મારા કામના આધારે મારું આકલન કરો : સ્મૃતિ ઇરાની

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- મારા કામના આધારે મારું આકલન કરો : સ્મૃતિ ઇરાની
- શૈક્ષણિક લાયકાતના વિવાદ અંગે પ્રથમ વાર પ્રતિક્રિયા, કહ્યું - પક્ષે તેમને તેમની ક્ષમતાઓ જોઇને પસંદ કર્યાં છે

માનવ સંસાધન વિકાસપ્રધાન સ્મૃતિ ઇરાનીએ તેમની શૈક્ષણિક લાયકાત અંગે ચાલી રહેલા વિવાદ વિશે ગુરુવારે મૌન તોડયું છે. તેમણે કહ્યું કે તેમના કામથી તેમનું આકલન કરવું જોઇએ. કોંગ્રેસના નેતાઓએ સ્મૃતિ ઇરાની સામે પ્રશ્ન ઉઠાવીને જણાવ્યું હતું કે દેશના શિક્ષણપ્રધાન ગ્રેજ્યુએટ પણ નથી. એના વિશે ૩૮ વર્ષીય સ્મૃતિએ કહ્યું, 'મારું કામથી ધ્યાન હટી જાય તેના માટે આવી બિનજરૂરી પરિસ્થિતિ ઊભી કરવામાં આવી છે પરંતુ મારા સંગઠને જવાબદારી પૂરી કરવાની મારી ક્ષમતાને ધ્યાનમાં રાખીને જ મારું આકલન કર્યું છે.

હું પણ બધાને વિનમ્રતાથી કહેવા માગું છું કે મારા કામથી મારું આકલન કરો. એનાથી વધુ કશું જ કહેવા માગતી નથી.’ જો કે સ્મૃતિ ઇરાનીએ ૨૦૦૪ અને ૨૦૧૪માં આપવામાં આવેલા તેમના સોગંદનામામાં વિરોધાભાસ હોવા અંગે કોઇ ટિપ્પણી કરી નથી. દરમિયાન, જમ્મુ અને કાશ્મીરના મુખ્યપ્રધાન ઉમર અબ્દુલ્લાહે ફરી સ્મૃતિ ઇરાનીનો બચાવ કર્યો છે. તેમણે જણાવ્યું કે 'કોઇ વ્યક્તિ યોગ્ય છે કે નહીં, હું તેના વિશે કશું જ કહેવા માગતો નથી. વડાપ્રધાને તેમને પ્રધાન બનાવ્યાં છે. અમને આશા છે કે તેઓ જનતાની સેવામાં શ્રેષ્ઠ રીતે પોતાનું કામ કરશે.’