લોકસભામાં આજે પાસ થઈ શકે છે GST સાથે જોડાયેલા 4 બિલ, ચર્ચા માટે 7 કલાક નક્કી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી. GST અંગેના 4 પૂરક ખરડા બુધવારે લોકસભામાં પસાર થતાં ઐતિહાસિક ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ પ્રણાલી 1 જુલાઇથી અમલની દિશામાં વધુ એક ડગલું આગળ વધી છે. સેન્ટ્રલ જીએસટી બિલ, ઇન્ટિગ્રેટેડ જીએસટી બિલ, જીએસટી (કૉમ્પેન્સેશન ટુ સ્ટેટ્સ) બિલ અને યુનિયન ટેરિટરી જીએસટી બિલ વિપક્ષો દ્વારા રજૂ કરાયેલા ઢગલાબંધ સુધારા નકારાયા બાદ પસાર થયા હતા. 7 કલાક લાંબી ચર્ચાના જવાબમાં નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું કે દેશમાં સમાન પરોક્ષવેરા પ્રણાલીનો આરંભ કરનારા જીએસટીથી જીવનજરૂરી ચીજો સસ્તી થશે.
 
જીવનજરૂરી ચીજો પર કોઇ ટેક્સ નહીં
 
જીએસટી હેઠળ ખાણી-પીણીની જીવનજરૂરી ચીજો પર કોઇ ટેક્સ નહીં લાગે. મતલબ કે પહેલો ટેક્સ સ્લેબ શૂન્ય હશે જ્યારે બીજો સ્લેબ 5 ટકા અને ત્રીજો 12 ટકા તથા 18 ટકાનો છે લક્ઝરી ટેક્સ સ્લેબ બે ભાગમાં વહેંચવામાં આવ્યો છે, ટેક્સ અને સેસ. તેમાં ટેક્સનો દર 28 ટકા હશે.
 
4 બિલ પસાર થયાં
 
સેન્ટ્રલ જીએસટી : કેન્દ્રદ્વારા રાજ્યોની અંદર વસ્તુઓ, સેવાઓ કે બંને પર ટેક્સની વસૂલાતની વ્યવસ્થા કરાશે.
ઇન્ટિગ્રેટેડ જીએસટી : એકરાજ્યમાંથી બીજા રાજ્યમાં સપ્લાય પર ટેક્સ અંગેની જોગવાઇઓનું વિવરણ અપાયું છે.
જીએસટી કોમ્પેન્સેશન ટુ સ્ટેટ્સ : રાજ્યોનેથનારી મહેસૂલી ખોટ સામે તેમને વળતર ચૂકવવા સંબંધી નિયમો-કાયદાઓનું વિવરણ.
યુનિયન ટેરિટરી જીએસટી : તેમાંકેન્દ્રશાસિત પ્રદેશોમાં વસ્તુઓ, સેવાઓ કે બંનેના સપ્લાય પર ટેક્સ વસૂલવાની જોગવાઇ છે.
 
જીએસટી અંગે વિપક્ષ વતી ચર્ચાની શરૂઆત કરતી વખતે કોંગ્રેસના વરિષ્ઠ નેતા વિરપ્પા મોઈલીએ જણાવ્યું હતું કે, કોઈ ગેમચેન્જર નથી પરંતુ ખૂબ નાનું પગલું છે. તેમની સરકાર જીએસટી આગળ લાવવા માંગતી હતી ત્યારે વિપક્ષમાં બેઠેલા ભાજપે અવરોધો લાવીને બિલ રોક્યું હતું. તેના કારણે 6 વર્ષમાં દેશને 10 લાખ કરોડનું નુકસાન થયું છે.
ક્રાંતિકારી બિલ
 
- જેટલીએ કહ્યું, અધિકારોને દુરુપયોગ ન થાય તેનું ધ્યાન રાખવું પડશે.
- માળખું તૈયાર કરવા માટે જીએસટી કાન્સિલે 12 મીટિંગ કરી.
- આજે સંસદની અંદર ચારેય કાનૂન તૈયાર થઈ ચૂક્યા છે. કામની ફાળવણી કેન્દ્ર-રાજ્યો વચ્ચે કેવી રીતે કરવી તે નક્કી થઈ ચૂક્યું છે.
- આ ક્રાંતિકારી બિલ છે, જેનાથી તમામને લાભ થશે. તેમાં રાજ્યોની સોવેરીનટી યથાવત રાખવામાં આવી છે.
- જીએસટી માટે 5,12, 18 અને 28% ચાર દરોના સ્લેબની પ્રપોઝલ છે.
 
