• Gujarati News
  • Pakistani Woman Gives Birth To A Child In Rajasthan, Pak Refuses To Accept

પાકિસ્તાની માબાપનું બાળક ભારતમાં જન્મ્યું, પાકિસ્તાને અપનાવવાનો કર્યો ઇન્કાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બાડમેર. તેઓ પાકિસ્તાનથી ભારત આવ્યા ત્યારે ચાર જણા હતા, પણ જતી વખતે તેમની સંખ્યા પાંચ થઇ ગઇ. પાંચમો સદસ્ય નવજાત શિશુ છે, જે ભારતમાં જન્મ્યું છે. પાકિસ્તાનનાં અધિકારીઓએ ચારેય જણાને સ્વદેશ પાછા આવવાની મંજૂરી આપી દીધી, પણ નવજાત શિશુને લેવાનો ઇન્કાર કરી દીધો. પરિવાર દુવિધામાં ફસાઇ ગયો. બાળકને કોના સહારે છોડીને જાય. હવે પાંચેય જણા ભારતમાં જ રોકાયા છે. પીડિત પાકિસ્તાની પરિવાર દિલ્હી જઇને પાકિસ્તાન હાઇ કમિશનમાં ફરિયાદ કરશે.

શું છે કિસ્સો

પાકિસ્તાનનાં મીર મોહમ્મદનાં પત્ની માઇ ફાતિમાનો પરિવાર સિંધ પ્રાંતનાં પાલકી ડેરકી ગામનો વતની છે. તે જેસલમેરમાં પોતાનાં મોસાળમાં બે સપ્તાહ પહેલા આવ્યો હતો. તેમની સાથે તેમનો દિયર, એક પુત્ર અરખાઝ અલી અને પુત્રી શકીના હતા. ભારત આવતી વખતે ફાતિમા ગર્ભવતી હતા. તેમણે 14 માર્ચનાં રોજ જેસલમેરની રાજસ્થાન હોસ્પિટલમાં બાળકનો જન્મ આપ્યો હતો. શનિવારે તેઓ પાકિસ્તાન જવા રવાના થયા હતા.

આ દરમિયાન મુનાબાવમાં કસ્ટમ ઇમિગ્રેશનની તપાસ પછી પરિવારને પાકિસ્તાન જવા રવાના કરી દેવાયો. પણ પાકિસ્તાની અધિકારીઓએ પાંચમા નવજાત શિશુને લેવાનો ઇન્કાર કરી દીધો. જો કે મહિલાનાં પાસપોર્ટમાં તેના નવજાત બાળકનો ઉલ્લેખ કરાયો હતો. પણ ફોટો પ્રિન્ટ ન હોવાને કારણે પાકિસ્તાને લેવાનો ઇન્કાર કરી દીધો. ઘણી જહેમત પછી પણ નિરાશ થઇને પરિવારે પાકિસ્તાન જવાનો કાર્યક્રમ રદ્દ કર્યો. હવે તેઓ દિલ્હીમાં પાકિસ્તાન હાઇ કમિશન સમક્ષ ફરિયાદ કરશે.

આખરે શું થશે દોઢ મહિનાનાં બાળકનું?

ભારતીય નિયમો પ્રમાણે બાળક ભારતીય નથી

રાષ્ટ્રીયતા કાયદા પ્રમાણે જુલાઇ 1987 પછી ભારતમાં જન્મેલ વ્યક્તિ અહીંનો નાગરિક ત્યારે જ કહેવાય જ્યારે તેના માતા પિતામાંથી એક ભારતીય નાગરિક હોય. આ બાળકનાં કિસ્સામાં મા બાપ બંને પાકિસ્તાની છે. જો કે 26 જાન્યુઆરી 1950થી પહેલી જુલાઇ 1987 સુધી દેશમાં જન્મેલા બધા લોકોને ભારતનાં નાગરિક માનવામાં આવ્યા હતા.

પાકિસ્તાન આ આધારે કરી શકે છે તેમનો સ્વીકાર

જો કોઇ દેશનાં માતા પિતા પોતાનાં સંતાનને બીજા કોઇ દેશમાં જન્મ આપે છે તો તેઓ પોતાનાં દેશનાં કોન્સ્યુલેટમાં જઇને બાળકને દેખાડી તેની નોંધણી કરાવી શકે છે. ઓરિજનલ બર્થ સર્ટિફિકેટ, માતા પિતાનું ઓરિજનલ મેરેજ સર્ટિફિકેટ તેમજ પાસપોર્ટ દેખાડ્યા બાદ પાકિસ્તાનનાં અધિકારી બાળકને પોતાનાં દેશ પાછા લઇ જવાની વ્યવસ્થા કરી શકે છે. કેટલાક દેશોમાં આ અંગે ફી પણ લેવામાં આવે છે.

પાકિસ્તાન હાઇ કમિશ્નર કરશે ફેંસલો

થાર એક્સપ્રેસાં પાકિસ્તાન જઇ રહેલા પાંચ પાકિસ્તાની યાત્રીઓને વતન પાછા ફરવા માટે રાહ જોવી પડે તેવી શક્યતા છે. જોધપુર પહોંચ્યા બાદ તેમને દિલ્હી મોકલવામાં આવશે. જ્યાં પાકિસ્તાન હાઇ કમિશ્નર સાથે મુલાકાત કરીને પાસપોર્ટમાં નવજાત બાળકનો ફોટો પ્રિન્ટ કરાવશે. ત્યારબાદ પાકિસ્તાન હાઇ કમિશ્નરનાં નિર્દેશ પ્રમાણે વતન પાછા ફરવું શક્ય બનશે. - બનવારીલાલ, પોલીસ સ્ટેશન ઓફિસર, જીપીઆર પોલીસ સ્ટેશન, બાડમેર