નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાકિસ્તાની પીએમ નવાજ શરિફ સાથે રશિયામાં મુલાકાત કરે તેવી શક્યતા છે. જો બન્ને નેતાઓ મળશે તો મે-2014 પછીની આ તેમની વચ્ચેની પ્રથમ મુલાકાત હશે. સૂત્રોનાં જણાવ્યા મુજબ ટૂંક સમયમાં જ પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી આ બાબતની સ્પષ્ટતા કરવામાં આવશે. પાકિસ્તાન સરકારનાં સત્તાવાર સૂત્રો દ્વારા મિડીયામાં એવા સમાચાર આવ્યા છે કે, તેઓ પણ આ મુલાકાતને લઈને ઘણી આશાઓ રાખીને બેઠા છે.
મહત્વના મુદ્દાઓ ઉપર વાતચીત થઈ શકે
પાકિસ્તાન સરકારે આશા વ્યક્ત કરી છે કે, આ મુલાકાત દરમિયાન બન્ને નેતાઓ કેટલાંક મહત્વના મુદ્દા ઉપર વાત કરશે. નોંધપાત્ર બાબત એ છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે રશિયા સહિત મધ્ય એશિયાનાં અન્ય પાંચ દેશોની પણ મુલાકાત કરવાના છે.
પીએમ મોદીની મુલાકાતનો કાર્યક્રમ
પીએમ મોદી 6 જુલાઈથી રશિયાની મુલાકાતે જઈ રહ્યા છે. આ મુલાકાત દરમિયાન પીએમ રશિયામાં બ્રિક્સ દેશો અને શાંઘાઈ કૉર્પોરેશન ઑર્ગેનાઈઝેશનની બેઠકમાં ભાગ લેશે. પીએમ મોદીની મુલાકાત 6 જુલાઈના રોજ ઉઝબેકિસ્તાનથી શરૂ થશે. બાદમાં 7 જુલાઈએ કઝાકિસ્તાન અને 8-9 જુલાઈએ રસિયામાં રહેશે. 10 જુલાઈએ તેઓ તુર્કમેનિસ્તાન, 11 જુલાઈએ કર્ગિસ્તાન અને 12 જુલાઈએ તજાકિસ્તાનની મુલાકાત લેશે.
મોદીએ ગત 16 જૂને નવાસ સરિફ સાથે ફોન ઉપર વાત કરી હતી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છેલ્લે 16 જૂને પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી નવાજ શરિફ સાથે ફોન ઉપર અંદાજે પાંચ મિનિટ વાત કરી હતી. સૂત્રોનાં જણાવ્યા મુજબ પીએમ મોદીએ નવાજ શરિફ સાથે કરેલી વાતચીતમાં બન્ને દેશો વચ્ચે ભાઈચારો જળવાઈ રહે તેના ઉપર વધારે ભાર મુક્યો હતો. નવાજ શરિફને પીએમ મોદીનો આ ફોન મ્યાનમારની ઘટના બાબતે થઈ રહેલા નિવેદનનાં સંદર્ભે કર્યો હતો. આ દરમિયાન પાકિસ્તાને માહિતી અને પ્રસારણ વિભાગનાં રાજ્ય મંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડનાં નિવેદનથી વાંધો હોવાની વાત કરી હતી. તેમના નિવેદન બાદ કાર્યવાહી કરી અન્ય દેશોને બોધપાઠ આપવાનો પ્રયત્ન કર્યો હતો. જેના સંદર્ભે પાકિસ્તાનનાં આંતરિક બાબતોનાં મંત્રી ચૌધરી નિસાર અલી ખાને એક નિવેદન આપ્યું હતું કે, ''ભારત અમને મ્યાનમાર ન સમજે, અમારી સેના સીમા ઓળંગવાનો પ્રયત્ન કરનાર કોઈને પણ જવાબ આપવા માટે પુરતી સક્ષમ છે.''