ભૈય્યૂ મહારાજની મધ્યસ્થીથી ગડકરી-મોદી વિવાદનો અંત ?

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહારાજની ભૂમિકા ખૂબ જ મહત્વની રહી, એવો સનસનાટીભર્યો ઘટસ્ફોટ તેમના એક શિષ્યએ કર્યો
તાજેતરના મહિનાઓમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન ગડકરી અને ઔરંગાબાદના જમાઈ ભૈય્યૂ મહારાજ(ઉદયસિંહમહારાજ)ની વચ્ચે થયેલી ત્રણ મહત્વની બેઠકો અને ચર્ચા પછી કહેવાય છે કે ગડકરી-મોદી વિવાદનો અંત આવ્યો છે. મુંબઈમાં ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં (૨૪-૨૫ મે) ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હાજર રહે તે માટે જે કંઈ રાજકીય ઉપાય, સમજુતી અને ચર્ચાઓ થઈ તેમાં ભૈય્યૂ મહારાજની ભૂમિકા ખૂબ જ મહત્વની રહી, એવો સનસનાટીભર્યો ઘટસ્ફોટ તેમના એક શિષ્યએ કર્યો છે.
ભૈય્યૂ મહારાજના ઈન્દોરના આશ્રમમાં ગડકરી ખુદ ૧-૨ મેના રોજ ગયા હતા અને તેમની સાથે એકાંતમાં ચર્ચા કરી હતી. ત્યારબાદ ભૈય્યૂ મહારાજ ૧૦ મેના રોજ નાગપુર ગયા હતા. ત્યાં પણ ગડકરી સાથે તેમની ફરી ચર્ચા થઈ અને પછી ભાજપના અધ્યક્ષે તેમને નાગપુરથી એક ચાર્ટર પ્લેનમાં ૧૧ મેના રોજ ઈન્દોર રવાના કર્યા હતા. ભૈય્યૂ મહારાજ એક તરફ ગડકરી સાથે વાત કરી રહ્યા હતા, તો બીજી તરફ તેઓ સતત મોદીના સંપર્કમાં પણ હતા.
મોદી અને ગડકરી બન્ને ભૈય્યૂ મહારાજના પરમ ભક્ત છે, પરંતુ બન્ને નેતાઓ વચ્ચે છેલ્લા ૧૧ મહિનાથી વાતચીત થઈ નથી. ભૈય્યૂ મહારાજના એક ભકતે અમારા સંવાદદાતાને કહ્યું કે ‘ભૈય્યૂ મહારાજ રાષ્ટ્રહિત માટે કામ કરે છે અને આ બન્ને દિગ્ગજ નેતા નજીક આવે છે અને તેમની વચ્ચેનું અંતર ઘટી રહ્યું છે તેનાથી દેશને ફાયદો થશે, એ દ્રષ્ટિકોણથી મહારાજે મોદી-ગડકરી વિવાદ સમાપ્ત કરવાનું કામ કર્યું છે.’
રાજનીતિમાં રસ ધરાવતા ભૈય્યૂ મહારાજના ભકત અને ચાહકો તમામ રાજકીય પક્ષોમાં છે, પરંતુ ભૈય્યૂ મહારાજનું કામ સમાજ અને દેશમાં સુધારાના ક્ષેત્રે વધુ છે. તેને કારણે જ ૩૭ વર્ષીય ઉદયસિંહને ‘રાષ્ટ્રસંત’ની ઉપાધિ મળી છે. ઔરંગાબાદના નિંબાલકર પરિવારમાં તેમના વિવાહ થયા છે. મોદી સાથે ભૈય્યૂ મહારાજની સતત વાતચીત થતી રહે છે. મોદી બે મહિના પહેલાં ઈન્દોરમાં તેમના આશ્રમમાં પણ ગયા હતા.
ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં મોદીના ત્રણ દિવસીય સદભાવના ઉપવાસના પારણા ભૈય્યૂ મહારાજે જ કરાવ્યા હતા. મોદીએ ભૈય્યૂ મહારાજને ગુજરાતમાં આશ્રમ માટે ખાસ્સી જમીન આપી છે, એવી માહિતી તેમના નજીકનાં સૂત્રો દ્વારા મળી છે.
સૂત્રોએ જણાવ્યા અનુસાર મોદી-ગડકરીની વાતચીત મુંબઈની કારોબારી પહેલાં જ થઈ હતી. ત્યારપછી જ મોદી મુંબઈ ગયા અને સંજય જોશીનું રાજીનામું લેવાયા બાદ બેઠક સારી રીતે સંપન્ન થઈ. તેમાં ભૈય્યૂ મહારાજની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ રહી, તેમ ભાજપના નજીકના લોકોએ કહ્યું છે. અગાઉ દિલ્હીમાં અણ્ણા હજારેના ઉપવાસના પારણામાં પણ ભૈય્યૂ મહારાજે મહત્વની ભૂમિકા ભજવી હતી.

Related Articles:
બાબા રામદેવના પગમાં પડ્યા ગડકરી, જુઓ વીડિયો
મોદીને લઇને અમેરિકાના રાજકારણમાં બવંડર, વોલ્શ મુશ્કેલીમાં
મોદીને લઇને RSSમાં મતભેદ? હવે વાજપેયી સાથે તુલના
આસારામ, સેક્સ સ્વામી નિત્યાનંદના શિષ્ય હોવાનું મોદીને ગૌરવ: મોઢવાડિયા
મોદીને ખુલ્લો પડકારઃ કેશુભાઇએ કહ્યું 'કોઈ કાંઈ કરી લેવાનું નથી'