IAS પરીક્ષા ગુજરાતી સહિત અન્ય ભાષામાં આપી શકાશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- યુપીએસસીની પરીક્ષા પેટર્નમાં કોઈ ફેરફાર નહીં કરવાનો સરકારનો નિર્ણય

સંસદમાં ચોમેરથી કરવામાં આવેલા દબાણ સામે ઝૂકીને સરકારે સિવિલ સર્વિસીસ એકઝામમાં ભારતીય ભાષાઓનું મહત્વ ઘટાડતા અને અંગ્રેજીને વધુ મહત્વ આપનારા તાજેતરમાં જારી કરવામાં આવેલા યુપીએસસીના વિવાદાસ્પદ જાહેરનામાનો અમલ શુક્રવારે મોકૂફ રાખવામાં આવ્યો છે. સિવિલ સર્વિસીસ એકઝામની પેટર્ન અત્યારે બદલાશે નહીં અને જુની પદ્ધતિ યથાવત રહેશે. આને કારણે આઈએએસ અને આઈપીએસ જેવી પરીક્ષાઓ ગુજરાતીમાં આપી શકાશે.

વિવાદાસ્પદ જાહેરનામા અંગે લોકસભામાં સાંસદોએ વારંવાર ભારે હોબાળો કર્યો હતો અને ગૃહની બેઠક ત્રણ વાર મોકૂફ રાખવી પડી હતી. કેટલાક સભ્યોએ તો ગેરબંધારણીય સર્ક્યુલર જારી કરવા માટે જવાબદાર અધિકારીઓને સજા કરવાની પણ માગણી કરી હતી. યુપીએસસીના નવા નિયમો સામે ભારે વિરોધ કરવામાં આવ્યા પછી સરકારને પીછેહઠ કરવી પડી છે.

લોકસભામાં રાજ્યકક્ષાના કર્મચારી મંત્રાલયના પ્રધાન વી. નારાયણસામીએ ગત પાંચમી માર્ચે જારી કરાયેલા વિવાદાસ્પદ જાહેરનામાનો અમલ મોકૂફ રાખવાની જાહેરાત કરી છે અને જણાવ્યું કે, સરકારે સાંસદોની ભાવનાઓ અંગે વિચાર કર્યો છે. સરકાર આ મુદ્દા અંગે યુપીએસસીની એક બેઠક યોજશે ત્યાં સુધી જાહેરનામાનો અમલ મોકૂફ રહેશે.

- જાહેરનામામાં વિવાદાસ્પદ શું?

યુપીએસસની પરીક્ષાની નવી પદ્ધતિમાં મુખ્ય પરીક્ષામાં અંગ્રેજીને વધુ મહત્વ આપવામાં આવ્યું હતું. અંગ્રેજીના ૧૦૦ માર્ક્સના પેપરનો પ્રસ્તાવ હતો. સાથે જ મુખ્ય પરીક્ષામાં પ્રાદેશિક ભાષાઓના પેપર ખતમ કરવાનો પણ પ્રસ્તાવ હતો. પહેલા અંગ્રેજીની પરીક્ષા માત્ર પાસ કરવાની હતી અને તેના માર્ક્સ જોડવામાં આવતા ન હતા.

- વિરોધમાં કેવા-કેવા સૂત્રોચ્ચારો થયાં

- ‘અંગ્રેજી મે કામ ન હોગા, ફિર સે દેશ ગુલામ ન હોગા.’
- ‘અંગ્રેજી હટાવો દેશ બચાવો.’
- ‘યુપીએસસી કા ગલત નિર્ણય વાપસ લો, વાપસ લો.’