મનમોહનસિંઘને જાહેર ચર્ચાનો પડકાર ફેંકતાં કેજરીવાલ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- દિગ્વિજય સસ્તી લોકપ્રિયતા મેળવવાના પ્રયાસ કરતા હોવાનો કેજીરવાલનો આક્ષેપ - કોંગ્રેસના હરિશ રાવતે કેજરીવાલની તમામ માગણીઓ ધડ-માથા વગરની ગણાવી

ઈન્ડિયા અગેન્સ્ટ કરપ્શન(આઈએસી)ના અરવિંદ કેજરીવાલે મનમોહનસિંઘ, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને જાહેર ચર્ચાનો પડકાર ફેંકયો છે અને કહ્યું છે કે દિગ્વિજય કોઈપણ એક નેતાને પસંદ કરી લે, સમય અને સ્થળ પણ તેઓ જ નક્કી કરી લે.

કોંગ્રેસના મહામંત્રી દિગ્વિજયે શનિવારે પૂછેલા સવાલો અંગે કેજરીવાલ રવિવારે મીડિયા સાથે વાતચીત કરી રહ્યા હતા. દિગિ્વજયે તેમને ૨૭ પ્રશ્નો પૂછ્યા હતા. પરંતુ કેજરીવાલે તે પૈકી કોઈપણ પ્રશ્નનો જવાબ આપવાનો ઈનકાર કરી દીધો અને કહ્યું કે મનમોહન, સોનિયા કે રાહુલ જો તેમના સવાલોના જવાબ આપે તો તેઓ દરેક પ્રશ્નનો જવાબ આપશે. કેજરીવાલે કહ્યું કે જો દિગ્વિજય આમ ન કરી શકે તો સમજી લેવું કે તેઓ સસ્તી લોકપ્રિયતા મેળવવાના પ્રયાસ કરી રહ્યા છે. દરમિયાન કોંગ્રેસના નેતા હરશિ રાવતે કેજરીવાલની માગણીને ધડ-માથા વગરની ગણાવી છે.

- હરિયાણાના મુખ્યમંત્રી હુડાનાં ઘરે દેખાવો, લાઠીચાર્જ

આઈએસીના કાર્યકરોએ રવિવારે હરિયાણાના મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડાના ઘરે વિરોધ પ્રદર્શન કર્યું. તેમને અટકાવવા માટે પોલીસે વોટર કેનનનો પ્રયોગ કર્યો. ત્યારબાદ લાઠીચાર્જ કર્યો હતો. આ દરમિયાન એક પોલીસ સહિત ત્રણ ઘાયલ થયા છે. જોકે આઈએસીએ કહ્યું છે કે તેના ડઝનેક કાર્યકરો ઘાયલ થયા છે. હરિયાણામાં થયેલા જમીન કૌભાંડના વિરોધમાં તેમણે આ દેખાવો યોજયા હતા.

- કેજરીવાલને ફરુgખાબાદમાં ભારતીય કિસાન સંઘ સુરક્ષા પૂરી પાડશે

ભારતીય કિસાન સંઘે કેજરીવાલને તેમની ફર્રુખાબાદ યાત્રા દરમિયાન સુરક્ષા પૂરી પાડવાની જાહેરાત કરી છે. સંગઠનના મહામંત્રી લક્ષ્મીશંકર જોષીએ કહ્યું કે સલમાન ખુરશીદનું નિવેદન અત્યંત વાંધાજનક છે. તેમણે કહ્યું કે પહેલી નવેમ્બરે કેજરીવાલ ફર્રુખાબાદ જશે તો તેમની સાથે લાઠીધારી ખેડૂતોની ટુકડી રહેશે. અગાઉ કેન્દ્રીય પ્રધાન સલમાન ખુરશીદે કહ્યું હતું કે કેજરીવાલ ફર્રુખાબાદ જાય તો ભલે જાય, પણ ત્યાંથી પાછા આવીને પણ બતાવે. તેમની આ ધમકીના ઉગ્ર પડઘા પડ્યા હતા.

- વિવાદને પગલે ખુરશીદે હજયાત્રા રદ કરી

કાયદા મંત્રી સલમાન ખુરશીદે તેમની હજયાત્રા રદ કરી દીધી છે. ખુરશીદના નિકટના સાથીએ રવિવારે આ માહિતી આપી છે. એવું મનાઈ રહ્યું છેકે ખુરશીદે તેમના ટ્રસ્ટ પર ભ્રષ્ટાચારના આરોપોને કારણે હજયાત્રા રદ કરી છે. જોકે મંત્રીમંડળમાં સંભવિત ફેરફારને પણ યાત્રા રદ કરવાનું એક કારણ માનવામાં આવી રહ્યું છે.