દોઢ વર્ષના દીકરાને કૂવામાંથી બચાવવા માતાએ છલાંગ મારી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- દોઢ વર્ષના દીકરાને કૂવામાંથી બચાવવા માતાએ છલાંગ મારી
- સાહસિક માતા: ભિલાઈ ગામની ઘટના, સાવિત્રી નિષાદને તરતાં નહોતું આવડતું, મદદ માટે કૂવામાંથી જ બૂમો પાડતી રહી, છેવટે જીવ દાવ પર લગાવ્યો

ભિલાઈ: માતા આપણને જન્મ જ નથી આપતી પણ આપણને નિતનવા રૂપે જીવન આપતી રહે છે. એટલા માટે જ તો તેને ધરતી ઉપર ભગવાનનું રૂપ કહેવામાં આવે છે. આવી એક માતાએ પોતાના દોઢ વર્ષના દીકરા માટે પોતાનો જીવ જોખમમાં મૂકીને તેને નવું જીવન બક્ષ્યું છે.

દુર્ગ પાસે આવેલા ગામ જેવરા સિરસાની સાવિત્રી નિષાદ (22)એ પોતાના દોઢ વર્ષના દીકરા ગગનને કૂવામાંથી કાઢીને બચાવ્યો હતો. આ ઘટના 15 જુલાઈની છે. આ બધું કેવી રીતે બન્યું તેની વાત સાવિત્રીએ માંડીને કરી હતી...

હું કૂવા પાસે બેસીને કપડાં ધોઈ રહી હતી. ગગન તોફાની છે. તે રમતાં રમતાં ઘરની બહાર જતો રહે છે એટલે હું તેને ઝાડ ઉપર દોરડા સાથે બાંધી રાખું છું. તે દિવસે પણ મેં એવું જ કર્યું. દોરડું લાંબું હતું એટલે ગગન રમતાં રમતાં કૂવા પાસે આવી ગયો. હું કપડાં ધોવામાં પરોવાયેલી હતી. અચાનક મને કૂવામાં કશુંક પડવાનો અવાજ આવ્યો. ગગનને આંગણાંમાં ન જોયો એટલે હું ગભરાઈ ગઈ. કૂવાની અંદર જોયું તો ગગન કૂવામાં ડૂબી રહ્યો હતો.

મારો તો જીવ જ તાળવે ચોંટી ગયો. આજુબાજુમાં પણ કોઈ નહોતું. કંઈ ન સૂઝ્યું એટલે હું તેને બચાવવા માટે કૂવામાં કૂદી પડી. તે ડૂબી રહ્યો હતો. માથામાં વાગ્યું હોવાને કારણે લોહી નીકળી રહ્યું હતું. મારા દીકરાને આવી હાલતમાં જોઈને સૂઝતું નહોતું કે શું કરું. મદદ માટે બૂમો પાડી પણ મારો અવાજ કદાચ લોકો સુધી પહોંચી રહ્યો નહોતો. તેમ છતાં હું હિંમત ન હારી. સતત બૂમો પાડતી રહી. હું થાકી ગઈ હતી.

તેવામાં કૂવામાં પડોશી દુર્ગા સિંહ પટેલનો અવાજ પડઘાયો. તેઓ ઉપરથી અમને જોઈ રહ્યા હતા. ત્યારે મારા જીવમાં જીવ આવ્યો. દુર્ગાએ મારો હાથ પકડ્યો અને મને ઉપર ખેંચવા લાગ્યો. જેમ જેમ અમે બહાર નીકળવા લાગ્યા તેમતેમ ગામના લોકોને ખબર પડવા માંડી અને તેઓ આવવા લાગ્યા. લોકો મને અને મારા દીકરાને જોઈ રહ્યા હતા. દીકરાને ખૂબ જ વાગ્યું હતું એટલે તેને તરત જ ડોક્ટર પાસે લઈ ગયા હતા.

હવે તંત્ર પાસે એવોર્ડના પ્રયાસો

ગામના લોકો સાવિત્રી અને દુર્ગા પટેલના સાહસનાં વખાણ કરી રહ્યા છે. પોલીસને જ્યારે ખ્યાલ આવ્યો તો તે પણ ગામ પહોંચી હતી. પોલીસે જ જણાવ્યું કે આવાં સાહસિક કામો માટે વહીવટીતંત્ર પુરસ્કાર આપે છે. તેઓ આ માહિતી સરકારને આપશે.
આગળની સ્લાઇડ્સમાં જુઓ વધુ તસવીરો....
અન્ય સમાચારો પણ છે...