તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નાગપુરઃ બીફની શંકા કરી ફરી એકને ઢોર માર, કથિત ગૌરક્ષકોની ધરપકડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નાગપુરઃ ગૌમાંસ લઈ જવાની શંકાના આધારે ફરી એક શખ્સને કથિત ગૌરક્ષકો દ્વારા ઢોર માર મારવાની ઘટના સામે આવી છે. મહારાષ્ટ્રના નાગપુરમાં ચાર લોકોએ એક વ્યક્તિ બીફ લઈને જતો હોવાના આક્ષેપ કરી ઢોર માર માર્યો છે. આ ઘટના શહેરના બારસિંગી વિસ્તારમાં ઘટી છે. માર મારવાની આ ઘટના સામે આવતાં નાગપુર પોલીસે ચાર લોકો વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે અને તેમની પૂછપરછ માટે તેઓની ધરપકડ કરવામાં આવી છે.
 
કથિત ગૌરક્ષકો દ્વારા એક શખ્સને ઢોર માર
 
- મહારાષ્ટ્રના નાગપુરમાં ગૌમાંસ લઈ જવાના આરોપમાં એક શખ્સને ઢોર માર મારવાની ઘટના ઘટી છે.
- ચોંકાવનારી વાત એ છે કે જયારે ચાર લોકો દ્વારા એક શખ્સને નિર્દયતાથી માર મારતા હતા તે સમયે આજુબાજુ ઉભેલા લોકો મોબાઈલથી વીડિયો બનાવી રહ્યાં હતા. તો કેટલાંક તમાશો જોઈ રહ્યાં હતા પરંતુ તે શખ્સની મદદે કોઈ આવ્યું ન હતુ.
- ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલાં શખ્સને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
- આ વીડિયો સોશિયલ મીડિયા પર મુકવામાં આવ્યો છે. આ વીડિયોથી માર ખાતા વ્યક્તિની ઓળખ છતી નથી થતી પરંતુ તેને ઘેરીને ઉભેલા ચાર શખ્સો લાતો અને મુક્કાથી ઢોર માર મારતાં નજરે પડે છે.
- શખ્સની પાસેથી મળી આવેલ માંસના સેમ્પલની તપાસ માટે ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યું છે.
- આરોપીઓ સ્થાનિક ધારાસભ્ય બચુ કાડુ સાથે જોડાયેલાં હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે.
 
‘ગૌમાંસ નહીં પરંતુ મટન હતું’
 
- પીડિતની પત્ની ઝરીને જણાવ્યું કે, “તેનો પતિ મટન લઈને જઈ રહ્યો હતો ત્યારે 6-7 લોકોએ બીફની શંકા રાખી તેમને પકડી લીધો. અને બર્બરતાપૂર્વક તેને માર મારવામાં આવ્યો. તેના શરીરમાંથી ઘણું લોહી નીકળી રહ્યું હતું, બેભાન થયા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આરોપીઓને કડકમાં કડક સજા મળવી જોઈએ.”
- પોલીસે જણાવ્યું કે, “ કેટલાંક શખ્સે 40 વર્ષના એક શખ્સને માર માર્યો છે. પીડિતને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે જેના નામ મારેશ્વર લક્ષ્મણ, જગદીશ ચૌધરી, અશ્વિન રાવ અને રામેશ્વર તાવડે છે.”
 
કથિત ગૌરક્ષકોની દાદાગીરી
 
- દેશમાં છેલ્લાં કેટલાંક સમયથી ગૌમાંસને લઈ જતાં હોવાની શંકાના આધારે કેટલાંક કથિત ગૌભક્તોની દાદાગીરી વધી છે.
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હાલમાં જ ગુજરાતની મુલાકાત સમયે કથિત ગૌભક્તોનો ઉલ્લેખ કરી ગૌરક્ષાના નામે લોકોની હત્યા અયોગ્ય છે તેવું નિવેદન કર્યું હતું.
- તો અમરનાથ હુમલા બાદ શિવસેનાના પ્રમુખે પણ કથિત ગૌરક્ષકોને આડે હાથ લેતાં આ લોકો આતંકીઓ વિરૂદ્ધ લડાઈમાં મોકલી દેવા જોઈએ તેવું નિવેદન કર્યું છે. 
અન્ય સમાચારો પણ છે...