બિલ ગેમ ચેન્જર નહીં સામાન્ય પગલું: વિરપ્પા મોઈલી
 
કોંગ્રેસના વરિષ્ઠ નેતા વિરપ્પા મોઈલીએ જીએસટી બિલ પર ચર્ચામાં ભાગ લેતાં જણાવ્યું કે,  આ બિલ ગેમચેન્જર નહીં પરંતુ એક સામાન્ય પગલું છે.  જીએસટી ગંભીર મુદ્દો છે. નફાખોરી પર નિયંત્રણ લાવવા બિલમાં જે જોગવાઈનો ઉલ્લેખ છે તે ખૂબ કડક છે.  બીજેપીએ દેશમાં જીએસટી વિલંબથી લાગુ કરીને આશરે 10 લાખ કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો છે.
 
TMCએ કર્યો બહિષ્કાર
 
રાજ્યસભામાં જીએસટી બિલ પર ચર્ચા દરમિયાન તૃણમુલ કોંગ્રેસે ગૃહનો બહિષ્કાર કર્યો હતો.રાજ્યસભામાં અરૂણ જેટલીએ કહ્યું કે, આ બિલ રાજકીય પક્ષોના ફન્ડિંગને વધારે સરળ કરશે. પોલિટિકલ પાર્ટીઓ ચેક દ્વારા ફન્ડ આપી શકશે.
 
અમે જીએસટીનો વિરોધ નહીં કરીએઃ મુલાયમ સિંહ યાદવ
 
સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમ સિંહ યાદવે જીએસટી બિલ પર ચર્ચામાં ભાગ લેતાં જણાવ્યું કે, જીએસટી તો પાસ થશે. અમે તેનો વિરોધ નહીં કરીએ. સત્તા પક્ષ દ્વારા જે વાયદા કરવામાં આવ્યા છે તેને પણ પૂરા કરો.
 
ભાજપે વ્હીપ કાઢ્યું
 
લોકસભામાં જીએસટી પર થનારી મહત્વપૂર્ણ ચર્ચાને ધ્યાનમાં રાખીને ભાજપે આજે ત્રણ લાઈનનું વ્હીપ કાઢીને તમામ સાંસદોને હાજર રહેવા જણાવ્યું છે.
 
જીએસટી બિલની મહત્વની જોગવાઈ
 
- ડિમેરિટ ગુડ્સ પર સેસઃ પાન મસાલા પર મહત્તમ 135%, સિગરેટ પર 290%, લક્ઝરી કાર અને કાર્બેનેટેડ ડ્રિંક્સ પર 15% સુધી સેસ લગાવવાની જોગવાઈ છે.
- કર ચોરી પર જેલઃ ટ્રાન્ઝેક્શન છૂપાવવા કે કર ચોરી કરવા ધરપકડ થઈ શકે છે. દોષી વ્યક્તિને 5 વર્ષ સુધી જેલ કે દંડ થઈ શકે છે.
- નફાખોરી પર નિયંત્રણઃ જે વસ્તુઓ પર ઓછો ટેક્સ લાગશે તેનો ફાયદો કસ્ટમરને મળશે. આમ નહીં કરનારા પર કાર્યવાહી થશે. નજર રાખવા માટે ઓથોરિટી બનશે.
- નાના બિઝનેસને રાહતઃ વાર્ષિક 50 લાખ રૂપિયા સુધી બિઝનેસ કરતા મેન્યુફેક્ચરર્સે ટર્નઓવરના 1% સુધી ટેક્સ આપવો પડશે.
- ઈ કોમર્સ પર પણ જીએસટીઃ ઈ-કોમર્સ કંપનીઓ તેના પ્લેટફોર્મનો ઉપયોગ કરીને સપ્લાયર્સને ચૂકવણી કરે તે પહેલાં ટેક્સ કપાશે. જે  મહત્તમ 1% હશે.
 
સવાલ-જવાબમાં જાણો, જીએસટીથી શું મળશે?
 
1#  આખરે જીએસટી છે શું?
 
