જેલમાંથી છૂટ્યા બાદ કન્હૈયાનું JNU કેમ્પસમાં તેજાબી ભાષણ, મોદી, સંઘ-ભાજપ પર કર્યા પ્રહાર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નેશનલ ડેસ્ક : દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)માં દેશવિરોધી નારા લગાવવા બદલ રાજદ્રોહના આરોપસર 21 દિવસના જેલવાસ બાદ 6 મહિનાના વચગાળાના જામીન પર છૂટેલા JNU સ્ટુડન્ટ્સ યુનિયનના પ્રેસિડેન્ટ કન્હૈયા કુમારે જેલમુક્તિ બાદ ગુરુવારે રાત્રે JNU કેમ્પસમાં સ્ટુડન્ટ્સને સંબોધન કર્યું હતું. કહ્યું કે, "દિવસે મોદી ભાષણ આપી રહ્યા હતા. તેઓએ રશિયાનાં નેતાનો ઉલ્લેખ કર્યો. ત્યારે મને લાગ્યું કે ટીવીમાં ઘૂસીને તેમનો સૂટ પકડીને કહુ કે હિટલર ઉપર પણ બોલો."
JNU કેમ્પસમાં 'જય ભીમ' અને 'લાલ સલામ'નાં નારા લાગ્યા
- કન્હૈયા કુમાર પરત ફર્યા બાદ JNU કેમ્પસમાં 'જય ભીમ' અને 'લાલ સલામ'નાં નારા લાગ્યા. તેણે કહ્યું કે, અમે ભારત સાથે નથી લડી રહ્યા, અમે ભારતમાં આઝાદી માંગી રહ્યા છીએ. દેશને આરએસએસ, અસમાનતા, સામંતવાદ, જાતિવાદ અને શોષણમાંથી આઝાદી જોઈએ. આ મુશ્કેલીઓથી ધ્યાન બીજી તરફ વાળવાનું કાવતરું છે. અમે મુશ્કેલીમાંથી આઝાદી માંગીએ છીએ. અમને ખોટી ટ્વિટ કરનાર સંઘનાં લોકોથી પણ આઝાદી જોઈએ. JNUને ભૂલી જવું સરળ નથી.
- પોતાનાં ભાષણમાં કન્હૈયાએ સરકારને જનવિરોધી ગણાવી. ABVP વિશે કહ્યું કે, તે નકલી ઈન્કલાબી છે, અમે અસલી.
- JNU વિશે કહ્યું કે, અહીં પટ્ટાવાળો અને રાષ્ટ્રપતિનો પુત્ર સાથે ભણી શકે છે. પરંતુ સરકાર શિક્ષણને પણ વેચવા માંગે છે.
- ઉપરાંત JNU પર થયેલા હુમલાને પ્રી-પ્લાન્ડ ગણાવ્યો. કહ્યું કે, આ દેશની સત્તાએ જ્યારે જ્યારે અત્યાચાર ગુજાર્યો છે, JNUમાંથી જ બુલંદ અવાજ આવ્યો છે.
- કોર્ટનાં કેસમાં કન્હૈયાએ કંઈ પણ કહેવાની ના પાડી દીધી છે. કહ્યું- મને દેશનાં બંધારણ પર વિશ્વાસ છે.
કન્હૈયા લખશે પોતાની કહાણી

- કન્હૈયા કુમાર પ્રમાણે તે મીડિયા ટ્રાયલનો શિકાર થયો છે. કુમારે કહ્યું કે, 'હું મારી કહાણી જાતે લખીશ. તેની શરૂઆત મેં જેલમાં જ કરી દીધી છે. હું ક્યારેય દેશ વિરુદ્ધ નથી બોલ્યો. મને વિશ્વાસ છે કે, સાચી વાત ધીમે ધીમે સામે આવશે. હું લાંબી લડત આપવા માટે તૈયાર છું.'
- કન્હૈયાને બુધવારે હાઈકોર્ટે છ મહિનાનાં વચગાળાના જામીન આપ્યા હતા. તેની 12 ફેબ્રુઆરીનાં રોજ દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી
‘મોદીજી મન કી બાત કરે તો છે પણ સાંભળતા નથી’

40 મિનિટના ભાષણમાં કન્હૈયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્ર સરકાર, ભાજપ, RSS અને ABVP પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. કન્હૈયાએ કહ્યું કે, ‘મોદીજી મન કી બાત કરે તો છે પણ સાંભળતા નથી. આજે મોદીજી સંસદમાં બોલતા હતા ત્યારે મને થયું કે હું ટીવીમાં ઘૂસી જાઉં અને મોદીજીનો સૂટ પકડીને કહું કે જરા હિટલરની વાત કરો. હિટલરને છોડો, મુસોલિનીની વાત કરો, જેમને તમારા ગુરુ ગોળવલકરજી મળવા ગયા હતા.’
કેજરીવાલે કન્હૈયાના ભાષણના વખાણ કરતું ટ્વિટ કર્યું

