કાશ્મીરમાં ત્રાસવાદીઓ સાથેની અથડામણમાં ચાર જવાન શહીદ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં થયેલી ભીષણ અથડામણમાં શુક્રવારે લશ્કરના ચાર જવાન શહીદ થયા હતા અને હિઝબુલ મુજાહિદ્દીન જુથનો એક ત્રાસવાદી ઠાર મરાયો હતો. સત્તાવાર અધિકારીએ જણાવ્યું હતું કે ત્રાસવાદીઓના એક જુથની ઉપસ્થિતિ હોવાની માહિતી મળતા લશ્કરે ઓપરેશન શરૂ કર્યું હતું.

જેના પગલે ટ્રાલ વિસ્તારના બુચુ ગામે અથડામણ ફાટી નીકળી હતી. લશ્કરી પ્રવક્તાએ જણાવ્યું હતું કે લશ્કરે ગામને ફરતે ઘેરો ઘાલવાનું શરૂ કર્યું ત્યારે નજીકના જંગલોમાં સંતાયેલા ત્રાસવાદીઓએ ગોળીબાર શરૂ કર્યા હતા. આથી વધારાના સુરક્ષા દળો ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં અને ત્રાસવાદીઓને શોધી કાઢવાનું ઓપરેશન શરૂ કર્યું હતું.

આ દરમિયાન લશ્કરના જવાનોને ફરીથી ત્રાસવાદીઓ સાથે અથડામણ થઇ હતી. જેમાં એક જવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેણે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધો હતો. આ અથડામણમાં એક ત્રાસવાદી ઠાર મરાયો હતો. શહેરમાં પોલીસ સાથેની એક અથડામણમાં લશ્કર-એ-તોઇબાનો ટોચનો ત્રાસવાદી ઠાર મરાયાના બીજા દિવસે આ અથડામણ ફાટી નીકળી હતી.

પોલીસના હાથે ઠાર મરાયેલો ત્રાસવાદી હિલાલ મોલવી ઉત્તર કાશ્મીરના પટ્ટન અને સોપોરેમાં કેટલાય નાગરિકોની હત્યા માટે જવાબદાર હતો. શહેરના ફતેહકદાલ વિસ્તારમાં તોઇબાનો સેલ્ફ-સ્ટાઇલ્ડ કમાન્ડર હિલાલ મોલવી દેખાયો હોવાની માહિતીના પગલે પોલીસે ઓપરેશન હાથ ધરી તેને ઠાર માર્યો હતો.