ભગવાન જગન્નાથના રથનું પૈડું રૂપિયા 50 હજારમાં મળી શકશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જગન્નાથના રથના વિવિધ ભાગોની હરાજીનો મંદિર દ્વારા નિર્ણય લેવાયો
ભૂવનેશ્વર: ઓડિશાના પુરીમાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ જગન્નાથ મંદિરમાં દર વર્ષે યોજાતી રથયાત્રાના ભગવાન જગન્નાથના લાકડાના રથનાં પૈડાં હવે રૂપિયા 50 હજારમાં શ્રદ્ધાળુઓ ખરીદી શકશે. ઓડિશા સરકારે રથનાં પૈડાં સહિતની અન્ય ચીજોની હરાજી કરવાનો નિર્ણય લીધો છે. શ્રી જગન્નાથ ટેમ્પલ એડમિનિસ્ટ્રેશને જણાવ્યા અનુસાર લાકડાના રથનાં પૈડાંની કિંમત રૂ. 50,000 રાખવામાં આવી છે જ્યારે પ્રવા(રથ પરનું સુશોભન)ની કિંમત રૂ. 25000 રાખવામાં આવી છે.
આ ઉપરાંત ગુજા(પૈડાંના બેઝ અને રથને જોડતી લાકડાની પ્લેટ)ની કિંમત રૂ. 10,000 રાખવામાં આવી છે અને આસુરી(લાકડાના થાંભલા)ની કિંમત પણ રૂ. 10,000 રાખવામાં આવી છે. મંદિર દ્વારા કરાયેલી જાહેરાત અનુસાર એક પૈડું ખરીદનાર શ્રદ્ધાળુને એક ગુજા ભેટરૂપે મફત આપવામાં આવશે જ્યારે બે પૈડાં ખરીદનારને એક પ્રભા(ઉપલબ્ધ હશે તો) અથવા બે ગુજા ભેટમાં આપવામાં આવશે.
અગાઉ મંદિર ટ્રસ્ટે લાકડાની આ ચીજોનો ઉપયોગ મંદિરના રસોડમાં કરવાનો નિર્ણય લીધો હોવા છતાં હવે ભક્તો માટે તેની હરાજી કરવામાં આવશે. જોકે મંદિર એડમિનિસ્ટ્રેશને કહ્યું હતું કે આ ચીજોનો કોઈપણ પ્રકારે દુરુપયોગ નહીં કરી શકાય. મંદિરની અધિકૃત વેબસાઈટ પર હરાજી માટે મુકાયેલી તમામ ચીજોની તસવીરો અને વિગતો પણ આપવામાં આવી છે.