કન્હૈયાએ JNU કેમ્પસમાં ‘લેકે રહેંગે આઝાદી’ના નારા પણ લગાવ્યા હતા. તેણે એમ પણ જણાવ્યું હતું કે, ‘તમે અમને જેટલા દબાવશો તેટલી જ મજબૂતીથી અમે ફરી ઊભા થઇશું.’ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કન્હૈયાના ભાષણના વખાણ કરતું ટ્વિટ કર્યું હતું.
‘અત્યાચાર સામે JNUએ હંમેશા અવાજ બુલંદ કર્યો છે અને કરતી રહેશે’
કન્હૈયાએ ઉમેર્યું હતું કે, ‘અત્યાચાર સામે JNUએ હંમેશા અવાજ બુલંદ કર્યો છે અને આગળ પણ કરતી રહેશે પરંતુ JNU વિરુદ્ધ સુનિયોજિત હુમલો કરાયો. આપણે ભારતથી નહીં પણ ભારતમાં આઝાદી માગી રહ્યા છીએ. અમારે ભૂખમરાથી આઝાદી જોઇએ છે, ભ્રષ્ટાચારથી આઝાદી જોઇએ છે, ફર્જી ટ્વિટ કરનારા RSSના લોકોથી આઝાદી જોઇએ છે. જનવિરોધી સરકાર સામે બોલીશું તો સાઇબર સેલ ફેક વિડિયો મોકલશે.’
તેણે એમ પણ કહ્યું હતું કે તે JNU વિવાદ અને પોતાના જેલવાસ સહિત જીવનના અનુભવો પર પુસ્તક લખશે અને ન્યાયની લડાઇ માટે ભારતભ્રમણ કરશે.
ગામમાં ઉજવણી

- પોલીસ સૂત્રો પ્રમાણે, કન્હૈયાને ચુપચાપ JNU પહોંચાડવામાં આવ્યો. પોલીસની ત્રણ કારે તેને એસ્કોર્ટ કર્યો.
- કન્હૈયાનાં જામીનને લઈને સુરક્ષાનાં કડક વ્યવસ્થા કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે, પહેલા પણ તેને પટિયાલા હાઉસ કોર્ટમા રજૂ કર્યો તે દરમિયાન ઘણી ધક્કા મુક્કી થઈ હતી. તેને ઈજા પણ થઈ હતી.
- કન્હૈયાનાં છૂટકારા બાદ ગામમાં ઉજવણીનો માહોલ છે. તેની માતાએ કહ્યું કે, હું તેની માતા છું અને મને મારી પુત્ર પર પૂર્ણ વિશ્વાસ છે. હું પહેલેથી જ કહેતી આવી છું કે તે એન્ટી-નેશનલ નથી. તેને બધા આરોપોમાંથી મુક્ત કરી દેવો જોઈએ.
હાઈકોર્ટનાં જજે પોતાના નિર્ણયમાં શું કહ્યું...

પોતાના નિર્ણયમાં કોર્ટની જજ પ્રતિભા રાણીએ દેશ વિરુદ્ધ નારા લગાવનારા પર કહ્યું, 'એક પ્રકારનું ઈન્ફેક્શન વિદ્યાર્થીઓમાં ફેલાઈ રહ્યું છે. તેને બિમારી બનતા પહેલા રોકવું પડશે. જો એન્ટી બાયોટિકથી ઈન્ફેક્શન કંટ્રોલ ન થાય તો અન્ય પ્રકારની સારવાર શરૂ કરવી જોઈએ. ઘણી વાર ઓપરેશનની પણ જરૂર પજે છે. આશા છે કે ન્યાયીક કસ્ટડીમાં કન્હૈયાએ વિચાર્યું હશે કે, આખરે આવી ઘટના થઈ કેમ. આવી પરિસ્થિતિમાં હું પારંપરિક રીતનો ઉપયોગ કરી વચગાળાના જામીન આપી રહી છુ'
શું છે વિવાદ?

- 9 ફેબ્રુઆરીએ જેએનયુમાં કલ્ચર ઈવનિંગના નામે થયેલા કાર્યક્રમમાં દેશ વિરોધી નારેબાજી કરવામાં આવી હતી.
- ઈવેન્ટમાં સામેલ લોકોએ અફઝલ ગુરુ અને કાશ્મીર આઝાદના સમર્થનમાં નારેબાજી કરી હતી.
- એક દિવસ પછી વીડિયો સામે આવ્યો હતો અને ત્યારે પોલીસે તપાસ શરૂ કરી હતી.
- સ્ટુડન્ટ યુનિયન લીડર કન્હૈયાની ધરપકડ કરવામાં આવી છે.
- જ્યારે ખાલીદ અને અનિર્બાને સરન્ડર કરી દીધું છે.
- ખાલિદ- અનિર્બાન પોલીસ રિમાન્ડ પર છે, કન્હૈયા તિહાડ જેલમાં છે.