પુડ્ડુચેરીઃ બ્લૂ વ્હેલ ગેમ રમતી વખતે સુસાઇડ સ્ટેજ સુધી પહોંચી ગયેલા પરંતુ બચાવી લેવાયેલા પુડ્ડુચેરીના 22 વર્ષીય યુવકે કહ્યું કે, 'તે દુઃખદ અનુભવ હતો. ડેથ ટ્રેપનો તમે ઉકેલ લાવી દો તો પણ તેમાંથી બહાર નીકળી શકાય તેમ નહોતું.' એલેકઝેન્ડરે યુવાઓને આ ગેમ ન રમવા અપીલ કરી હતી.
મીડિયા સમક્ષ વર્ણવી દાસ્તાન
કરાઇકલ જિલ્લાના નેરાવીના રહેવાસી એલેકઝેન્ડરને મંગળવારે પોલીસે બચાવી લીધો હતો. આજે તેણે મીડિયાને જણાવ્યું કે, આ ગેમ સાથે સંકળાયેલા ખતરા અંગે અને અન્ય લોકોને નહીં રમવાની સલાહ આપવાનો વિકલ્પ પસંદ કર્યો છે.
આ રીતે જાળમાં ફસાવાની થઈ શરૂઆત
એલેકઝેન્ડરે ખુલાસો કર્યો કે, તેના સાથીઓએ એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું. જેના પર બે સપ્તાહ પહેલા આ ગેમ રમવાની લિંક મળી અને જ્યારે ઓફિસમાંથી રજા મળી ત્યારે નેરાવી આવ્યો અને આ ગેમ રમવાનું શરૂ કરી. ગેમ રમવાનું શરૂ કર્યા બાદ હું ડ્યૂટી પર ચેન્નઈ પરત ગયો નહોતો.
ટાસ્ક રાતે 2 વાગ્યા પછી જ કરવાની હોય છે પૂરો
તેણે કહ્યું, આ એપ કે ગેમને ડાઉનલોડ ન કરવી જોઈએ. આ એક એવી લિંક છે જેને બ્લૂ વ્હેલ એડમિન ગેમ રમનારા લોકોની પસંદગી મુજબ બનાવે છે. એડમિન જે ટાસ્ક આપે છે તેને દરરોજ રાતે બે વાગ્યા બાદ જ પૂરો કરવાનો હોય છે.
મધરાતે કબ્રસ્તાનમાં જઇ સેલ્ફી પાડી ઓનલાઇન પોસ્ટ કરવા કહ્યું
બ્લૂ વ્હેલના એડમિને પહેલા તેને થોડા દિવસો સુધી તેને અંગત માહિતી અને ફોટો પોસ્ટ કરવાનું કહ્યું. બાદમાં થોડા દિવસો બાદ એલેકઝેન્ડરને મધરાતે તેના ઘરની નજીકમાં આવેલા કબ્રસ્તાનમાં જઈને સેલ્ફી પાડી તેને ઓનલાઇન પોસ્ટ કરવાનું કહ્યું.
ડર દૂર કરવા હોરર ફિલ્મો જોવાનું કહેવામાં આવતું
જે મુજબ મેં મધરાતે અક્કારાઈવામ કબ્રસ્તાનમાં સેલ્ફી લીધી અને તેને પોસ્ટ કરી. મનમાંથી ડર દૂર થઈ શકે તે માટે મને દરરોજ એકલામાં હોરર ફિલ્મો જોવાનું કહેવામાં આવતું હતું.
ગેમ અધવચ્ચે છોડવા ઇચ્છતો હતો પરંતુ....
એલેકઝેન્ડરે કહ્યું કે, હું ઘરના લોકો સાથે વાત કરવાનું ટાળવા લાગ્યો અને મારા રૂમમાં જ રહેવા લાગ્યો. મારા દિમાગમાં સતત તેના જ વિચારો આવતા હતા. હું આ ગેમ રમવાનું બંધ કરવા ઈચ્છતો હતો પરંતુ તેમ ન કરી શક્યો.
ભાઈના ધ્યાનમાં આવ્યો ફેરફાર અને બચી ગયો યુવક
એલેકઝેન્ડરના ભાઈ અજીતનું ધ્યાન તેના વર્તનમાં આવેલા ફેરફાર પર ગયું. તેણે પોલીસને આ અંગે માહિતગાર કર્યા. પોલીસ એલેકઝેન્ડરના ઘરે મંગળવારે સવારે ચાર વાગે પહોંચી અને તેને સમયસર બચાવી લીધો. પોલીસ જ્યારે પહોંચી તે સમયે એલેકઝેન્ડર તેના હાથ પર ચપ્પુથી બ્લૂ વ્હેલની ઇમેજ બનાવવાની તૈયારી કરતો હતો.
યુવાઓને ગેમથી દૂર રહેવા કરી અપીલ
એલેકઝેન્ડરે જણાવ્યું કે, કાઉન્સેલિંગ કરવામાં આવ્યા બાદ હું ઠીક છું. હું યુવાઓને અપીલ કરું છું કે તેઓ ક્યારેય ગેમ રમવાની કોશિશ ન કરે. આ એક મોતની જાળ છે.
આગળ વાંચો, ગત સપ્તાહે ગૂગલ ટ્રેન્ડમાં બ્લૂ વ્હેલ સર્ચ કરવામાં ભારતનું ક્યું શહેર ટોપ રહ્યું?