નવી દિલ્હી: તાજેતરમાં જ કેરળમાંથી લાપતા થયેલા 15 યુવક આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (આઇએસ)માં જોડાવા માટે પોતાના પરિવારોને છોડી દીધા છે અને ઘણા દિવસોથી તેઓ કોઇના પણ સંપર્કમાં નથી. તેમનામાંથી એક યુવક મોહમ્મદ મારવાને એક સંદેશો ટેલિગ્રામ એપ દ્વારા પોતાના પરિવારને મોકલ્યો છે. સંદેશામાં તેણે કહ્યું કે ‘લોકો મને આતંકી કહી શકે છે. જો અલ્લાહે બતાવેલા રસ્તા પર ચાલવું આતંકવાદ છે તો હા, હું અાતંકવાદી છું.’ મારવાનનો એવો દાવો છે કે તેણે આ સંદેશો પશ્ચિમ એશિયાની કોઇ આતંકી શિબિરમાંથી મોકલ્યો છે. આઇએસના આ શકમંદોનું ઠેકાણું ક્યાં છે તે ગુપ્તચર એન્જસીઓ પણ અત્યાર સુધી શોધી શકી નથી. કેરળના યુવકોના ઓચિંતા લાપતા થવાનું સત્ય શોધવા માટે હવે કેરળ પોલીસ આઇએસના સંપર્કની તપાસ કરશે.
આઇએસમાં જોડાવા કોઇએ ઉશ્કેરણી કે દબાણ કર્યું નથી
કુર્આનનું ઉદાહરણ આપીને મારવાને લખ્યું ખે અલ્લાહ મને જરૂર એક દિવસ પ્રશ્ન કરશે કે મુસ્લિમો પર હુમલા થઇ રહ્યા હતા તો તેણે તેમને કેમ ન બચાવ્યાω તેમનું રક્ષણ કરવાનું મારું ધાર્મિક કર્તવ્ય છે. તેણે એવી પણ સ્પષ્ટતા કરી કે કોઇની ઉશ્કેરણીથી હું આ કામ કરી રહ્યો નથી. આઇએસમાં જોડાવા માટે કોઇએ મારા પર દબાણ કર્યું નથી. ઇસ્લામને બચાવવા માટે મેં ઘર છોડ્યું છે.
ગુજરાત, કાશ્મીરના મુસ્લિમોને બચાવવા ISમાં જોડાયો
મારવાને પોતાના સંદેશમાં લખ્યું છે કે હું ગુજરાત, કાશ્મીર અને મુઝફ્ફરનગરમાં મુસ્લિમ ભાઇઓને બચાવવા માટે આઇએસના સહયોગથી જે મિશન પર નીકળ્યો છું, તેને પૂરું કરીને જ પાછો ફરીશ. મુસ્લિમો પર હુમલા થઇ રહ્યા હોય ત્યારે હું કેવી રીતે ચૂપ રહી શકું.