તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાપુએ અંગ્રેજોને દેશમાંથી હાંકી કાઢ્યા, તેઓ ચતુર વાણિયાથી વિશેષ હતાઃ રાજમોહન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી/શિકાગોઃ મહાત્મા ગાંધીના પૌત્ર રાજમોહન ગાંધીએ કહ્યું છે, ભારતમાં બ્રિટિશરો અને સાંપ્રદાયિક ઝેર ઓકતાં સાપો પર જીત મેળવનાર વ્યક્તિ ચતુર વાણિયાથી પણ વિશેષ હતા. રાજમોહને આ કોમેન્ટ અમિત શાહ દ્વારા ગાંધીને ચતુર વાણિયો કહેવાના જવાબમાં કરી હતી.
 
ગાંધીનું લક્ષ્ય આજે શાહ જેવા લોકોથી ઉલટું હોત
 
- ન્યૂઝ એજન્સી મુજબ રાજમોહને આ કોમેન્ટ શનિવારે કરી હતી. હાલ તેઓ અમેરિકામાં છે. તેમણે કહ્યું, મહાત્માનું લક્ષ્ય બીજેપી પ્રેસિડેન્ટ અમિત શાહથી ઘણું અલગ હોત.
- રાજમોહન બાયોગ્રાફર અને અમેરિકાની ઇલિનોઇસ યુનિવર્સિટીમાં રિસર્ચ પ્રોફેસર છે. તેમણે પીટીઆઇના ઇમેલ દ્વારા મોકલવામાં આવેલા સવાલના જવામાં આમ કહ્યું હતું.
 
મને હસવું આવે છેઃ ગોપાલકૃષ્ણ ગાંધી
 
-મહાત્માના વધુ એક પૌત્ર ગોપાલકૃષ્ણ ગાંધીએ પણ શાહના નિવેદન પર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે મને તો ચતુર વાણિયા પર હસવું આવે છે. જોકે આમ કહેવું યોગ્ય નથી. આ એક શરારત છે.
- ઇતિહાસકાર રામચંદ્રા ગુહાએ કહ્યું, અમિત શાહની આ કોમેન્ટ અસભ્ય છે.
 
અમિત શાહે શું કહ્યું હતું
 
ભાજપનારાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે મહાત્મા ગાંધી ચતુર વાણિયા હતા. તેથી તેમણે કહ્યું હતું કે કોંગ્રેસને ખતમ કરી દો. કોંગ્રેસમાં લોકશાહીની ચર્ચા કરતા તેમણે એમ પણ કહ્યું કે, સોનિયા બાદ અધ્યક્ષ કોણ છે તે સૌ જાણે છે. મારા પછી કોણ હશે તે કોઇને ખબર નથી. કોંગ્રેસે શાહની ટિપ્પણી સામે સખત વિરોધ વ્યક્ત કરતા કહ્યું કે તેમણે રાષ્ટ્રપિતાનું અપમાન કર્યું છે, જેથી તેમણે દેશની માફી માગવી જોઇએ. છત્તીસગઢના 3 દિવસના પ્રવાસના બીજા દિવસે શુક્રવારે શાહે ટિપ્પણી કરી. શનિવારે પ્રવાસના છેલ્લા દિવસે શાહ ટિપ્પણી અંગે જવાબ આપવાનું ટાળતા દેખાયા.
 
કોંગ્રેસના વિરોધ અંગે તેમણે કહ્યું મેં વાત કંઇ પહેલી વાર નથી કરી. કોંગ્રેસનો કોઇ સિદ્ધાંત નથી. કોંગ્રેસમાં લોકતંત્ર પણ નથી. તેના પર પરિવારવાદ હાવી છે. ભાજપમાં કામના આધારે પદ નક્કી થાય છે. હું 16 વર્ષ અગાઉ પક્ષ સાથે જોડાયો. બૂથ અધ્યક્ષ હતો. ઝંડા લગાવતા-લગાવતા, દંડા ખાતાં-ખાતાં પાર્ટીએ રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવી દીધો. દેશમાં માત્ર બે પક્ષમાં લોકશાહી જીવે છે. એક ભાજપ અને બીજો સીપીઆઇ.
 
બાપુએ આત્મકથામાં પોતાને વાણિયાગણાવ્યા હતા
 
ભાજપના અધ્યક્ષ અમિત શાહે મહાત્મા ગાંધીને ‘ચતુર વાણિયા’ ગણાવતા રાજકીય વિવાદ સર્જાયો છે ત્યારે એક હકીકત પણ છે કે ગાંધીજીએ તેમની આત્મકથા ‘સત્યના પ્રયોગો’માં એકથી વધુ વખત પોતાના માટે ‘વાણિયા’ શબ્દપ્રયોગ કર્યો હતો. આત્મકથાના 12મા પ્રકરણ ‘નાતબહાર’માં ગાંધીજીએ વિલાયતગમનના સંદર્ભમાં લખ્યું હતું હતું કે ‘મુંબઈમાં મારા દિવસો લાંબા થઈ પડ્યા. મને વિલાયતનાં સ્વપ્નાં આવે. દરમ્યાન ન્યાતમાં ખળભળાટ ઊઠ્યો. નાત બોલાવવામાં આવી. મોઢ વાણિયો કોઈ હજુ સુધી વિલાયત નહોતો ગયો.’ આત્મકથાના અન્ય એક પ્રકરણમાં તેમણે પોતાના માટે ‘કાઠિયાવાડી વાણિયો’ શબ્દપ્રયોગ કર્યો હતો.