મુંબઈઃ કિંમતી પથ્થર ખરીદનારના સપનાં પૂરાં ન થતા જવેલરી શોપને લાખો રૂપિયાનો દંડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ લકી કિંમતી પથ્થર વેચતા એક જ્વેલરી સ્ટોર્સને 88 વર્ષના એક વડીલને આ સ્ટોન વેચવાનું ભારે પડ્યું છે. કારણ કે મુંબઈ સ્થિત એક જવેલરી શોપ દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ કિંમતી પથ્થર એક માણસનું નસીબ બદલાવવામાં સફળ ન રહેતાં તેને કન્ઝુયમર કોર્ટમાં અરજી કરી હતી. ત્યારે કોર્ટે દુકાનદારને અરજકર્તાને 3.2 લાખ રૂપિયા આપવાના આદેશ કર્યા છે.
 
જવેલરી સ્ટોર્સની ભ્રામક જાહેરાત
 
- ભોગ બનનાર કવાડુ ખંડાલેની ઈચ્છા પૈસાદાર બનવાની હતી. આ ઈચ્છા ત્યારે બળવતર બની જ્યારે તેમણે 2013માં જયોતિષ શાસ્ત્ર મુજબના કિંમતી પથ્થરો વેચતા સ્વર્ણ સ્પર્શ દુકાનની જાહેરાત વાંચી હતી.
- આ જાહેરાતમાં દુકાનના માલિક દ્વારા દાવો કરાયો હતો કે તેમની પાસેથી ખરીદવામાં આવેલા કિંમત પથ્થરોને ધારણ કરવાથી કોઈપણના નસીબ બદલી શકે છે. આટલું જ નહીં દુકાનદાર દ્વારા મની બેક ગેરંટી પણ આપવામાં આવી હતી.
- 11 ફેબ્રુઆરી, 2013નાં મુંબઈના પ્રભાદેવી વિસ્તારમાં રહેતા કવાડુ ખંડાલે પૂર્વ દાદરની બ્રાંચ પર ગયા હતા અને ત્યાંથી તેઓએ નિલમનો કિંમતી નંગ ખરીદ્યો હતો.
- જે બાદ નિલમ ખરીદનાર ખંડાલેને જ્વેલરી શોપમાંથી કુમારી પ્રાચી અને શશિકાંત પંડયા નામના બે જયોતિષશાસ્ત્રીના ફોન આવ્યા હતા અને નિલમ તેમના માટે લકી નથી તેવું કહેવામાં આવ્યું હતું.
- જયોતિષ આચાર્યની વાત માનીને ખંડાલેએ 2.9 લાખની કિંમતે પોખરાજ અને માણેકની ખરીદી કરી હતી.
 
3 માસમાં કરોડપતિ
 
- જયોતિષીઓએ ખંડાલેને વચન આપ્યું હતું કે જો તે 3 માસમાં કરોડપતિ નહીં બને તો તેને તેના પૈસા પરત આપવામાં આવશે.
- જયોતિષીઓની વાત માની ખંડાલે નાણાનો વરસાદ થશે તેની રાહ જોવા લાગ્યા હતા પરંતુ તેવું કંઈ જ ન થયું. જે બાદ તેઓ ફરી દુકાન પર ગયા અને પોતાના પૈસાની માગ કરી હતી.
- દુકાનના સ્ટાફે તેમને આપેલાં વચનથી ફરી ગયા હતા અને પૈસા પરત આપવાની મનાઈ કરી દીધી હતી.
- ખંડાલેને છેતરાયાં હોવાનો અહેસાસ થતાં તેને 2014ના મે માસમાં કન્ઝ્યૂમર કોર્ટમાં અપીલ કરી હતી.
- કોર્ટે સ્વર્ણ સ્પર્શ સ્ટોર્સની માલિકી ધરાવનાર જેમ્સ એન્ડ જ્વેલરી પ્રાઈવેટ લિમિટેડને નોટિસ ફટકારી હતી, ત્યારે કંપનીએ નોટિસનો જવાબ આપતાં પોતાના પર થયેલા તમામ આક્ષેપોને ફગાવ્યાં હતા.
 
