• Gujarati News
  • Latest News In Hindi Ram Temple Stays Out Of VHP Agenda, For Now

વીએચપીના એક વર્ષના એજન્ડામાં નથી રામ મંદિર, સરકારને રાહત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઇલ તસવીરો: જયપુરમાં રામ મંદિર, સમાન નાગરિક કાયદો અને ધારા 370 દૂર કરવાની માંગણી માટે પ્રદર્શન કરી રહેલા વીએચપી કાર્યકર્તાઓ)

નવી દિલ્હી: અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે ત્રણ દાયકાથી આંદોલન ચલાવી રહેલ વિશ્વ હિંદુ પરિષદે આગામી એક વર્ષ સુધી રામ મંદિર અંગે કોઇપણ આંદોલન નહીં કરવાનું નક્કી કર્યું છે. આ મહિને શરૂ થનાર સંગઠનના ગોલ્ડન જુબલી મહોત્સવ માટે જે કાર્યક્રમની યાદી જાહેર કરવામાં આવી છે, તેમાં રામ મંદિરનો મુદ્દો નથી.

રામ મંદિર મુદ્દે વીએચપી મહાસચિવ ચંપત રાયે જણાવ્યું કે, 'વીએચપી સંગઠનના પ્રસાર માટે માત્ર રચનાત્મક કાર્યક્રમો જ ચલાવશે. જે અંતર્ગત નવા સભ્યોને જોડવા અને હિંદુઓ વચ્ચે સંગઠન વિશે તેના 50 વર્ષની સફર વિશે જાગૃતતા ફેલાવવાના મુદ્દાઓ છે. જો અમે રામ મંદિર આંદોલનના પ્રદર્શનને પણ એજન્ડામાં લઈશું તો, તેનાથી સંગઠનના પ્રચાર કાર્યક્રમોને અસર થશે. રાય વીએચપીની એ કમિટિના સચિવ પણ છે, જેને સંગઠને આ કાર્યક્રમોને આયોજિત કરવાની જવાબદારી સોંપી છે. રાયનું કહેવું છે કે, વીએચપી માત્ર એ જ કાર્યોમાં તેનો સમય આપશે, જે આવતા વર્ષ માટે નક્કી કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમો બહુ સમજી-વિચારીને નક્કી કરવામાં આવ્યા છે.

મોદી માટે પણ રાહત:

બીજેપીએ પહેલા જ કહી દીધુ છે કે, રામ મંદિર મુદ્દે તે કાયદાને આધીન રહીને ઉકેલ લાવવા ઇચ્છે છે. જાણકારોનું માનવું છે કે, પાર્ટીના આ મતથી વડાપ્રધાનને પણ ઘણી રાહત મળી રહેશે. ગત પાંચ મે ના રોજ અયોધ્યામાં ચૂંટણી પ્રચાર દરમિયાન રામ મંદિરના મુદ્દાને ઉજાગર કરનાર નરેન્દ્ર મોદી રામ મંદિર અંગે કોઇપણ વાયદો નથી કરી રહ્યા.
શું છે આગામી એક વર્ષનો કાર્યક્રમ:

સંગઠનના કાર્યક્રમો 16 ઓગષ્ટથી મુંબઈથી શરૂ થશે. જે અંતર્ગત દરેક જિલ્લામાં હિંદુ સંમેલનો અને શહેરોમાં વિશાળ હિંદુ સંમેલનો આયોજિત કરવામાં આવશે. મુંબઈમાં હિંદૂ સંમેલન 14 ડિસેમ્બર, કોલકાતામાં 20 ડિસેમ્બર, ભોપાલમાં 21 ડિસેમ્બર, બેંગલુરૂમાં 8 ફેબ્રુવારી અને દિલ્હીમાં 22 ફેબ્રુઆરીએ આયોજીત કરવામાં આવશે. આ સિવાય સંગઠનની યુવા પાંખ બજરંગ દળનું રાષ્ટ્રીય સંમેલન ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં આયોજિત કરવામાં આવશે.

શ્રી રામ મહોત્સવ અને સંસ્કૃત સંમેલન આવતા વર્ષે માર્ચ અને એપ્રિલ દરમિયાન કરવામાં આવશે. ત્યારબાદ સંગઠન આવતા વર્ષે મે, જૂન, જુલાઇ અને ઓગષ્ટમાં વૃક્ષારોપણનું અભિયાન પણ ચલાવશે. ગોલ્ડન જુબલી મહોત્સવ વર્ષ સપ્ટેમ્બર 2015માં નાસિકમાં સાધ્વી સંમેલનના આયોજનમાં સંપન્ન કરવામાં આવશે.

ગયા વર્ષે વીએચપીએ અયોધ્યામાં ચોર્યાસી કોસી પરિક્રમાના સહારે રામ મંદિર આંદોલનને ગતિ આપી હતી. યૂપીની સપા સરકારે આ યાત્રાની મંજૂરી આપી નહતી, એટલે તેના વિરોધમાં વીએચપીએ દેશવ્યાપી આંદોલનો કર્યાં હતાં.

આગળની સ્લાઇડમાં જુઓ, યાત્રા પર પ્રતિબંધના વિરોધમાં થયેલા દેશવ્યાપી આંદોલનોની તસવીરો....