ઇન્ટેલિજન્સ રિપોર્ટનો દાવોઃ કન્હૈયા કુમાર સામેના દેશદ્રોહ આરોપમાં છે તથ્ય

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- સુપ્રીમે સુનાવણી અટકાવી, સુપ્રીમકોર્ટને છ સભ્યોની તપાસ ટીમ મોકલવી પડી

નવી દિલ્હી: દેશદ્રોહના આરોપમાં ધરપકડ કરાયેલા જેએનયુ વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ કન્હૈયાકુમારની બુધવારે પટિયાલા હાઉસકોર્ટમાં ધોલાઇ કરવામાં આવી હતી. બપોરે 2-45 વાગે કન્હૈયાને કોર્ટમાં રજૂ કરવા માટે લાવવામાં આવ્યો ત્યારે પરિસરની બહાર ઉપસ્થિત કેટલાક વકીલોએ કન્હૈયા પર હુમલો કરી દીધો હતો. પોલીસે ભારે જહેમતથી તેને બચાવીને અંદર લઇ ગઇ હતી. કોર્ટમાં જ કન્હૈયાની મેડિકલ તપાસ થઇ હતી. દિલ્હી પોલીસે તેના રિમાન્ડ લંબાવવાની અપીલ કરી ન હતી, તેથી કન્હૈયાને 14 દિવસ માટે (2જી માર્ચ સુધી) જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલામાં દિવસભર નાટકીય રીતે ઘટનાક્રમ બદલાયો.

સવારે કન્હૈયાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે કોર્ટમાં પોલીસ, વકીલ, મીડિયા અને દેખાવકારો ભારે સંખ્યામાં ઉપસ્થિત હતા. દરમિયાન, 1-30 વાગે કોર્ટ પરિસરમાં વકીલોનાં બે જૂથો (કન્હૈયા સમર્થક અને વિરોધી)માં ઝપાઝપી થઇ ગઇ હતી. આ ઘટનાક્રમની માહિતી મળતા જ સુપ્રીમકોર્ટે નિર્દેશ જારી કરીને જણાવ્યું કે કન્હૈયાને કોર્ટમાં રજૂ કરવામાં આવે ત્યારે પટિયાલા કોર્ટરૂમમાં પાંચ અને સમગ્ર કેમ્પસમાં 25થી વધુ જર્નાલિસ્ટ ન રહે. કોર્ટરૂમમાં કન્હૈયાનો પરિવાર અને જેએનયુના બે ફેકલ્ટી જ રહે.

દિલ્હી પોલીસના વકીલોએ સુપ્રીમકોર્ટને જણાવ્યું કે પટિયાલા હાઉસ કોર્ટમાં સુરક્ષા વ્યવસ્થા સઘન છે. ત્યાર પછી કોર્ટમાં રજૂ કરવા માટે કન્હૈયાને લાવવામાં આવ્યો પરંતુ બહાર જ તેની સાથે મારપીટ થઇ ગઇ. આ સમાચાર મળતા જ સુપ્રીમકોર્ટે પટિયાલા હાઉસ કોર્ટમાં કાર્યવાહી અટકાવવાનો નિર્દેશ આપ્યો હતો. છ વકીલોની ટીમને પરિસ્થિતિનો તાગ મેળવવા માટે મોકલવામાં આવી હતી. આ ટીમમાં સુપ્રીમકોર્ટના વરિષ્ઠ વકીલ રાજીવ ધ‌વન અને કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલ પણ હતા. ટીમ બપોરે 3-25 વાગે પટિયાલા હાઉસ કોર્ટમાં પહોંચી હતી પરંતુ ત્યાં સુધીમાં કન્હૈયાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપી દેવામાં આવ્યો હતો. સુનાવણીની અગામી તારીખ પણ 2જી માર્ચ નક્કી કરવામાં આવી હતી. જોકે, કોર્ટ પરિસરમાં ભીડને ધ્યાનમાં રાખીને કન્હૈયાને ત્રણ કલાક પછી તિહાર જેલમાં મોકલી શકાયો હતો.

કન્હૈયા પર દિલ્હી પોલીસ નરમ, જામીન મળી શકે છે

કન્હૈયાએ જેએનયુના પોતાના સાથીઓને અપીલ કરી છે કે તેઓ ભારતીય બંધારણ પર ભરોસો રાખે. તેણે ખુલ્લો પત્ર લખીને પોતે પણ દેશ અને ભારતીય બંધારણ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. ત્યાર પછી તેના પ્રત્યે પોલીસના વલણમાં નરમીના સંકેત મળ્યા છે. બસ્સીએ જણાવ્યું કે જો કન્હૈયા જામીન માટે અપીલ કરશે તો તેની સામે કોઇ વાંધો ઉઠાવવામાં આવશે નહીં.

