બેતુલમાં ૧૨૦૦૦ વર્ષ જુનાં રોક પેઈન્ટિંગ મળ્યાં !

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પુરાતત્વવિભાગે મહારાષ્ટ્ર-મધ્યપ્રદેશના સરહદી વિસ્તારમાં બેતુલ ખાતે આવેલી સાતપુરા પર્વતમાળા પર ૧૨૦૦૦ વર્ષ જૂના રોક પેઈન્ટિંગ શોધી કાઢયાં છે. પુરાતત્વવિદોની ટીમે તાપ્તી-પૂણૉ ખીણ પ્રદેશમાં આવેલી ગ્વાઈલગઢની ટેકરીઓ પરથી આ પ્રાચીનકળાનો વારસો શોધીને વિદર્ભ અને તેની આસપાસનો પ્રદેશ આ કળાથી વંચિત હોવાની સદીઓ જૂની માન્યતા તોડી નાખી છે.

ભારતીય પુરાતત્વ સર્વે(એએસઆઈ) અધિકારીએ જણાવ્યું હતું કે આ પ્રદેશમાંથી મળી આવેલાં ૭૧ રોક પેઈન્ટિંગ(પથ્થરો પર દોરવામાં આવેલાં ચિત્રો) ભોપાલ નજીક ભીમબેટ્કા ખાતે આવેલી વર્લ્ડ હેરિટેજ સાઈટને પ્રાચીન વારસા બાબતે ટક્કર આપે તેવી શક્યતા છે. એએસઆઈની નાગપુર ખાતે આવેલી પ્રિ-હિસ્ટ્રી એન્ડ એક્સકેવેશન બ્રાન્ચ-એકની ટીમે સાતપુરા રેન્જમાંથી પ્રાચીન દસ્તાવેજો શોધવા માટે હાથ ધરેલા અભિયાન દરમિયાન આ પ્રાચીન વારસો મળી આવ્યો હતો.

આ ઉપરાંત વિદર્ભ પ્રાંતના અમરાવતી જિલ્લામાં મોરશીથી ૨૫ કિમી દૂર ચીંચોલી ગ્વાલી ગામમાં એએસઆઈની ટીમે હાથ ધરેલા અભિયાનમાં ૨૦૦ બિનસુશોભિત રોક શેલ્ટર(ખડકોમાં તૈયાર કરેલા આવાસો) મળી આવ્યા હતા. ડિસેમ્બર -૨૦૧૨ના છેલ્લા અઠવાડિયાથી અત્યાર સુધીમાં આ ટીમે અહીં ૮૯ રોક શેલ્ટર શોધી કાઢયાં હતાં. નાગપુર બ્રાન્ચના સુપરિન્ટેન્ડેન્ટ આર્કિયોલોજિસ્ટ નંદીની ભટ્ટાચાર્ય સાહુએ જણાવ્યું હતું કે કેટલાક રોક શેલ્ટરમાં દીવાલ, છત અને તિળયા પર સુશોભન કરેલું પણ જોવા મળે છે.