દરોડામાં ડોક્ટર પાસેથી ૪.૭૪ કરોડની સંપત્તિ મળી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કર્ણાટકમાં ૧૦ ભ્રષ્ટ અધિકારીઓને ત્યાં દરોડામાં ઘટસ્ફોટ થયો

કર્ણાટકમાં ૧૦ સૌથી ભ્રષ્ટ અધિકારીઓ પર પાડવામાં આવેલા લોકાયુક્ત દરોડામાં ચોંકાવનારી માહિ‌તી બહાર આવી છે. દરોડામાં જાણવા મળ્યું કે, એક સરકારી ડોક્ટર સરકારી હોસ્પિટલમાં પોતાનું ઓપરેશન થિયેટર ચલાવી રહ્યો હતો. લોકાયુક્ત પોલીસે ચિકમંગલુર જિલ્લાના કોપ્પા તાલુકાના ડોક્ટર એન રામચંદ્રના આ મામલાને અઢળક સંપત્તિનો ગણાવ્યો. લોકાયુક્ત પોલીસના સૂત્રોએ જણાવ્યું કે, ડોક્ટરના બેંક લોકર્સને હજી ખોલવાનું છે. દરોડાની કાર્યવાહી હજી ચાલુ છે. ડોક્ટર પાસેથી અત્યાર સુધીમાં ૪.૭૪ કરોડની રકમ અને સંપત્તિ મળી ગઇ છે.

રામચંદ્રની એક અલ્ટ્રાસાઉન્ડ મશીન પણ મળી છે. મળેલી સંપત્તિઓમાંથી ડોક્ટરની પત્ની અને બહેને ચાર સંપત્તિ તેમના નામે કરેલી છે. ઘણી સંપત્તિઓ તેની બહેન અને પત્નીના નામે છે.

૯૨ કરોડની બેનામી સંપત્તિ

રિયલ એસ્ટેટ અને જ્વેલરી ગ્રુપ પર આવકવેરા વિભાગના દરોડામાં ૯૨ કરોડ રૂપિયાની ગુપ્ત સંપત્તિનો ખુલાસો થયો છે. આવકવેરા વિભાગના ડીઆઇ સુનીલ સક્સેનાએ શનિવારે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, ગ્રુપના જયપુરમાં ૨૪ અને મુંબઇમાં એક સ્થળે દરોડા પાડવામાં આવ્યા છે. તેમાં કુલ ૯૨ કરોડ રૂપિયાની ગુપ્ત સંપત્તિનો ખુલાસો થયો છે.

આ કાર્યવાહીમાં સ્થાવર અને જંગમ સંપત્તિની સાથે ૩.૨૨ કરોડ રૂપિયા રોકડા અને પ.૧પ કરોડ રૂપિયાની જ્વેલરી પણ મળી છે. સક્સેનાએ જણાવ્યું કે, જયપુરમાં આવકવેરા વિભાગની અત્યાર સુધીની આ સૌથી મોટી કાર્યવાહી છે.