અમારી પાસે કન્હૈયા વિરુદ્ધ મજબૂત પુરાવા : કમિશનર

‘તમે લોકો એવા સમાચાર પર વિશ્વાસ કરી લો જે મીડિયામાં આવી રહ્યા છે અથવા પોલીસની વાત માની લો જે તપાસનું કામ કરી રહી છે. પોલીસ પાસે પર્યાપ્ત પુરાવા છે અને તેના જ આધારે કન્હૈયાની ધરપકડ કરાઈ છે. જ્યાં સુધી કેસના મેરિટનો પ્રશ્ન છે અમે પુરાવા કોર્ટમાં રજૂ કરીશું.’
- બી. એસ. બસ્સી, પોલીસ કમિશનર, દિલ્હી

પોલીસ કોર્ટના આદેશોનો ભંગ કરી રહી છે : કેજરીવાલ

‘દિલ્હી પોલીસ ખુલ્લેઆમ સુપ્રીમકોર્ટના આદેશનો ભંગ કરી રહી છે. બસ્સીનું વર્તન નિર્લજ્જતાથી ભરેલું છે. અંતે તેમના આટલા આત્મવિશ્વાસનું કારણ શું છેω તેમને તેમના બોસ પાસેથી અંતે શું નિર્દેશ મળ્યા છે’
- અરવિંદ કેજરીવાલ, મુખ્યમંત્રી, દિલ્હી

કન્હૈયાએ રાષ્ટ્રવિરોધી સૂત્રો નહોતા પોકાર્યા : શત્રુઘ્ન

‘કન્હૈયા બિહારનો પુત્ર છે. મેં તેનું ભાષણ સાંભળ્યું છે. તેણે પોતાના ભાષણમાં રાષ્ટ્રવિરોધી કોઈ સૂત્રો પોકાર્યા નથી કે બંધારણથી અલગ જઈને કશું કહ્યું પણ નથી. તેને વહેલી તકે છોડી મૂકવો જોઈએ.’
- શત્રુઘ્ન સિંહા, ભાજપ નેતા

ધવનનો આરોપ: અમને પાક. ના દલાલ કહ્યા

કન્હૈયા સાથે મારપીટની તપાસ ટીમ સાથે ગયેલા વકીલ રાજીવ ધવને સુપ્રીમકોર્ટને જણાવ્યું કે તેમને પટિયાલા હાઉસ કોર્ટમાં ગાળો અપાઈ હતી. તેમને પાકિસ્તાનના દલાલ પણ કહેવાયા. રિપોર્ટમાં છ સભ્યોની ટીમે કહ્યું કે, કોર્ટ પરિસરમાં અનેક બિનજરૂરી લોકો હાજર હતા. દિલ્હી પોલીસ કન્હૈયાને સલામતી પૂરી પાડવામાં નિષ્ફળ રહી છે. તેના જીવને જોખમ છે. આ અંગે સુપ્રીમકોર્ટે આકરા શબ્દોમાં દિલ્હી પોલીસના વકીલને પૂછ્યું કે તમે સલામતી પૂરી પાડી નથી રહ્યા કે અમે આદેશ આપીએ.

કન્હૈયા બીજી માર્ચ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં

બુધવારે કન્હૈયાકુમારને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
કોર્ટે કન્હૈયાને તા. બીજી માર્ચ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.
કોર્ટે જોઈન્ટ કમિશનર ઓફ પોલીસને આદેશ કર્યો હતો કે, કન્હૈયાકુમારને સલામત રીતે જેલ મોકલી શકાય તે માટે જરૂરી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે.

બંગાળ સરકાર પાસે રિપોર્ટ મંગાયો

ગૃહ મંત્રાલયે કોલકાતાની જાધવપુર યુનિવર્સિટીમાં પણ આતંકી અફઝલ ગુરુ અને ઇશરત જહાંના સમર્થનમાં નારેબાજી અંગે પશ્ચિમ બંગાળ સરકાર પાસે રિપોર્ટ માગ્યો છે. JNU મામલે પણ સૂત્રોચ્ચાર થયા હતા.

