કોચ્ચી: અલ્પસંખ્યક સમુદાયને ગુડવિલ મેસેજ આપવાના હેતુથી પીએમ મોદી આવનારા દિવસોમાં કેરલની મુલાકાત દરમિયાન દેશની સૌથી જૂની ચેરામન જુમ્મા મસ્જિદ જઈ શકે છે. આ મસ્જિદ હજારો વર્ષો જૂની છે. મસ્જિદની મુલાકાતનો હેતુ કેરલ ટુરિઝમ દ્વારા ચાલી રહેલા હેરિટેજ પ્રોજેક્ટનું પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરવાનો છે. મોદી પોતાની આ મુલાકાતમાં અન્ય ઐતિહાસિક સ્થળો કોડુંગલુર ભગવતી મંદિર અને સેંટ થોમસ ચર્ચ પણ જઈ શકે છે.
એક અંગ્રેજી અખબારમાં આવેલા અહેવાલ મુજબ ટુરિઝમ સેક્રેટરી જી કમલા વર્ધન રાવે કહ્યું કે પીએમ મોદી તેમની જુલાઈ કે ઓગસ્ટમાં થનારી યાત્રામાં મસ્જિદમાં ચાલી રહેલા મુજિરિસ પ્રોજેક્ટના ઉદ્ઘાટન માટે તૈયાર થયા છે. જો કે તારીખો હજી નક્કી નથી થઈ. તો મુસ્લિમ એજ્યુકેશન સોસાયટીના પ્રેસિડન્ટ ડોક્ટર ફઝલ ગફૂરનું કહેવું છે કે જો મોદી મસ્જિદની મુલાકાત લે તો આ પગલાનું અભિવાદન કરવું જોઈએ. કેમકે ભાજપના પ્રોપેગન્ડા એ જ રહ્યો છે કે મુસ્લિમો ઘૂંસણખોરોના વંશજો છે.
શું છે મસ્જિદની ખાસિયતો
ચેરામન જુમ્મા મસ્જિ 629માં મલિક બિન દિનારે બનાવી હતી. ચેરામન પેરૂમલની યાદમાં આ મસ્જિદ બનાવવામાં આવી હતી. ચેરામલ માલાબાર અને કોડુંગલુરના શાસક હતા. તેમણે પછીથી ઈસ્લામ ધર્મ અંગિકાર કર્યો હતો. વર્ષોથી અહીં બિન મુસ્લિમ પણ આવે છે અને મસ્જિદની અંદર દીવા પ્રગટાવે છે.
સુરક્ષાની તૈયારીઓ શરૂ
જુમા મસ્જિદના એડમિનિસ્ટ્રેટર ફૈઝલ એડવન્નાકડે કહ્યું કે, સ્પેશ્યલ બ્રાન્ચના અધિકારીઓ મસ્જિદ આવ્યા હતા અને તેમણે સુરક્ષા અંગે પૂછપરછ કરી હતી. અને મસ્જિદને કેટલા દરવાજા છે તે અંગે જાણકારી મેળવી હતી.