બીજી જૂનથી કેરળમાં ચોમાસાનું થશે આગમન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભારતીય હવામાન ખાતાએ જણાવ્યું હતું કે જેની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી છે તે ચોમાસાનું બીજી જુનને રવિવારે કેરળમાં આગમન થશે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય કૃષિ માટે આ ચોમાસું સૌથી મહત્વનું હોય છે.અગાઉ હવામાન ખાતાએ ૩૦મી જુને ચોમાસું બેસી જવાની આગાહી કરી હતી. જોકે, તે વખતે સ્પષ્ટતા કરી હતી કે તેમાં બે-ચાર દિવસનો ફેરફાર થઇ શકે છે. આમેય કેરળમાં ચોમાસનું આગમન સામાન્ય રીતે પહેલી જુનથી થાય છે.

ભારતીય હવામાન ખાતા (આઇએમડી)ના ડિરેક્ટર ડી.પી.યાદવે જણાવ્યું હતું કે આગામી ત્રણ દિવસ દરમિયાન કેરળમાં નૈઋત્ય ચોમાસું આરંભ થવા માટે સાનુકૂળ પરિસ્થિતિ ઊભી થઇ રહી છે. એકવાર કેરળમાં આગમન બાદ ચોમાસું જુલાઇના મધ્ય સુધીમાં સમગ્ર દેશમાં ક્રમશ: શરૂ થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ચાર માસની વરસાદની સિઝનમાં નૈઋત્ય ચોમાસું ચોખા, સોયાબીન, કપાસ વગેરે ખરીફ પાકો માટે અતિ મહત્વનું છે. કેમ કે, દેશની ખેતીની કુલ જમીનમાંથી ૬૦ ટકા જમીન વરસાદ આધારીત ખેતી પર નિર્ભર છે.

- ૯૮ ટકા વરસાદની આગાહી

હવામાન ખાતાએ અગાઉ કરેલી ચોમાસાની આગાહીમાં જણાવ્યું હતું કે ચાલુ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે.સરેરાશ ધોરણે જોઇએ તો કુલ ૯૮ ટકા વરસાદ થાય તેવી અપેક્ષા છે.