'મહિલાઓ જોર લગાવે તો મોદીને દરિયા સુધી ધકેલવા શક્ય'

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(મહિલા કોંગ્રેસના કાર્યક્રમ હમારા સંકલ્પને સંબોધિત કરતી વેળાએ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી)
*મહિલાઓના સંકલ્પ કાર્યક્રમમાં પૂર્વ કેન્દ્રીય પ્રધાન મણિશંકર ઐય્યરનું નિવેદન
નવીદિલ્હી : અહીંના તાલકટોરા સ્ટેડિયમ ખાતે મહિલા કોંગ્રેસ દ્વારા મહિલા અનામત બીલ માટે 'હમારા સંકલ્પ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને અધ્યક્ષા સોનિયા ગાંધી, ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સહિત અન્ય કોંગ્રેસી નેતાઓએ સંબોધિત કર્યું હતું. કોંગ્રેસના નેતા મણિશંકર ઐય્યરે કહ્યું હતું કે, જો મહિલાઓ એક થઈ જાય તો મોદીને દિલ્હીથી ગાંધીનગર પરત મોકલી દેવા શક્ય છે.
મોદીને દરિયા સુધી પહોંચાડવા શક્ય
પૂર્વ કેન્દ્રીય પ્રધાન મણિશંકર ઐય્યરે કોંગ્રેસ મહિલા સંગઠનના સંકલ્પ કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું હતું કે, જો ચૂંટાયેલી 14 લાખ મહિલાઓ એકસાથે મળી જાય તો મોદીને દિલ્હીથી ગાંધીનગર અને ત્યાંથી દરિયા સુધી ધકેલી શકાય છે.
કોંગ્રેસમાં સંગઠનાત્મક ફેરબદલની જરૂર- રાહુલ ગાંધી

સંબોધન કરતી વેળાએ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, પુરૂષોએ તેમની માનસિકતા બદલવાની જરૂર છે. દેવીની પૂજા કરે છે પરંતુ ઘરમાં બહેનો અને દીકરીઓને સન્માન નથી આપતા. તેમણે મહિલાઓને એક થઈને તમામ સમસ્યાઓનો સામનો કરવા આહ્વાન કર્યું હતું. છાશવારે બળાત્કારની ઘટનાઓ છપાતી રહે છે. સરકારો કાયદા બનાવે છે, પરંતુ તેનાથી સ્થિતિ બદલાતી નથી.

રાહુલ ગાંધીએ કહ્યું,"કોંગ્રેસના સંગઠનમાં અનેક ફેરફારોની જરૂર છે. મહિલાઓને લાવવાની જરૂર છે. તમે લડાઈ લડો હું તમારી સાથે છું. તમારી દરેક લડાઈ લડવા તૈયાર છું. રાજીવજી, ટેલિકોમ્યુનિકેશન અને મહિલા સશક્તિકરણનું સપનું જોતા હતા, આપણે તેને પૂર્ણ કરવાનું છે. ઉલ્લેખનીય છે કે, આજે પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની 70મી જન્મજયંતિ છે.

ભાજપની પ્રતિક્રિયા

ભાજપના પ્રવક્તા શાહનવાઝ હુસૈને દિલ્હીમાં પક્ષના મુખ્યાલયે પત્રકાર પરિષદને સંબોધતી વેળાએ કહ્યું હતુંકે, કોંગ્રેસના નેતાના નિવેદનને કારણે જ આજે કોંગ્રેસ દરિયામાં તરી રહી છે. ઉલ્લેખનીય છેકે, એઆઈસીસીની બેઠક દરમિયાન મણિશંકર ઐય્યરે કહ્યું હતું કે, 21મી સદીમાં મોદી વડાપ્રધાન બની શકે તેમ નથી. તેઓ ઈચ્છે તો એ આઈસીસીનીબેઠકમાં ચા વેંચી શકે છે. આ માટે તેમને જગ્યા મળી શકે છે.
ભાજપે ખોટા સપના દેખાડ્યા-સોનિયા ગાંધી
કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ આરોપ મુક્યો હતો કે, ખોટા સપના દેખાડીને ભાજપની સરકાર સત્તા ઉપર આવી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતોકે, મહેનત કરીને કોંગ્રેસ પુનરાગમન કરી શકે છે. સોનિયા ગાંધીએ કહ્યું હતુંકે, મહિલા અનામત બિલ માટે કોંગ્રેસ કટિબદ્ધ છે અને આ માટે વર્તમાન ભાજપ સરકાર પર દબાણ લાવશે અને લાવતી રહેશે. બુધવારે સાંજે સોનિયા ગાંધીએ રાજીવ ગાંધી પુરસ્કાર એનાયત કર્યો હતો. વિખ્યાત ફિલ્મ દિગ્દર્શન મુજ્જફર અલીને આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.