દરેકનું કલ્યાણ થાય તેવી આર્થિક નીતિ હોવી જોઈએઃ મોહન ભાગવત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નાગપુરઃ રેશિમબાગ મેદાનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા દશેરાની ઉજવણી કરવામાં આવી. શસ્ત્ર પૂજા કર્યા બાદ આરએસએસના ચીફ મોહન ભાગવતે જણાવ્યું કે, "શુક્રવારે મુંબઈમાં જે દુઃખદ ઘટના બની તેને લઈને વેદના છે. જીવનમાં આવી વાતોનો સામનો કરીને આગળ વધવું પડે છે. તેમણે ડોકલામ વિવાદ અને વિશ્વમાં ભારતની વર્તમાન સ્થિતિ પર મોદી સરકારના કામ અને પોલિસીના વખાણ કર્યા. 70 વર્ષમાં પ્રથમ વખત વિશ્વનું ધ્યાન ભારત તરફ ગયું છે. સીમા પર આપણે જવાબ આપી રહ્યા છીએ. આર્થિક નીતિ દરેકનું કલ્યાણ થાય તેવી હોઈ જોઈએ."
રોહિંગ્યા મુસ્લિમોને માનવતા કે સુરક્ષાના આધારે શરણ આપવું ચિંતાનો વિષય
 
સંઘ પ્રમુખે કહ્યું કે, 'રોહિંગ્યા તેમના દેશ માટે જ ખતરો છે તો આપણા દેશ માટે ખતરાની ચિંતા કેમ ન થવી જાઈએ? રોહિંગ્યા અહીંય  કેમ છે? તેમણે તેમનો દેશ કેમ છોડ્યો? મ્યાનમારે રોહિંગ્યા પર મોટું પગલું ભર્યું છે. માનવતા કે સુરક્ષાના આધારે તેમને ગમે ત્યાં શરણ આપવામાં આવશે તો તે સારું નહીં હોય. રોહિંગ્યાના જેહાદીઓ સાથેના સંપર્કો સામે આવ્યા છે.'
 
આર્થિક વિકાસનો મતબલ ગરીબનો વિકાસ
 
દેશમાં છેલ્લા થોડા દિવસોથી એનડીએ સરકારના જ બે નાણામંત્રીઓ વચ્ચે આર્થિક વિકાસ મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે ભાગવતે જણાવ્યું કે, 'દેશની આર્થિક નીતિ દરેકનું કલ્યાણ થાય તેવી હોવી જોઈએ. આર્થિક વિકાસનો મતબલ ગરીબનો વિકાસ. ધનિકો વધુ ધનિક બને તે વિકાસ નથી. એક મોડલ દરેક જગ્યાએ ન ચાલે. સરકારે લઘુ ઉદ્યોગો પર ધ્યાન આપવું જોઈએ. અર્થનીતિમાં સમાજના દરેક વર્ગનો વિકાસ થવો જોઈએ.'
 
ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે
 
ખેડૂતોનો ઉલ્લેખ કરી ભાગવતે જણાવ્યું કે, 'જગતના તાતને ઉત્પાદન ખર્ચ મુજબ ભાવ મળવા જોઈએ. ખેડૂતોની ભલાઇ માટે યોજનાઓ જરૂરી છે. કોઈપણ ટેકનોલોજીનું પરીક્ષણ કર્યા વગર તેનો ઉપયોગ ન કરવો જોઈએ.'
 
ગાયના નામે થતી હિંસાને ધર્મ સાથે ન જોડો
 
'ગૌરક્ષા સાંપ્રદાયિકતાનો સવાલ નથી. ગાયના નામે થતી  હિંસાને ધર્મ સાથે ન જોડવી જોઈએ. બીજા ધર્મના લોકો પણ ગૌરક્ષા સાથે સંકળાયેલા છે.'
 
મોદી સરકાર અંગે શું બોલ્યા ભાગવત?
 
'સરકારના મોટા ફેંસલામાં RSSનો હાથ હોય તેમ માનવામાં આવે છે પરંતુ તેમ નથી. આસએસએસ બિનસરકારી સંગઠન છે, જે ક્યારેય દેશની વાતમાં દખલ નથી કરતું. સારા સૂચનોને ધ્યાનમાં રાખીને સરકારે આગળ વધવું જોઈએ.'
 
કાશ્મીરની સ્થિતિ બદલાઇ રહી છે
 
ભાગવતે કહ્યું, “કાશ્મીરની વાત કરીએ તો 2-3 મહિના પહેલા લાગી રહ્યું હતું કે ત્યાં શું થશે. પરંતુ જે રીતે આતંકીઓ અને તેમને પીઠબળ પૂરું પાડતાં લોકો સામે કાર્યવાહી કરવામાં આવી તેનાથી આજે કાશ્મીરની સ્થિતિ બદલાઈ રહી છે. આપણો કોઇ શત્રુ નથી પરંતુ આપણી સાતે દુશ્મની રાખનારાને જવાબા આપ્યો છે. છેલ્લા ઘણા વર્ષોથી જમ્મુ-કાશ્મીર ઘાટી અને લદ્દાખમાં વિકાસ થયો નથી. તેમની સાથે સાવકું વર્તન કરવામાં આવ્યું છે.”