી નથી.
60-70ના દાયકામાં ફિલ્મ પછી રાષ્ટ્રગીત વાગતું હતું
60-70ના દાયકામાં ફિલ્મ પૂરી થયા પછી રાષ્ટ્રગીત વગાડવામાં આવતું હતું પરતું તે વખતે દર્શકો ઊભા થવાને બદલે બહાર નીકળી જતા હતા. ધીમે-ધીમે આ પરંપરા બંધ થઇ ગઇ. કેટલાંક રાજ્યોના મલ્ટિપ્લેક્સમાં હજી પણ રાષ્ટ્રગીત વગાડાય છે. 2003માં મહારાષ્ટ્રે તેને અનિવાર્ય કરી દીધું હતું.
કોમર્શિયલ લાભ કે ડ્રામેટાઇઝેશન પર પણ પ્રતિબંધ

કોર્ટના આદેશ મુજબ ન તો કોઇ ખાનગી કાર્યક્રમ અને શો દરમિયાન રાષ્ટ્રગીત વગાડવામાં આવે અને ન તો તેનું ડ્રામેટાઇઝેશન થાય. વેરાયટી સોંગના સ્વરૂપમાં પણ તેને ગાવામાં આવશે નહીં. કોર્ટે વાંધાજનક સામગ્રી પર રાષ્ટ્રગીત છાપવા સામે પણ પ્રતિબંધ લાદી દીધો છે.
કોર્ટે કહ્યું - વિદેશમાં તો તમે બધા પ્રતિબંધો માનો છો...

- રાષ્ટ્રગાનનું સન્માન કરવાનું દરેક નાગરિકનું કર્તવ્ય છે. શાસ્ત્રોમાં પણ રાષ્ટ્રવાદનો સ્વીકાર કરવામાં આવ્યો છે. દેશના સન્માનના પ્રતીક રાષ્ટ્રગાનનું સન્માન કરવાની તમારી જવાબદારી પણ બની જાય છે.
- રાષ્ટ્રગાન આપણી રાષ્ટ્રીય ઓળખ, રાષ્ટ્રીય એકતા અને બંધારણીય દેશભક્તિ સાથે જોડાયેલું છે. દરેક ભારતીય નાગરિક જ્યાં સુધી તે આ દેશમાં રહે છે, તેને રાષ્ટ્રગાનના સન્માનમાં ઊભા થવું પડશે.
- વિદેશમાં તમે બધા પ્રતિબંધોનું પાલન કરો છો પરંતુ ભારતમાં કહો છો કે કોઇ પ્રતિબંધ ન લાદવામાં આવે. જો તમે ભારતીય છો તો રાષ્ટ્રગાનના સન્માનમાં ઊભા થવામાં તકલીફ ન થવી જોઇએ.
રાષ્ટ્રગાન દરમિયાન ઊભા નહીં થાવ તો 3 વર્ષ સુધીની જેલ
પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટ ટુ નેશનલ ઑનર એક્ટ-1971ની કલમ-3 મુજબ રાષ્ટ્રગાનમાં ખલેલ પહોંચાડવાનો કે રાષ્ટ્રગાન રોકવાનો પ્રયાસ કરવા બદલ 3 વર્ષ સુધીની જેલ થઇ શકે છે. જોકે કોઇને રાષ્ટ્રગાન ગાવા ફરજ પાડવા જણાવાયું નથી. 60ના દાયકામાં થિયેટરમાં રાષ્ટ્રગાનની શરૂઆત થઇ હતી પણ 20 વર્ષ બાદ બંધ કરી દેવાયું હતું. 2003માં મહારાષ્ટ્ર સરકારે થિયેટરમાં રાષ્ટ્રગાન દરમિયાન ઊભા થવાનો આદેશ કર્યો હતો.
આ અંગે પ્રતિક્રિયાઓ વાચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.
અન્ય સમાચારો પણ છે...