જમીન-મકાનની લીઝ કે ભાડા પર પણ GST લાગશે, 31 માર્ચે નક્કી થશે ટેક્સ દર-સ્લેબ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી. આગામી પહેલી જુલાઇથી જમીન લીઝ આપવા પર અને મકાન ભાડે આપવા પર સરકાર જીએસટી (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) વસૂલશે. સાથે અન્ડરકન્સ્ટ્રક્શન મકાનની ખરીદી પેટે ચૂકવાતા ઇએમઆઇ પર પણ જીએસટી લાગશે. ટેક્સનો દર કેટલો રહેશે હજુ સ્પષ્ટ નથી. જોકે જમીન કે મકાનના વેચાણ અને વીજળી પર જીએસટી નહીં લાગુ પડે. જો તમે જમીન લીઝ પર આપી હશે કે મકાન ભાડે પર આપ્યું હશે તો આગામી 1લી જુલાઇથી તેના પર મળતી રકમ પર જીએસટી ચૂકવવો પડશે. એટલું નહીં બાંધકામ હેઠળનું મકાન ખરીદવા માટે ચૂકવવામાં આવેલા ઇએમઆઇ પર પણ જીએસટી લાગુ થશે.
 
સરકારે પરોક્ષ વેરાના સ્થાને જીએસટી લાગુ કરવા કટિબદ્ધ
 
કેન્દ્ર સરકાર આગામી પહેલી જુલાઇથી તમામ પ્રકારના પરોક્ષ વેરાના સ્થાને જીએસટી લાગુ કરવા કટિબદ્ધ છે. જીએસટીની તમામ જોગવાઈઓ પર સર્વસંમતિ થઈ ચૂકી છે. કઈ ચીજ-વસ્તુઓ કયા ટેક્સ સ્લેબમાં આવશે તેના પર અત્યારે વાતચીત ચાલી રહી છે. જોકે મકાન અને જમીનના વેચાણને જીએસટીમાંથી બાકાત રાખવામાં આવ્યું છે. નાણાપ્રધાન અરુણ જેટલીએ સોમવારે લોકસભામાં રજૂ કરેલા જીએસટી સંબંધિત બિલો મુજબ જમીન-વેચાણના ટ્રાન્ઝેક્શન સ્ટેમ્પ ડ્યુટી યથાવત રહેશે. સાથે ઇલેક્ટ્રિસિટીને પણ જીએસટીમાંથી બાકાત રાખવામાં આવી છે.
 
પૂરી પાડવામાં આવેલી સેવા પર વસૂલાશે જીએસટી
 
ચાલુ વર્ષની 1લી જુલાઇથી લાગુ થનાર જીએસટીમાં વર્તમાન સેન્ટ્રલ એક્સાઇઝ ટેક્સ, સર્વિસ ટેક્સ અને રાજ્યો દ્વારા વસૂલાતા વેટ જેવા તમામ પરોક્ષ વેરાનો સમાવેશ થાય છે. સેન્ટ્રલ જીએસટી બિલ મુજબ કોઈ પણ પ્રકારની લીઝ કે જમીનના કબજા માટેના લાઇસન્સ પર જીએસટી લાગુ થશે. બિલમાં તેને ‘પૂરી પાડવામાં આવેલી સેવા’ (સપ્લાય ઑફ સર્વિસ) ગણવામાં આવ્યું છે. ઉપરાંત કોઈ પણ અડધું કે આખું મકાન લીઝ કે ભાડે આપવા પર જીએસટી લાગુ થશે. ટેક્સ રહેણાક અને ઔદ્યોગિક ક્ષેત્રોના બિલ્ડિંગ્સ પર લાગુ થશે.
 
ચીજવસ્તુઓ કે સામાન સિવાયની તમામ બાબતો ‘સેવા’ અથવા ‘સર્વિસ’ ગણાશે
 
બિલમાં પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જમીન અને બિલ્ડિંગ (અન્ડરકન્સ્ટ્રક્શન નહીં)ના વેચાણ પર જીએસટી હેઠળ કોઈ ટેક્સ લાગુ પડશે નહીં. ટેક્સ નિષ્ણાતોનું કહેવું છે કે સર્વિસ ટેક્સની વર્તમાન વ્યવસ્થા હેઠળ કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ એકમોમાં ભાડે આપવા પર ટેક્સ લાગુ પડે છે પણ રહેણાક મકાનોને તેમાંથી બાકાત રાખવામાં આવ્યું છે. ટેક્સનો દર કેટલો રહેશે હજુ સ્પષ્ટ નથી. પરોક્ષ વેરાની નવી વ્યવસ્થા મુજબ ચીજવસ્તુઓ કે સામાન સિવાયની તમામ બાબતોને ‘સેવા’ અથવા ‘સર્વિસ’ ગણવામાં આવી છે. અગાઉ એવું માનવામાં આવતું હતું કે જમીન કે મકાન જેવી સ્થાવર સંપત્તિ પૂરી પાડવા પર જીએસટી લાગુ થશે પણ સંસદમાં રજૂ થયેલા બિલમાં અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, ટેક્સનો દર અને ટેક્સ સ્લેબ કેટલો?  તે 31 માર્ચે નક્કી થશે
અન્ય સમાચારો પણ છે...