• Gujarati News
  • Hyd Blasts: NIA Granted 4 Days' Custody Of Two IM Operatives

હૈદરાબાદ બ્લાસ્ટઃ IMના બે આતંકીઓની ચાર દિવસની કસ્ટડી NIAને સોંપાઈ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- મકબુલ અને ઈમરાનની પૂછપરછમાં બ્લાસ્ટની કેટલિક મહત્ત્વની કડીઓ મળી હોવાનો NIAનો દાવો

નવી દિલ્હીઃ દિલ્હીની કોર્ટે હૈદરાબાદ બ્લાસ્ટ કેસમાં ઈન્ડિયન મુજાહિદ્દીનના બે આતંકીઓની ચાર દિવસની કસ્ટડી એનઆઈએને સોંપવા મંજૂરી આપી હતી. કોર્ટે આ કથીત આતંકીઓની વધુ પૂછપરછ માટે એનઆઈએની કસ્ટડીનો આદેશ આપ્યો હતો.

ઈન ચેમ્બર સુનાવણીમાં ડીસ્ટ્રીક્ટ જજ આઈ એસ મહેતાએ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ની અરજીને ગાહ્ય રાખતાં આઈએમના બે શકમંદો પૈકી સઈદ મકબુલ અને ઈમરાન ખાનની વધુ પૂછપરછ માટે કસ્ટડી સોંપી હતી. આ બન્ને સંદિગ્ધોની બેંગ્લુરુ સેન્ટ્રલ જેલમાંથી લવાયેલા આરોપી ઓબૈદ-ઉર-રહેમાન સાથે પૂછપરછ કરવામાં આવશે. રહેમાન પણ 20 માર્ચ સુધી એનઆઈએની કસ્ટડીમાં છે અને તેની પૂછપરછ થઈ રહી છે.

કોર્ટના પ્રોડક્શન વૉરન્ટના આધારે મકબુલ અને ઈમરાનને તિહાર જેલમાંથી અહીં લાવવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ રહેમાન, મકબુલ અને ઈમરાનની વ્યક્તિગત પૂછપરછમાં વિરોધાભાસી નિવેદનો જણાતા એનઆઈએ દ્વાર વધુ પૂછપરછ માટે કોર્ટ સમક્ષ માંગ કરાઈ હતી. જેને કોર્ટે માન્ય રાખતાં ચાર દિવસની કસ્ટડીની મંજૂરી આપી હતી.

હૈદરાબાદમાં દિલસુખનગર ખાતે ગત મહિને થયેલા ટ્વિન બ્લાસ્ટમાં 17 લોકોના મોત થયા હતા અને સંખ્યાબંધ લોકો ઘાયલ થયા હતાં. જેને પગલે અગાઉ કોર્ટે મકબુલ અને ઈમરાનની પાંચ દિવસની કસ્ટડી સોંપી હતી. બન્નેને હૈદરાબાદ પૂછપરછ માટે લઈ જવાયા હતાં. બોમ્બ બ્લાસ્ટના કેસમાં તમામ હકિકતો જાણવા માટે 13 માર્ચના રહેમાનની કસ્ટડી એનઆઈએને સોંપવામાં આવી હતી.

સૂત્રોના મતે રહેમાન ઈન્ડિયન મુજાહિદ્દીનનો મુખ્ય આતંકી હોવાથી તેની પાસેથી કેટલીક આ કેસમાં કોણ કોણ સામેલ હતું તે ઉપરાંતની અન્ય મહત્ત્વની વિગતો પ્રાપ્ત થઈ શકે તેમ છે. એનઆઈએએ કોર્ટને જણાવ્યું હતું કે મકબુલ અને ઈમરાનની પૂછપરછમાં બ્લાસ્ટ સંબંધિત કેટલીક મહત્ત્વની કડીઓ મળી છે.