બેંગલુરુઃ લગ્નનું વચન આપી 100થી વધુ મહિલાને છેતરનાર યુવક ઝડપાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બેંગલુરુઃ મેટ્રિમોનિઅલ સાઈટ્સ પરથી મહિલાઓ અંગે માહિતી મેળવી તેમની પાસેથી લગ્ન કરવાનું વચન આપી રૂપિયા લઈને 100થી વધુ મહિલાઓને છેતરનારા યુવકની બેંગલુરુ પોલીસે ધરપકડ કરી છે. 21 જૂનના રોજ મહિલાએ સાદત ખાન ઉર્ફે પ્રીતમ કુમાર સામે ચિટિંગની ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે કાર્યવાહી કરીને તેની ધરપકડ કરી છે.
 
એકદમ સરળ હતી પ્રીતમની મોડસ ઓપરેન્ડી
 
પ્રીતમની મોડસ ઓપરેન્ડી એકદમ સરળ હતી. પોલીસના કહેવા મુજબ સાદત મેટ્રિમોનિઅલ વેબસાઇટ્સ પર એકલી અને છૂટાછેડા લીધેલી મહિલાઓનો સંપર્ક કરતો હતો. મહિલા તેની જાળમાં ફસાયા બાદ લગ્ન કરવા માંગતો હોવાનું જણાવતો હતો. મહિલાઓનો વિશ્વાસ જીત્યા બાદ તે ગમે તેમ કરીને મોટી રકમ પડાવીને નાસી જતો હતો.
 
મહિલાની પ્રોફાઈલ જોઈ નક્કી કરતો પોતાનો રોલ
 
સાદત ખાન મહિલાની પ્રોફાઈલ જોઈ પોતાનો રોલ નક્કી કરતો. તે ઘણીવાર પોતાની જાતને ટેકી, બિઝનસમેન કે મલ્ટીનેશનલ કંપનીનો સીઈઓ પણ જણાવતો હતો.
 
ઈન્વેસ્ટિગેશનમાં પોલીસ રહી ગઈ દંગ
 
પોલીસે જ્યારે ઈન્વેસ્ટિગેશન શરૂ કર્યું ત્યારે દંગ રહી ગઈ હતી. સાદત સામે આરકે પુરમ, જયાનગર અને વિદ્યાનારાયણપુરમ પોલીસ સ્ટેશનમાં આવા અનેક કેસ નોંધાયેલા હતા.
 
વર્ષો પહેલા ઘરેથી કાઢી મૂકવામાં આવ્યો હતો પ્રીતમને
 
સાદતને વર્ષો પહેલા ઘરેથી કાઢી મૂકવામાં આવ્યો હતો. 2011માં તે બેંગલુરુ આવ્યો અને યથવંતપુરમાં વેલ્ડિંગ શોપમાં કામ કરવા લાગ્યો. જે બાદ તેણે વિવિધ કંપનીમાં ટેલિકોલર તરીકે કામ કર્યું. પરંતુ ત્યાં પણ મહિલાઓ સાથે ગેરવર્તન કરવાના કારણે તેને હાંકી કાઢવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
 
2007માં પ્રથમ મહિલાને બનાવી શિકાર
 
પોલીસના જણાવ્યા મુજબ સાદતે 2007થી મહિલાઓને શિકાર બનાવવાનું શરૂ કર્યું હતું. આ રીતે તે અત્યાર સુધીમાં 75-100 મહિલાઓને તેની જાળમાં ફસાવી ચૂક્યો છે. હાલ તેની સામે આઈપીસીની કલમો 341, 354, 392, 384, 420 અને 506 અંતર્ગત કેસ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
 
નોંધઃ તસવીરોનો ઉપયોગ માત્ર પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે.
અન્ય સમાચારો પણ છે...