-જીએસટી એટલે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. તેને કેન્દ્ર અને રાજ્યોના 20થી વધુ અપ્રત્યક્ષ કરના બદલે લગાવવામાં આવી રહ્યો છે. જીએસટી બાદ એક્સાઈઝ ડ્યુટી, સર્વિસ ટેક્સ, એડિશનલ કસ્ટમ ડ્યુટી, સ્પેશલ એડિશનલ ડ્યુટી ઓફ કસ્ટમ, વેટ-સેલ્સ ટેક્સ, સેન્ટ્રલ સેલ્સ ટેક્સ, મનોરંજન કર, ઓક્ટ્રોય એન્ડ એન્ટ્રી ટેક્સ, લક્ઝરી જેવા ટેક્સ ખતમ થશે.
 
2#  એટલે આ પછી માત્ર એક જ ટેક્સ લાગશે?
 
- ના. જીએસટીમાં 3 પ્રકારના ટેક્સ હશે.
- સીજીએસટી એટલે સેન્ટ્રલ જીએસટીઃ તેને કેન્દ્ર સરકાર વસૂલશે.
- એસજીએસટી એટલે સ્ટેટ જીએસટીઃ તેને રાજ્ય સરકાર વસૂલશે.
- આઈજીએસટી એટલે ઈન્ટિગ્રેટેડ જીએસટીઃ જો કોઈ કારોબાર બે રાજ્યો વચ્ચે થશે તો તેના પર આ ટેક્સ લાગશે. કેન્દ્ર સરકાર તેને વસૂલ કરીને બંને રાજ્યોમાં સમકક્ષ વહેંચી દેશે.
 
3#  તેનાથી સામાન્ય લોકોને શું લાભ થશે?
 
- ટેક્સ સ્લેબ અને દર ઘટશેઃ હાલ આપણ વિવિધ સામાન પર 30થી 35 ટકા ટેક્સ આપીએ છીએ. જીએસટીમાં ઓછો ટેક્સ લાગશે.
- એક દેશ, એક ટેક્સઃ તમામ રાજ્યોમાં એક સમાન ટેક્સ લાગશે. હાલ એક જ ચીજ બે રાજ્યોમાં અલગ-અલગ ભાવ પર વેચાય છે. કારણકે રાજ્ય પોતાના હિસાબે ટેક્સ લગાવે છે.
 
4# અત્યાર સુધી કેમ અટક્યું હતું જીએસટી?
 
- 17 વર્ષ પહેલાં વાજપેયી સરકારે તેનો પાયો નાંખ્યો હતો. પણ બહુમત ન હોવાના કારણે ટળતું રહ્યું. 2009માં યુપીએ સરકારે કોશિશ કરી, ત્યારે મોટાભાગના રાજ્યમાં બિન કોંગ્રેસ સરકાર હતી. તમામ નુકસાનની ભરપાઈ પર અટક્યા હતા. હવે કેન્દ્ર અને મોટાભાગના રાજ્યોમાં બીજેપીની બહુમતવાળી સરકાર છે.
 
5#  વિશ્વમાં 5થી 25% સુધી છે જીએસટી?
 
- જીએસટી 150 દેશોમાં લાગુ થઈ ચૂક્યો છે. પરંતુ રેટ અલગ અલગ છે.
- જાપાનમાં 5 ટકા, સિંગાપુરમાં 7 ટકા, જર્મનીમાં 19 ટકા, ફ્રાન્સમાં 19.6 ટકા છે.
- સ્વીડનમાં 25 ટકા, ઓસ્ટ્રેલિયામાં 10 ટકા, કેનેડામાં 5 ટકા, ન્યૂઝીલેન્ડમાં 15 ટકા અને પાકિસ્તાનમાં 18 ટકા સુધી છે.
 
6#  શું છે તેની સાથે સંકળાયેલા ઈન્ટરેસ્ટિંગ ફેક્ટ?
 
-  આ એક એવું ફેક્ટ છે કે સમગ્ર વિશ્વમાં જીએસટી લાગુ થયા બાદ થયેલી ચૂંટણીમાં કોઈપણ સરકાર બીજીવાર ચૂંટાઈ નથી.
- કારણઃ શરૂઆતના વર્ષોમાં કેટલીક ચીજો મોંઘી થઈ જાય છે. તેનું નુકસાન સરકારે ભોગવવું પડે છે.