‘ કિંમતી પથ્થરોને ખરીદીની 30 દિવસમાં જ પરત કરવા જોઈએ’
 
- કંપની દ્વારા નોટિસના જવાબમાં કહેવામાં આવ્યું કે, “ ખંડાલેએ નિલમની ખરીદી યોગ્ય સલાહ બાદ જ કરી હતી તેના પર કોઈ દ્વારા ફોર્સ કે સખ્તી કરવામાં આવી ન હતી. 30 દિવસની અંદર જ તેઓએ ફરિયાદ કરી હતી કે આ નિલમ તેને માફક નથી આવતો અને તેના બદલામાં તેઓએ દુકાનમાંથી માણેક અને પોખરાજની ખરીદી કરી હતી.”
 - વધુમાં કંપનીએ પોતાનો બચાવો કરતાં કહ્યું કે, “ નિયમ અને શરત મુજબ તેઓએ ખરીદેલાં કિંમતી પથ્થરોને ખરીદીની 30 દિવસની અંદર જ પરત કરવા જોઈએ પરંતુ તેઓ તેમ કરવામાં નિષ્ફળ રહ્યાં હતા.”
 
શું છે કન્ઝ્યૂમર કોર્ટનો ફેંસલો?
 
- દક્ષિણ મુંબઈ જિલ્લા ગ્રાહક ફરિયાદ નિવારણ ફોરમે ખંડાલેના પક્ષમાં ફેંસલો સંભળાવતા કહ્યું હતું કે, “ અરજકર્તાને દુકાનદાર દ્વારા તેવો વાયદો કરાયો હતો કે તેમના દ્વારા ખરીદવામાં આવેલો કિંમતી પથ્થર ઘણો જ ભાગ્યશાળી અને 30 દિવસમાં તેઓ કરોડપતિ બની જશે. પરંતુ વાયદા મુજબ એવું કંઈ જ ન થયું. ત્યારે અમે તે નિષ્કર્ષ પર પહોંચ્યા છીએ કે ફરિયાદી ઘણી જ વૃદ્ધ વ્યક્તિ છે અને તેમને પોતાના પૈસા પરત મેળવવા માટે અનેક પ્રયાસ કર્યા છે અને તમામ પથ્થરોને તેઓએ પરત દુકાનદારને પરત આપવાની પણ તૈયારી દાખવી છે.”
- સાથે જ કોર્ટે કંપનીને આદેશ કરતાં ખંડાલેના પૈસા 9 ટકા વ્યાજ સાથે (પૈસા ભર્યા ત્યારની તારીખથી) તેમજ 25,000 રૂપિયા નુકસાની પેટે અને 5,000 રૂપિયા કોર્ટમાં ફરિયાદ કરવી તેના ખર્ચ પેટે ચૂકવવાના આદેશ કર્યા છે.

કંપનીની દલીલ
 
- જવેલરી સ્ટોનના અધિકારી સંદિપ ઉત્વલ કોર્ટના ફેંસલા અંગે જણાવ્યું કે, “ અમારી પોલિસી એવી છે કે જો ગ્રાહકને સ્ટોન માફક ન આવે તો તે 30 દિવસની અંદર પરત કરી શકે છે. પરંતુ અમને આ અંગેની ફરિયાદ દોઢ વર્ષ બાદ મળી. અમે કન્ઝ્યુમર કોર્ટના આદેશને આગળ પડકારીશું.”
- જેમ્સ એન્ડ જવેલરી પ્રાઈવેટ લિમિટેડની 40 બ્રાંચ છે. કન્ઝુયમર કોર્ટે કંપનીને કુલ 3.2 લાખ રૂપિયા ફરિયાદકર્તાને ચૂકવવાના આદેશ આપ્યાં છે. 
અન્ય સમાચારો પણ છે...