રાહુલ સામે દેશ દ્રોહનો કેસ નોંધવા કોર્ટનો આદેશ

જેએનયુમાં દેશવિરોધી નારા લગાવનારા વિદ્યાર્થીઓનું સમર્થન કરવા બદલ રાહુલ ગાંધી સામે અલ્હાબાદના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં દેશદ્રોહનો કેસ નોંધાઇ ગયો છે. કોર્ટે અરજદારોને પહેલી માર્ચ સુધીમાં રાહુલની વિરુદ્ધમાં પુરાવા રજૂ કરવાનો આદેશ આપ્યો છે.
સુપ્રીમ લાલ, કન્હૈયા પર હુમલો
- બુધવારે બપોરે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કડક વલણ લીધું હતું.
- દિલ્હી પોલીસ જ્યારે કન્હૈયાને પટિયાલા હાઉસ કોર્ટમાં લાવી ત્યારે આ હુમલો કરવામાં આવ્યો હતો, તેમ કમિટીએ નોંધ્યું હતું.
- સર્વોચ્ચ અદાલતે પોલીસ સુરક્ષા સાથે સુપ્રીમ કોર્ટના વકીલો કપીલ સિબ્બલ, એડીએન રાવ, દુષ્યન્ત દવે તથા હિરેન રાવતની ટીમે પટિયાલા હાઉસ કોર્ટ મોકલી હતી.
- જ્યાં વકીલોને પટિયલા હાઉસ કોર્ટની સુરક્ષાની સમીક્ષા કરવા માટે કહેવામાં આવ્યું હતું.
- ટીમે સર્વોચ્ચ અદાલતને જણાવ્યું હતું કે, જો તેમની સાથે સુરક્ષા ન હોત તો તેમની સાથે પણ મારઝૂડ કરવામાં આવી હોત.
- અમારી ઉપર નાના પથ્થર ફેંકવામાં આવ્યા હતા. કોર્ટમાં આતંકનું વાતાવરણ હતું.
- પેનલના કહેવા પ્રમાણે, કન્હૈયાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, ત્યારે તેની ઉપર હુમલો થયો હતો.
- કન્હૈયાની તબીબી તપાસની ભલામણ પણ ટૂકડીએ કરી હતી.
- ટીમના કહેવા પ્રમાણે, પોલીસે તેની ફરજ યોગ્ય રીતે નથી બજાવી અને તેમની સામે પણ નારેબાજી કરવામાં આવી હતી.
- દિલ્હી પોલીસને સૂચના આપી હતી કે, કન્હૈયાની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે. જો એમ ન થાય તો કોર્ટ કોઈ આદેશ આપશે.
- ન્યાયધીશ જે. ચામલેશ્વર સાથે ફોન પર વાતચીત કરી હતી.
દિલ્હી પોલીસ પર હુમલો થયો : બસ્સી
- દિલ્હી પોલીસના કમિશનર બી.એસ. બસ્સીના કહેવા પ્રમાણે, કન્હૈયા કુમાર પર બીલકુલ હુમલો નથી થયો.
- કોર્ટમાં રજૂ કરતી વખતે જગ્યા ઓછી હોવાનાં કારણે ધક્કામુક્કી થઈ હતી. પરંતુ હુમલો નથી થયો.
- દિલ્હી પોલીસ પર 'અતિ ઉત્સાહી' ટોળાએ હુમલો કર્યો હોવાનું બસ્સીએ ઉમેર્યું હતું.
- બસ્સીના કહેવા પ્રમાણે, દેખાવકારો, વકીલ કે અન્ય કોઈ પર બળપ્રયોગ ન કરવાની અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.
દિલ્હી પોલીસને કાર્યવાહી કરવા સુપ્રીમનો આદેશ
- સુપ્રીમ કોર્ટે પટિયાલા હાઉસ કોર્ટની બહાર હોબાળો કરી રહેલા શખ્સોની અટકાયત કરવા આદેશ કર્યો હતો.
- સર્વોચ્ચ અદાલતે દિલ્હીના પોલીસ કમિશનર બી.એસ. બસ્સીને વ્યક્તિગત રીતે હાજર રહેવાનો આદેશ કરવાનો ઈન્કાર કર્યો હતો.
- સુપ્રીમના કહેવા પ્રમાણે, હાલમાં તેઓ સ્થિતિનું જાત નિરીક્ષણ કરવામાં વ્યસ્ત હશે એટલે તેમને બોલાવવા યોગ્ય નહીં રહે.
સુપ્રીમના નિર્દેશ છતાં પટિયાલા હાઉસ કોર્ટમાં હિંસા
- પટિયાલા હાઉસ કોર્ટની બહાર બુધવારે ફરી એક વખત વકીલઓ અને પત્રકારો વચ્ચે અથડામણ થઈ હતી.
- વકીલોના કહેવા પ્રમાણે, પત્રકારોએ તેમની સાથે ગેરવર્તાવ કર્યો હતો અને તેમની ખુરશીઓ ખૂંચવી લીધી હતી.
- વકીલોએ 'ભારત માતા કી જય' અને 'વંદે માતરમ્'ના નારા લગાવ્યા હતા.
- વકીલોના કહેવા પ્રમાણે, 'પાકિસ્તાન જિંદાબાદ'ના નારા લગાવનારાઓને હીરો બનાવવામાં આવી રહ્યાં છે અને અમે ગુંડા ચિતરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

- વકીલોના કહેવા પ્રમાણે, સૌ પહેલા તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો.
- કેટલાક પ્રત્યક્ષદર્શીઓના કહેવા પ્રમાણે, કન્હૈયા તરફી અને કન્હૈયા વિરોધી વકીલો વચ્ચે પટિયાલા હાઉસ કોર્ટમાં ઝપાઝપી થઈ હતી.
- પટિયાલા હાઉસ કોર્ટના મુખ્ય ન્યાયધીશના નેતૃત્વમાં કોર્ટના જ્જોની એક બેઠક મળી હતી.જેમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી.
- સુપ્રીમના આદેશ છતાં, દિલ્હી પોલીસ મૂકપ્રેક્ષક બની રહી હોવાનો આરોપ દિલ્હી પોલીસે મુક્યો હતો.
સુપ્રીમ કોર્ટમાં લાગ્યા વંદે માતરમના નારા. રાહુલ ગાંધી સામેની અરજી અલ્લાહબાદ હાઈકોર્ટે સ્વીકારી. વાચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.
અન્ય સમાચારો પણ છે...