સાદિક એન્કાઉન્ટર કેસમાં સંધુની CBI દ્વારા પૂછપરછ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- એન્કાઉન્ટર વખતે સંધુ આઈબીના જોઈન્ટ ડિરેક્ટર (ઓપરેશન્સ) હતા

સીબીઆઈએ ગુજરાત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વર્ષ ૨૦૦૩માં થયેલા સાદિક જમાલ એન્કાઉન્ટર કેસમાં નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર નેહચલ સંધુની પૂછપરછ કરી છે. સંધુ તે સમયે ઈન્ટેલિજન્સ બ્યૂરો(આઈબી)ના જોઈન્ટ ડિરેક્ટર (ઓપરેશન્સ) હતા. સીબીઆઈના સૂત્રોએ કહ્યું છે કે સંધુની આ સપ્તાહે પૂછપરછ કરવામાં આવી હતી. તે સમયે આઈબીના અધિકારીઓની માહિ‌તીને પગલે જ સાદિકનું એન્કાઉન્ટર કરાયું હતું. તપાસ પરથી સંકેત મળ્યો છે કે આઈબીના વરિષ્ઠ અધિકારીઓને એન્કાઉન્ટર વિશે માહિ‌તી હોવાની શક્યતા છે જેને કારણે તેમની પૂછપરછ જરૂરી બની હતી.

ઉલ્લેખનીય છે કે આઈબીને એવી માહિ‌તી મળી હતી કે જમાલ ભાજપના વરિષ્ઠ નેતાઓ નરેન્દ્ર મોદી, એલ.કે. અડવાણી અને વિશ્વ હિ‌ન્દુ પરિષદના કેટલાક નેતાઓને નિશાન બનાવવાનો પ્લાન ઘડી રહ્યો છે. જમાલના એન્કાઉન્ટર પાછળ આ માહિ‌તી કારણભૂત હોવાનું મનાય છે. જમાલ ભાવનગરનો રહેવાસી હતો જેનું અમદાવાદ નજીક ૧૩ જાન્યુઆરી, ૨૦૦૩ના રોજ ગેલેક્સી સિનેમા પાસે એન્કાઉન્ટ થયું હતું.

જમાલ વિશે કઈ રીતે માહિ‌તી મળી, તેને મુંબઈ પોલીસની કસ્ટડીમાંથી ગુજરાત પોલીસને હવાલે કઈ રીતે કરાયો અને અન્ય સંબંધિત માહિ‌તી સંધુને પૂછવામાં આવી હતી.