• Gujarati News
  • Kanhaiya Said Afzal Guru Is Not My Icon, Rohith Vemula Is

જેલમાંથી છુટ્યાં પચી કન્હૈયાએ મીડિયા સાથે કરી વાત: કહ્યું, અફઝલ પણ દેશનો નાગરિક

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- જેએનયુમાં પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું: હું નેતા નથી, મુખ્ય પ્રવાહના રાજકારણમાં જવાની ઇચ્છા નથી, મારો આદર્શ અફઝલ નહીં રોહિત વેમુલા છે

નવી દિલ્હી: દેશદ્રોહના આરોપમાં 20 દિવસ તિહાર જેલમાં બંધ રહ્યા બાદ વચગાળાના જામીન પર મુક્ત થયેલા જેએનયુ વિદ્યાર્થી સંઘના નેતા કન્હૈયાકુમારે કહ્યું છે કે અફઝલ ગુરુ નહીં પણ રોહિત વેમુલા મારો આદર્શ છે. તેણે આમ પણ કહ્યું હતું કે તે એક વિદ્યાર્થી છે, નેતા નહીં. મારી ન તો મુખ્ય પ્રવાહના રાજકારણમાં જવાની ઇચ્છા છે કે ન તો ચૂંટણી લડવાની. જોકે, ડાબેરી પક્ષો મોદી સરકાર વિરુદ્ધ રાજકીય ચહેરા તરીકે સામે આવેલા કન્હૈયાનો ઉપયોગ પશ્ચિમ બંગાળ સહિત અન્ય રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીમાં કરવા માગે છે. સીપીએમ નેતા સીતારામ યેચૂરીએ આ જાહેરાત કરી હતી. કન્હૈયાએ પ્રેસ કોન્ફરન્સમાં ઘણા મુદ્દે વાત કરી હતી.

સવાલ: જેએનયુના વિદ્યાર્થીઓ પર દેશદ્રોહી હોવાનો આરોપ લાગે છે, તમારે શું કહેવું છે
કન્હૈયા: હું દેશવાસીઓને કહેવા માગું છું કે તમે જે ટેક્સ આપો છો તેનાથી જ અમે અહીં ભણીએ છીએ. અમે તમને વિશ્વાસ અપાવવા માગીએ છીએ કે જેએનયુ કે તેનો કોઇ પણ વિદ્યાર્થી દેશદ્રોહી ના હોઇ શકે. કેટલાંક કાળાં વાદળ જરૂર છે, પણ તે જ્યારે હટશે ત્યારે જોરદાર વરસાદ થશે.

સવાલ: હાઈકોર્ટે તમને ચેતવણી આપી છે. શું તમે તેને માનવા તૈયાર છો
કન્હૈયા: વારંવાર કહી રહ્યો છું કે ન્યાય પ્રક્રિયામાં પૂર્ણ વિશ્વાસ છે. જે નિર્દેશો અપાયા છે તે મારા જીવવાની રીત છે. આ મારું સ્વપ્ન છે. કોઇ તો જણાવે કે જે વ્યક્તિ કોઇ દેશમાં રહેતી હોય તે, તે દેશનો વિરોધ કઇ રીતે કરી શકે.

સવાલ: અફઝલ ગુરુને ફાંસી થઇ, તેને પોસ્ટરોમાં ‘જ્યુડિશિયલ કિલિંગ’ કહેવાયું હતું. તમે શું વિચારો છો
કન્હૈયા: હું કન્હૈયા વ્યક્તિ તરીકે એક સ્થાને છું, જેએનયુ પ્રેસિડેન્ટ તરીકે અલગ છું. અફઝલ ગુરુ ભારતના બંધારણના હિસાબે એક નાગરિક હતો. અખંડ ભારતનો નાગરિક હતો. કાયદાએ તેને સજા આપી હતી તે મારા માટે આદર્શ નહોતો. મારા માટે રોહિત વેમુલા આદર્શ છે. મારું સૂત્ર છે ‘દરેક ઘરમાંથી રોહિત નીકળશે’.

સવાલ: તમારો પ્લાન ઓફ એક્શન શું છે
કન્હૈયા: હું વિદ્યાર્થી છું, મારું કામ ભણવાનું છે. મારી જેમ બધા ભણી શકે તે માટે જંગ લડવાનો છે. તે માટે કોઇ એક્શન પ્લાન નથી બનાવવો. સરકાર ફેલોશિપ બંધ કરશે, રોહિત જેવા છોકરાની હત્યા કરશે તો, જંગ લડવા ઊભા થઇ જઇશું. એક અન્ય સવાલના જવાબમાં કહ્યું, હું નેતા નથી. આગળ જઇને ટીચર બનવું છે. સવાલોના જવાબ તો આપવા જ પડશે.

સવાલ: કાશ્મીર મુદ્દે તમારા શું વિચાર છે
કન્હૈયા: અમે કાશ્મીરને અખંડ ભારતનો ભાગ માનીએ છીએ. પણ અમે પેટન્ટબાજીની વિરુદ્ધ છીયે. દેશભક્ત હોવું કોઇ એક પક્ષનો એકાધિકાર નથી. દેશની સરકાર એક પાર્ટીની સરકાર બની ગઇ છે. એક ઓફિસની સરકાર બની ગઇ છે. તેમને યાદ અપાવવાની છે કે તમે દેશના પીએમ છો, શિક્ષણ પ્રધાન છો. મારા તેમની સાથે મતભેદ છે. મનભેદ નહીં.

સવાલ: જેએનયુમાં 9 ફેબ્રુઆરીએ જે થયું, તેના વિશે શું કહેવું છે
કન્હૈયા: દેશની ન્યાયપ્રક્રિયામાં વિશ્વાસ છે. 9 ફેબ્રુઆરીએ જે થયું તે નિંદાજનક છે, દેશદ્રોહ છે કે નહીં તે કોર્ટ નક્કી કરશે. બંધારણ વીડિયો નથી, જેને બદલી નાખશો. અંગ્રેજો સિડેશન કાયદો ઘડ્યો હતો. ભગત સિંહે કહ્યું હતું ગોરા જતા રહેશે, કાળા રૂલ કરશે. તેઓ બંધારણના પક્ષમાં ઊભા રહેવા સામે સિડેશનનો ઉપયોગ કરે છે.તેને સમાપ્ત કરવું જોઇએ.
જેલમાંથી છૂટ્યાં પછી ગુરુવારે રાત્રે કન્હૈયાએ જેએનયુમાં જે ભાષણ કર્યું હતું તે જાણવા કરો આગળની સ્લાઈડ ક્લિક