સહારા ત્રણ મહિ‌નામાં ૨૪ હજાર કરોડ રૂપિયા ચૂકવશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- સુપ્રીમમાં વધુ સુનાવણી ૧૯મી ઓક્ટોબરે થશે - સેબી સાથેનો મુદ્દો ઉકેલવા થોડોક સમય આપવા અરજ સહારા ગ્રુપે તેની બે કંપનીઓ દ્વારા રોકાણકારો પાસેથી ઓપ્શનલી ફુલ્લી કન્વર્ટિ‌બલ ડિબેન્ચર્સ (ઓફએફસીડીએસ) મારફત ઊભા કરવામાં આવેલા રૂપિયા ૨૪,૦૦૦ કરોડ ત્રણ મહિ‌નામાં રીફંડ આપવાની સુપ્રીમકોર્ટને ખાતરી આપી છે. દલીલો સાંભળ્યા બાદ કોર્ટે વધુ સુનાવણી ૧૯મી ઓક્ટોબર સુધી મોકૂફ રાખી છે. સુપ્રીમકોર્ટે રોકાણકારોને ૧પ ટકાના વાર્ષિ‌ક વ્યાજ સાથે ત્રણ મહિ‌નામાં નાણા પરત કરવાનો સહારા ગ્રુપની બન્ને કંપનીઓને આદેશ આપ્યો હતો. કંપની તરફથી ઉપસ્થિત થયેલા વરિષ્ઠ વકીલ ગોપાલ સુબ્રમણ્યમે ન્યાયમૂર્તિ‌ કે.એસ. રાધાકૃષ્ણનન નેતૃત્વવાળી બેંચને જણાવ્યું કે, સહારા ગ્રુપ દ્વારા રોકાણકારોને રકમ પરત આપવામાં આવશે. આ બાબતે પીછેહઠ કરવાનો કોઇ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. તેમણે સેબી સાથેનો મુદ્દો ઉકેલવા માટે બન્ને કંપનીઓને થોડોક સમય આપવાની પણ બેંચને વિનંતી કરી હતી. સેબીએ એવો આરોપ મૂક્યો હતો કે, સુપ્રીમકોર્ટના અગાઉના આદેશ મુજબ કંપની દ્વારા સેબીને રોકાણકારો સંબંધિત બધા જ દસ્તાવેજો આપવામાં આવી રહ્યા નથી. સેબી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી અંગે બેંચ દ્વારા સુનાવણી કરવામાં આવી રહી છે. ૩૧મી ઓગસ્ટે સુપ્રીમકોર્ટે જણાવ્યું હતું કે, જો સહારા ગ્રુપની કંપનીઓ - સહારા ઇન્ડિયા રીયલ એસ્ટેટ કોર્પોરેશન (એસઆઇઆરઇસી) અને સહારા હાઉસિંગ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન (એસએચઆઇસી) રોકાણકારોને નાણા પરત કરવામાં નિષ્ફળ નીવડે તો સેબી બન્ને કંપનીઓની સંપત્તિ ટાંચમાં લઇ શકશે અને તેમના બેંક ખાતા સ્થગિત કરી શકે છે.